દહીંવાલા અબ્દુલગની અબ્દુલકરીમ, ‘ગની દહીંવાલા’
(૧૭-૮-૧૯૦૮, ૫-૩-૧૯૮૭) : કવિ. જન્મ વતન સુરતમાં. અભ્યાસ પ્રાથમિક ત્રણ ધોરણ સુધી. ૧૯૨૮માં અમદાવાદમાં અને પછી ૧૯૩૦ થી સુરત જઈ દરજીની દુકાન. સુરતમાં
‘સ્વરસંગમ’ નામના સંગીતમંડળની સ્થાપના. ૧૯૪૨માં મહાગુજરાત ગઝલ મંડળના સ્થાપક સભ્ય. ૧૯૮૧માં ભારત સરકાર તરફથી સાંસ્કૃતિક વિનિમય યોજના અન્વયે પ્રકાશિત થતા ‘ગુજરાત મિત્ર’ દૈનિકમાં કાવ્યકટાક્ષિકાલેખન.
‘ગાતાં ઝરણાં’ (૧૯૫૩), ‘મહેક’ (૧૯૬૧), ‘મધુરપ’ (૧૯૭૧), ‘ગનીમત’ (૧૯૭૧), અને ‘નિરાંત’ (૧૯૮૧) એ એમના ગીત, ગઝલ અને મુક્તકના સંગ્રહો છે. ‘ભીખારણનું ગીત’ કે ‘ચાલ મજાની આંબાવાડી’ જેવી કેટલીક નોંધપાત્ર
ગીતરચનાઓ આ સંગ્રહોમાં છે; પરંતુ કવિની વિશેષ સિદ્ધિ તો ગઝલમાં છે. નવા ગઝલકારોની પ્રયોગશીલતાને અનુસરવાનું વલણ આ ગઝલોમાં દેખાય છે. પ્રણય-મસ્તી કરતાં દુનિયાના અનુભવોમાંથી જન્મતું દર્દ, તેમ જ આધ્યાત્મિકતા
કરતાં પૃથ્વી પ્રત્યેનો પ્રેમ એમની ગઝલોમાં વિશેષ છે. રદીફ-કાફિયા પરનું પ્રભુત્વ અને છંદની સફાઈ એ આ ગઝલોની ધ્યાનપાત્ર લાક્ષણિકતાઓ છે.
‘જશને શહાદત’ (૧૯૫૭)એ ૧૮૫૭ના બળવા વિશે એમણે હિંદીમાં લખેલી નૃત્યનાટિકા છે. ‘પહેલો માળ’ ૧૯૫૯-૬૦માં ભજવાયેલું, પરંતુ અગ્રંથસ્થ રહેલું એમનું ત્રિઅંકી નાટક છે.
-જયંત ગાડીત
ગાતાં ઝરણાં (૧૯૫૩) : ગની દહીંવાલાનો ગઝલસંગ્રહ. પ્રણયના વિવિધ ભાવોની સાથે જીવન પ્રત્યેની અતૂટ શ્રદ્ધા નિરૂપતી આ ગઝલો સરળતા, વેધકતા, પ્રવાહિતા, પ્રાસજન્ય ચમત્કૃતિ અને કથનગત નાટ્યાત્મકતાને કારણે ચોટદાર
બની છે. એમાં ફારસી-ઉર્દૂ શબ્દોની સાથે સંસ્કૃત તત્સમ અને તદભવ શબ્દો સાહજિકતાથી પ્રયોજાયેલા છે. આ સંગ્રહમાં ગઝલ ઉપરાંત મુક્તકો, ગીતો અને અન્ય કાવ્યરચનાઓ પણ છે. માનવહૃદયની ઝંખના અને ભીષણ વાસ્તવિકતાને
સમાનરૂપે નિરૂપતું ‘ભિખારણનું ગીત’ એ જાણીતી રચના છે.