દુલા ભાયા ‘કાગ’
(૨૫-૧૧-૧૯૦૨, ૨૨-૨-૧૯૭૭) : કવિ. જન્મસ્થળ મજાદર (જિ. ભાવનગર). પ્રાથમિક પાંચ ધોરણ સુધીનો અભ્યાસ. રામાયણ-મહાભારત ઉપરાંત ચારણી સાહિત્યનો સ્વાધ્યાય અને એનું સંપાદન. ખેતી
અને ગોપાલનનો વ્યવસાય. કંઠ, કહેણી અને કવિતાનો સુમેળ સાધનારા ‘કાગ’ લોકગીતો, ભજનો અને આખ્યાનોનો જાહેર કાર્યક્રમો પણ આપતા. મજાદરમાં અવસાન.
જ્ઞાન, ભક્તિ અને નીતિ-આચારણ જેવા વિષયોને ચારણી છંદ, ભજન અને દુહા જેવા કાવ્યપ્રકારોમાં ઢાળનારા આ કવિએ ‘કાગવાણી’ ભા. ૧ (૧૯૩૫), ભા. ૨ (૧૯૩૮), ભા. ૩ (૧૯૫૦), ભા. ૪ (૧૯૫૬), ભા. ૫ (૧૯૫૮),
ભા. ૬ (૧૯૫૮) અને ભા. ૭ (૧૯૬૪)માં લોકપરંપરાના પ્રાચીન કલેવરમાં અર્વાચીન સંવેદનોને ગૂંથવાનો પ્રયત્ન કર્યો છે. ‘વિનોબાબાવની’ (૧૯૫૮), ‘તો ઘર જાશે, જાશે ધરમ’ (૧૯૫૯), ‘શક્તિચાલીસા’ (૧૯૬૦) ઉપરાંત
‘ગુરુમહિમા’, ‘ચન્દ્રબાવની’, ‘સોરઠબાવની’ વગેરે કૃતિઓ પણ એમણે રચી છે.