પંડ્યા દોલતરામ કૃપાશંકર
(૮-૩-૧૮૫૬, ૧૮-૧૧-૧૯૧૬) : કવિ, નાટ્યકાર. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વતન નડિયાદમાં. પિતાના મૃત્યુને કારણે મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજનો અભ્યાસ અધવચ્ચે છોડવો પડ્યો. પ્રારંભમાં
વકીલાત. એ પછી તેર વર્ષ લુણાવાડાના દીવાન. ગુજરાત બેંચ મેજિટ્રેસી નામની લોકોપયોગી સંસ્થા સ્થાપી. ટોલ જેવો દુઃખકર વેરો રદ કરવાની લડતમાં ભાગ લીધો. નડિયાદમાં અંત્યજ સહકારી મંડળી સ્થાપી. નડિયાદમાં અવસાન.
એમનું ‘ઇન્દ્રિજિત વધ’ (૧૮૮૭) ગુજરાતી સાહિત્યમાં મહાકાવ્યના પ્રથમ પ્રયોગ તરીકે ઉલ્લેખાય છે. છવ્વીસ સર્ગોમાં વિભાજિત, સર્ગાંતે છંદપલટો અને સર્ગ પ્રમાણે શીર્ષકયોજના દર્શાવતી તથા અંગ-ઉપાંગોમાં ચુસ્ત રીતે સંસ્કૃત
મહાકાવ્યને અનુસરતી આ રચના ચિત્રાત્મકતા અને અલંકારનું સૌંદર્ય ધરાવે છે; પણ એનું આંતરિક સત્ત્વ મહાકાવ્યનું નથી. દલપતશૈલીની અસર અને સળંગસૂત્રતાનો અભાવ પણ રચનાને શિથિલ બનાવે છે. એમના કાવ્યસંગ્રહ
‘સુમનગુચ્છ’ (૧૮૯૯) ની પ્રકૃતિસૌંદર્ય, નીતિરીતિ, ઉપદેશાદિ વિષયોનું નિરૂપણ કરતી રચનાઓ પણ દલપતશૈલીનો અતિરેક અને મધ્યકાલીન કવિતાનું નબળું અનુસરણ જેવી મર્યાદાઓ ધરાવે છે.
‘કુસુમાવલિ’ (૧૮૮૯) કાદંબરીશૈલીની સળંગ કથા છે. એના સર્જકની શિષ્ટ ગુજરાતી ગદ્યકાર તરીકેની છબી એમાંથી ઊભી થાય છે. ‘અમરસત્ર’ (૧૯૦૨) સંસ્કૃતશૈલીનું, અસત્ય પર સત્યના જયને લક્ષતું, પણ કથાઘટકોના સંયોજનમાં
શિથિલતા દર્શાવતું એમનું સપ્તાંકી નાટક છે. ‘સ્વીકૃત નવીન ભાગવત’ એમની અપૂર્ણ રહેલી રચના છે.
-બારીન મહેતા
ઇન્દ્રજિતવધ (૧૮૮૭) : દોલતરામ કૃપારામ પંડ્યાની કાવ્યકૃતિ. સંસ્કૃત મહાકાવ્યની વ્યાખ્યાને લક્ષમાં રાખી એ ઘાટીએ ગુજરાતી ભાષામાં કાવ્ય અવતારવાનો આ પહેલો આયાસ છે. ઐતિહાસિક વસ્તુને વિષય બનાવવા છતાં સંવિધાન
અત્યંત શિથિલ છે અને અર્થપ્રૌઢિનો પ્રયત્ન છતાં અલંકારોની કૃતકતા છે - એ કારણે આ કૃતિ ઊંચી ગુણવત્તા પ્રગટ કરતી નથી. એકંદરે કવિનું ધ્યાન મહાકાવ્યના રચનાકર્મ કરતાં મહાકાવ્યની વ્યાખ્યાના અનુસરણમાં વધું રોકાયેલું વરતાય છે.