વાલેસ કાર્લોસ જોસે, ‘ફાધર વાલેસ’
(૪-૧૧-૧૯૨૫) : નિબંધલેખક. જન્મ સ્પેનના લોગ્રોનોમાં. ૧૯૪૧માં એસ.એસ.સી. ૧૯૪૫માં સલામાન્કા યુનિવર્સિટીમાંથી ગ્રીક વિષય સાથે બી.એ. ૧૯૪૯માં ગ્રેગોરિયન યુનિવર્સિટીમાંથી તત્વજ્ઞાન વિષય સાથે બી.એ. ૧૯૫૩માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી
ગણિતશાસ્ત્ર વિષયમાં એમ.એ. ૧૯૬૦ થી ૧૯૮૨ સુધી સેન્ટ ઝેવિયર્સ કૉલેજ, અમદાવાદમાં ગણિતશાસ્ત્રના અધ્યાપક. ૧૯૬૬માં કુમારચંદ્રક અને ૧૯૭૮માં રણજિતરામ સુવર્ણચંદ્રક.
જીવનઘડતરના ધ્યેયથી ‘સદાચાર’ (૧૯૬૦), ‘તરુણાશ્રમ’ (૧૯૬૫), ‘ગાંધીજી અને નવી પેઢી’ (૧૯૭૧) વગેરે સંખ્યાબંધ નિબંધસંગ્રહો એમણે આપ્યાં છે. ‘આત્મકથાના ટુકડા’ (૧૯૭૯)માં એમના જીવનની વીગતો રસપ્રદ છે.
એમનાં લખાણોમાં સરલ ગદ્યની કેટલીક નોખી અભિવ્યક્તિઓ એમના હાથે સહજ બની છે. ઉપરાંત એમણે ભાષાના વ્યવહારમાં શબ્દોના વિનિયોગ વિશે ચિંતન કરતો ગ્રંથ ‘શબ્દલોક’ (૧૯૮૭) પણ આપ્યો છે.
-ચંદ્રકાન્ત ટોપીવાળા
આત્મકથાના ટુકડા (૧૯૫૯) : ૧૮૮૬ આસપાસ મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ ૨૮ વર્ષની ઉંમરે કથા રૂપે લખવું શરૂ કરેલું અને પછી (૧૭-૧૧-૧૮૮૯ થી ૨૨-૮-૧૮૯૫ સુધી) ડાયરી રૂપે ચાલુ રહેલું આ આત્મચરિત્ર ધીરુભાઈ ઠાકરને હાથે સંપાદિત થઈ ઘણાં
વર્ષે પ્રગટ થયું. તેમાં લેખકે, કોઈ પરમ વિશ્વાસુ મિત્ર સમક્ષ હૃદય ખોલતા હોય તેમ, નિખાલસભાવે કરેલું આ સ્વાનુભવકથન છે, જે મણિલાલના માનસને તેમ એમના કાવ્યાદિ સાહિત્યને સમજવામાં ઉપયોગી છે. ખરું જોતાં આ આત્મવૃત્તાંતમાં લેખક,
ચિતક, પંડિત અને અધ્યાત્મપ્રેમી લોકશિક્ષક તરીકે ખ્યાતિ પામેલા જીવનવીરે વ્યાધિ, કુસંગ અને અતૃપ્ત પ્રેમતૃષાને કારણે અદમ્ય બનેલી પ્રકૃતિની સામે ચલાવેલા યુદ્ધની દારુણ કથા છે. તેમાં તત્કાલીન સમાજસ્થિતિનું પ્રતિબિંબ પણ ઝિલાયું છે.