સાહિત્યસર્જક: ડોલરરાય માંકડ
સવિશેષ પરિચય:
ડોલરરાય માંકડ-જયંત ગાડીત કાવ્યવિવેચન (૧૯૪૯) : ડોલરરાય માંકડનાં કાવ્યશાસ્ત્રવિષયક લેખો, નોંધો, કાવ્યાસ્વાદો, અવલોકનોનો સંગ્રહ. એમાં સંસ્કૃત અલંકારશાસ્ત્રનું પરિશીલન દેખાય છે. સિદ્ધાંતવિચારના ત્રણ લેખોમાં, ‘સાધારણીકરણ વ્યાપાર’ જે ભટ્ટ નાયકે ભાવકના સંદર્ભમાં સ્થાપ્યો છે તેની પ્રયોજકતા સર્જકના સંદર્ભમાં પણ દર્શાવી છે; ‘કાવ્યસ્વરૂપ’માં કવિસૃષ્ટિની અનન્યતા તથા કુન્તકની સર્જકપ્રતિભાના પરિસ્પન્દની કલ્પનાને વિશદ કરીને સર્જનપ્રક્રિયા સમજાવી છે; ‘ધ્વનિના પ્રભેદો’ મુખ્યત્વે આનંદવર્ધનના ‘ધ્વન્યાલોક’ને આધારે વર્ણવ્યા છે. પાશ્ચાત્ય કાવ્યશાસ્ત્રને લગતી ત્રણ નોંધોમાં ‘પેથેટિક ફૅલસી’ માટે ‘ઊર્મિજન્ય ભાવાભાસ’ શબ્દસમૂહની યોગ્યતા, ‘મેટાફર’માં રૂપક અને સમાસોક્તિ ઉભયનો સમાવેશ અને ‘આઈરની’માં વિપરીત લક્ષણામૂલક અત્યન્ત તિરસ્કૃતવાચ્યધ્વનિ હોવાનું દર્શાવ્યું છે. મુનશીનો સચોટતાવાદ, ખબરદારનો કાવ્યાનંદ ને ‘ડોલન’નો સંબંધ, કાન્તકૃત ‘દેવયાની’ના રસસંક્રમણ સંદર્ભે રા. વિ. પાઠક તથા મનસુખલાલ ઝવેરીની રસવિભાગ-રસોદય અંગેની ચર્ચા અને વિષ્ણુપ્રસાદ ત્રિવેદીનો ‘અનુભાવના’નો પ્રત્યય-એ ચાર સંપ્રત્યયોની સૂક્ષ્મ તપાસ કરતા નિબંધો ‘વિવેચનમાં શાસ્ત્રીય પરિભાષાની આવશ્યકતા’ દર્શાવે છે. ગ્રંથના ઉત્તરાર્ધમાં કાવ્યાસ્વાદ વિષયક લેખો તથા અવલોકનો છે. -રાજેન્દ્ર નાણાવટી નૈવેધ (૧૯૬૨) : ડોલરરાય માંકડનો એમની ષષ્ટિપૂર્તિ નિમિત્તે પ્રગટ થયેલો લેખસંગ્રહ. વિવિધ સામયિકોમાં વિભિન્ન સમયે પ્રગટ થયેલા એમના લેખોને અહીં એકત્રિત કરવામાં આવ્યાં છે. વિવિધ વિષયોવાળા આ લેખોમાં ‘અનુશ્રુતિનું યાથાતથ્ય’, ‘કલ્કિ અવતાર’, ‘ઋગ્વેદમાં ઉત્તરધ્રુવ’ એ પુરાતત્વના લેખો છે; તો ‘નાટ્યશાસ્ત્રનાં કેટલાંક રૂપો’, ‘એકાંકી નાટકો’, ‘કાલિદાસની નાટ્યભાવના’ ઇત્યાદિ સંસ્કૃત નાટ્યસાહિત્ય પરના લેખો છે. ‘નવલકથા અને નવલિકા’ જેવો અર્વાચીન સાહિત્યપ્રકારના સ્વરૂપની ચર્ચા કરતો લેખ એક જ છે, પરંતુ ગુજરાતી સાહિત્યકૃતિઓ પરના અભ્યાસલેખોનું ઠીકઠીક પ્રમાણ છે. ‘સરસ્વતીચંદ્ર સકલકથા’, ‘શર્વિલક’, ‘વસંતોત્સવ-એક ઉપમાકાવ્ય’, ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ જેવા લેખોમાં લેખકનો મૌલિક દ્રષ્ટિકોણ જોઈ શકાય છે. ‘પાંડિત્યમંડિત રસિકતા’ અને ‘દી. બ. કેશવલાલ હ. ધ્રુવની વાઙ્ મય સેવાની સૂચિ’ એ કે. હ. ધ્રુવ વિશેના બે મહત્વના લેખો છે. ‘ભાષા’, ‘વાક્યવિચાર’, ‘ગુજરાતીમાં મૂર્ધન્ય’, ‘ડ’ અને મૂર્ધન્યેતર ‘ડ’, ‘હોળીનું મૂળ’ ઇત્યાદિ ભાષા અને વ્યાકરણના લેખો છે. ‘ભગવજ્જુકમ્’ એક સંસ્કૃત પ્રહસનનો અનુવાદ છે. ‘નિરુકતનું ભાષાંતર’માં નિરુકતના બીજા અધ્યાયના એકથી ચાર ખંડનો અનુવાદ છે. શાસ્ત્રીય સંશોધનાત્મક દ્રષ્ટિ, વિશદ રજૂઆત અને અનાક્રમક મતદર્શનને લીધે આ લેખો અભ્યાસીઓને ઉપયોગી નીવડે એવા છે. -જયંત ગાડીત ગુજરાતી કાવ્યપ્રકારો (૧૯૬૪) : ડોલરરાય માંકડે ‘ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા’ (મુંબઈ યુનિવર્સિટી)માં ૧૯૫૭-૫૮માં આપેલા પાંચ વ્યાખ્યાનોનું ગ્રંથસ્વરૂપ. પહેલા વ્યાખ્યાનમાં તેઓ કાવ્યોના વર્ગીકરણ માટે ભાષાસ્વરૂપ, ભાષાપ્રકાર, વસ્તુનું મૂળ, કાવ્યસ્વરૂપ અને કાવ્યનું અંતસ્તત્વ એ પાંચ સિદ્ધાંતો તારવે છે. તેમાં છેલ્લા અર્થાત્ માનવજીવનના નિરૂપણના સિદ્ધાંતને ઉત્તમ ઠેરવી તેને આધારે તેઓ કાવ્યના મહાકાવ્ય, ખંડકાવ્ય અને લઘુકાવ્ય એ ત્રણ પ્રકારોને તર્કસંગત ઠેરવે છે : જેનું કાવ્યવસ્તુ અનુશ્રુતિજન્ય, પ્રખ્યાત, લોકસ્વભાવયુક્ત, વિશાળ ફલકવાળું, સમગ્ર માનવજીવનને પ્રતિબિંત કરતું, બધા પુરુષાર્થો અને મહાપુરુષના ચરિતને નિરૂપતું વીરત્વસભર સદવસ્તુ હોય અને જેનું નિરૂપણ વર્ણન-કથનાત્મક, અગ્રામ્ય, સંમાર્જિત, પ્રસંગાનુકૂલ, નમનીય શૈલીમાં તથા કુશળ સંવિધાનપૂર્વક થયું હોય તે મહાકાવ્ય; વ્યક્તિજીવનના વૃત્તાંતને, માનવજીવનના એકાદ ખંડને, એકાદ પુરુષાર્થને નિરૂપતું હોય તે ખંડકાવ્ય-પૌરાણિક ઉપાખ્યાનો, મધ્યકાલીન આખ્યાનો-વાર્તાઓ, પ્રબન્ધો, રાસા આમાં આવી જાય; જયારે વ્યક્તિજીવનના પ્રસંગ-પરિસ્થિતિ પર અવલંબતું હોય તે લઘુકાવ્ય. લિરિકનો જુદો પ્રકાર અહીં સ્વીકાર્યો નથી. લેખકનો અભિગમ શાસ્ત્રીય અને તર્કનિષ્ઠ છે. -રાજેન્દ્ર નાણાવટી વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી