સાહિત્યસર્જક: ગોવર્ધનરામ ત્રિપાઠી
સવિશેષ પરિચય:
ફોટો: ગોવર્ધનરામ ત્રિપાઠી-જયંત ગાડીત સરસ્વતીચંદ્ર –ભા. ૧,૨,૩,૪ (૧૮૮૭, ૧૮૯૨, ૧૮૯૮, ૧૯૦૧) : ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની બૃહત્કાય નવલકથા. આશરે અઢારસો પૃષ્ઠમાં વિસ્તરેલી આ કથાને ‘પુરાણ’, ‘પંડિતયુગનું મહાકાવ્ય’, ‘મહાનવલ’ વગેરે રૂપે ઓળખાવવામાં આવી છે. ગાંધીજી પૂર્વે ગુજરાતના શિક્ષિત સમાજ પર ઊંડો પ્રભાવ આ નવલકથાએ પાડ્યો એનું કારણ આ કૃતિમાં વ્યક્ત થયેલું જીવનવિષયક ઊંડું વ્યાપક ચિંતન તથા એ ચિંતનને કળારૂપ આપનારી સર્જકપ્રતિભા છે. પ્રાચીન પૂર્વ, અર્વાચીન પૂર્વ ને અર્વાચીન પશ્ચિમ-એ ત્રણ સંસ્કૃતિઓનાં સંગમકાળે ઊભેલા ભારતીય પ્રજાજીવનનાં ધર્મ, રાજ્ય અને ગૃહ વિશેના પોતાના વિચારો પ્રજા સમક્ષ મૂકવાનો ઉચ્ચાશય કૃતિના સર્જન વખતે સર્જકના મનમાં હતો; ને તેથી નવલકથાનું વસ્તુ અનેકકેન્દ્રી નિરૂપણવાળું બન્યું છે. બધી કથાઓ સાથે ઓછેવત્તે અંશે સંબંધિત અને ચારે ભાગમાં સેરરૂપે વહેતી કથા સરસ્વતીચંદ્ર અને કુમુદસુંદરીના પ્રણયની છે. મુંબઈના ધનવાન વેપારી લક્ષ્મીનંદનનો યુનિવર્સિટીની કેળવણી પામેલો, વિદ્યાવ્યાસંગી, વૈરાગ્યવૃત્તિવાળો અને ગુણવાન પુત્ર સરસ્વતીચંદ્ર અપરમા ગુમાનની કાનભંભેરણીથી પિતાએ કહેલાં કટુ વચનો અને કરેલા આક્ષેપોથી આવેશમાં આવી પિતાની સંપત્તિનો તથા પોતાની વાગ્દત્તા અને રત્નનગરીના અમાત્યની પુત્રી કુમુદસુંદરીનો ત્યાગ કરી ઘર છોડી ચાલ્યો જાય છે એ આ પ્રણયકથાનો ધરીરૂપ પ્રસંગ છે. સરસ્વતીચંદ્રના ગૃહત્યાગથી કુમુદસુંદરીનાં લગ્ન સુવર્ણપુરના અમાત્ય બુદ્ધિધનના અલ્પશિક્ષિત અને દુરાચારી પુત્ર પ્રમાદધન સાથે થાય છે. વિદ્યાચતુરના ઘરમાં મળેલાં કેળવણી ને સંસ્કારને લીધે વિધારસિક કુમુદસુંદરી મનોમન પ્રમાદધન અને સરસ્વતીચંદ્રની સરખામણી કરતી શ્વસુરગૃહે વ્યથિત રહે છે. પતિવ્રતા ધર્મ પ્રમાણે સરસ્વતીચંદ્રને ભૂલવા યત્ન કરે છે, પણ ભૂલી નથી શકતી. ગૃહત્યાગ કરીને નીકળેલા પણ કુમુદનું મન જાણવા તેને મળવાની અપેક્ષાએ રત્નનગરી જવા નીકળેલો સરસ્વતીચંદ્ર સમુદ્રના તોફાનને લીધે વહાણ સુવર્ણપુરના આરે આવી પહોંચતાં, અમાત્ય બુદ્ધિધન સાથેના પરિચયમાં પોતાનાં જ્ઞાન અને શીલથી બુદ્ધિધનને આકર્ષે છે અને નવીનચંદ્ર નામ ધારણ કરી અમાત્યના ઘરમાં એક વિશ્વાસપાત્ર સ્વજન બની રહે છે. બુદ્ધિધન તેને રાજ્યમાં સારી નોકરી આપવાની વાત કરે છે, પરંતુ કંઈક બુદ્ધિધનના ઘરમાં કુમુદની દુઃખી હાલત જોઈ વ્યથિત બનેલો, કંઈક અનુભવાર્થી બનવાની ઈચ્છાથી, તો કંઈક કુમુદની લાગણી સમજીને દૂર થવા સારુ તે સુવર્ણપુર છોડી જાય છે. જંગલમાં બહારવટિયાઓને હાથે એનું ઘાયલ થવું અને સુંદરગિરિ પર્વત પરના વિષ્ણુદાસ તથા તેમના સાધુઓની અનુકંપાએ મઠમાં જવું; તો બીજી તરફ પિયર જવા નીકળેલી કુમુદસુંદરીનું એ જ જંગલમાં બહારવટિયાઓના ડરથી કે સ્વેચ્છાએ કે પગ લપસવાથી સુભદ્રા નદીમાં પડી તણાવું અને સંગમતટે ચંદ્રાવલી મૈયાની સહાયથી ઊગરી એના આશ્રમમાં મધુરીમૈયા નામે રહેવું અને પછી હૃદયસાંત્વન અર્થે સુંદરગિરિ પર્વત પર જતાં, ત્યાં સરસ્વતીચંદ્રનો પુનર્મેળાપ થવો; તો ત્રીજી તરફ પ્રમાદધનનું અપમૃત્યુ થવું-એ આ પ્રણયકથાની બીજી મહત્વની ઘટનાઓ છે. સુંદરગિરિના સાધુઓ દ્વારા વિધવા કુમુદ અને સરસ્વતીચંદ્રનાં લગ્ન માટેના પ્રયત્નરૂપે વિષ્ણુદાસના આદેશથી બંનેને સૌમનસ્ય ગુફામાં પંચરાત્રિનો એકાંતવાસ આપવામાં આવે છે; પરંતુ લૌકિક દ્રષ્ટિએ બધી બાજુથી વિચારતાં સરસ્વતીચંદ્ર કુમુદની નાની બહેન કુસુમ સાથે લગ્ન કરે છે અને કલ્યાણગ્રામની પોતાની યોજના સાકાર કરવા તે સંસારમાં પાછો ફરે છે. વસ્તુતઃ આ નવલકથા પ્રણયકથા નિમિત્તે સંસ્કૃતિકથા છે; તેથી ચારે ભાગમાં લેખકે પ્રણયકથાની સાથે અન્ય કથાઓ પણ ગૂંથી છે અને તદર્થે એમનાં જુદાં જુદાં લક્ષ્ય રહ્યાં છે. પ્રથમ ભાગમાં સુવર્ણપુરમાં બુદ્ધિધન અને શઠરાય વચ્ચે ચાલતી સત્તાની સ્પર્ધા, એ સ્પર્ધામાં બુદ્ધિધનનો શઠરાય પર-સદનો અસદ પર-વિજય આલેખી લેખકે તત્કાલીન દેશી રાજ્યોમાંનાં ખટપટ અને કુટિલતાનું વાસ્તવિક ચિત્ર ઉપસાવ્યું છે; બીજા ભાગમાં સહિષ્ણુ અને ત્યાગશીલા ગુણસુંદરીની કુટુંબકથા નિમિત્તે સંયુક્ત કુટુંબનાં વિવિધ પાસાં ઊંડળમાં લીધાં છે; ત્રીજા ભાગમાં રત્નનગરીના મલ્લરાજ-મણિરાજની કથા નિમિત્તે આદર્શ દેશીરાજ્યનું ચિત્ર ઉપસાવ્યું છે; તો ચોથા ભાગમાં વિષ્ણુદાસ સાધુ અને ચંદ્રાવલી મૈયાના મઠનાં સાધુ-સાધ્વીઓની કથા દ્વારા મનુષ્યના આધ્યાત્મિક જીવનના પ્રશ્નો ચર્ચ્યા છે. ચારે ભાગમાં વિજાતીય આકર્ષણમાંથી જન્મતાં મધુર તેમ જ વિકૃત રૂપોની જે ભાત લેખકે ઊભી કરી છે તે એમની અનુભવનાં વિવિધ પરિમાણોને તાગવાની શક્તિની પરિચાયક છે. એકથી વધુ કથાઓ આ કૃતિમાં ભળેલી હોવાને કારણે કથાસાતત્ય એમાં તૂટે છે એ સાચું, પરંતુ કથાસંકલનાની, પોતાના કોઈ પણ પુરોગામી અને ઘણા અનુગામીઓએ ન બતાવેલી સૂઝ લેખકે અહીં બતાવી છે એની પ્રતીતિ પહેલા અને બીજા ભાગની સંકલના તપાસતાં થાય છે. પશ્ચાદભુ, સ્મૃતિ, પત્રલેખન આદિ પ્રયુક્તિઓથી જે રીતે સમયના તત્વને લેખકે સંકોચ્યું છે તે એ સમયગાળામાં રચાતી નવલકથા માટે ઘણી મોટી સિદ્ધિ હતી. સંકલનાની શક્તિ જેટલી પહેલા બે ભાગમાં દેખાય છે તેટલી, અલબત્ત, છેલ્લા બે ભાગમાં નથી દેખાતી, લેખકનું જીવનવિષયક ચિંતન માત્ર વિચારરૂપે આવ્યા કરે છે અને તેથી ત્રીજા ભાગથી નવલકથા નવલકથાપણું ત્યજતી જાય છે. જોકે, આ વિચારોને કળાત્મક બનાવવા લેખકે કેટલોક પ્રયત્ન કર્યો છે. જેમ કે, ત્રીજા ભાગમાં મહાભારતનાં પાત્રોને રૂપકાત્મક અર્થમાં નિરૂપીને દેશી રાજ્યની ચર્ચા થઈ છે; તો ચોથા ભાગમાં એકાન્ત સૌમનસ્ય ગુફામાં સરસ્વતીચંદ્ર-કુમુદનાં સહસ્વપ્નોના આલેખન દ્વારા ભવિષ્યના ભારતનું દર્શન કરાવાયું છે. જોકે, આ સમગ્ર ચિંતન કળાકીય દ્રષ્ટિએ કૃતિનો અંતર્ગત અંશ બની શકતું નથી. ‘ઈશ્વરલીલાનું સદર્થે ચિત્ર’ આપવાનો હેતુ અને વ્યાપક જીવનને પકડમાં લેવાનો પુરુષાર્થ મનમાં હોવાને લીધે અહીં જીવનના વિવિધ સ્તરોમાંથી વિવિધ સ્તરોમાંથી વિપુલ પાત્રસૃષ્ટિ આવે છે. સંક્રાંતિકાળના યુગનું વાસ્તવદર્શી ને ભાવનાલક્ષી ચિત્ર દોરવાની નેમ હોવાને લીધે નવલકથામાં એક જ વર્ગનાં ભૂત, ભવિષ્ય અને વર્તમાનનાં સારાંમાંઠાં પાત્રો મળે છે. આ પાત્રો અગતિશીલ છે; કોઈ ભાવના કે લાગણીનાં પ્રતિનિધિ છે; અને તોપણ એમનાં વ્યક્તિત્વમાં જોવા મળતાં સદ્-અસદ્ તત્વો, એમનાં ચિત્તમાં આવતાં મનોમંથન અને નૈતિક દ્રષ્ટિએ ઉચ્ચગ્રાહી પાત્રોનું અસદ્થી સદ્ તરફ વળવું-એ સર્વને લેખક પ્રતીતિકર રીતે આલેખે છે કે જેથી આ પાત્રો જીવંત અને હૃદયસ્પર્શી બને છે. સ્ત્રીપાત્રો પુરુષપાત્રોને મુકાબલે સવિશેષ સંકુલ અને આકર્ષક છે. એમાંય નવલકથાનું સૌથી વિશેષ કરુણ પાત્ર કુમુદસુંદરી તો પાત્રચિત્તનાં ઊંડાણોમાં અવગાહન કરવાની લેખકની શક્તિનો ઉત્તમ નમૂનો છે. કથન, વર્ણન, સંવાદ, પત્ર, કવિતા એ સહુનો આશ્રય લેતી નવલકથાની શૈલી પ્રસંગ ને પાત્રને અનુરૂપ વિવિધ મુદ્રા ધારણ કરે છે. વિગતપ્રચુર વર્ણનો બાબતે બાણ અને બર્કના ગદ્યની યાદ અપાવતી ને છતાં એમના ગદ્યથી જુદી પડતી પ્રલંબ વાક્યોવાળી શૈલી, આવેશસ્પૃષ્ટ વાર્તાલાપ અને પત્રાલાપમાં જોવા મળતી ઉદબોધન શૈલી કે લાગણીના આવેગવાળી કવિત્વમય શૈલી-એમ વિવિધ પોત એમાં જોવા મળે છે. અપરિચિત તત્સમ શબ્દોને પ્રયોજતું, નવા શબ્દો નીપજાવતું, આલંકારિક, મૌલિક તેમ જ અનુદિત કાવ્યો અને અવતરણોને ગૂંથતું ગદ્ય અહીં પાંડિત્યસભર છે; તો અલ્પશક્તિ, અલ્પરુચિ અને અલ્પબુદ્ધિવાળાં પાત્રોની વાણીમાં રૂઢપ્રયોગો, કહેવતો તથા ગ્રામ્ય શબ્દોને ગૂંથતું તળપદી ભાષાના સંસ્કારવાળું પણ છે. આજે આ કૃતિની ઘણી મર્યાદાઓ બતાવી શકાય. કથાના સંયોજનમાં કેટલાક વિસ્તારી ચિંતન-મનનની કળાકીય દ્રષ્ટિએ અનુપયુક્તતા; આજે કાળગ્રસ્ત લાગે એવી કેટલીક વિચારણા; શૈલીની કેટલીક કૃત્રિમતા વગેરે આ નવલકથાની મર્યાદાઓને સ્વીકાર્યા પછી પણ આ બૃહત્ નવલકથામાં ઓગણીસમી સદીના અંતભાગમાં જીવનને આટલા વ્યાપક સંદર્ભમાં જોવા-મૂલવવાનો અને તેને કળારૂપ આપવાનો જે પુરુષાર્થ એના સર્જકે કર્યો છે તે ઘટના ગુજરાતી સાહિત્યમાં જ નહીં, બલકે સમગ્ર ભારતીય સાહિત્યમાં અજોડ છે. -જયંત ગાડીત સાક્ષરજીવન (૧૯૧૯) : ૧૮૯૮ની આખરે નિવૃત્ત થયા પછી તરત ગોવર્ધનરામ ત્રિપાઠીએ ‘સમાલોચક’ માં શરૂ કરેલો આ દીર્ઘનિબંધ ૧૯૦૩ સુધી ખંડશઃ પ્રગટ થયો હતો. જો કે તે અધૂરો રહ્યો છે. તેનું પ્રકાશન કરતાં બ. ક. ઠાકોરે એના અધૂરાપણા માટે, કર્તાની શક્તિનો અને અનુભવજ્ઞાનનો અભાવ એવું જે કારણ આપ્યું છે તે પૂરતું પ્રતીતિકર જણાતું નથી. આ કૃતિમાં સાક્ષરજીવનનાં પ્રકાર, વલણ, સ્વરૂપ અને ધર્મની પૂર્વપશ્ચિમની સંસ્કૃતિમાંથી દ્રષ્ટાંતો આપીને વિગતે ચર્ચા કરી છે. અન્નપૂર્ણાના પ્રસાદથી તૃપ્ત સાક્ષરજીવન સ્વયં લોકકલ્યાણકર હોઈ નિવૃત્તિપરાયણતા, તટસ્થતા અને તૃપ્તિને લેખકે એનાં ખાસ લક્ષણ ગણ્યાં છે. મનુષ્યજીવનનું અશસ્ત્ર સારથિપણુ કરતા સાક્ષરજીવનનો એમનો આદર્શ જેટલો વિશાળ તેટલો જ ઊંડી સમજણભર્યો છે. -ઉપેન્દ્ર પંડયા કલાસિકલ પોએટ્સ ઑફ ગુજરાત (મરણોત્તર પ્રકાશન, ૧૯૧૬) : ‘ગુજરાતના પ્રશિષ્ટ કવિઓ તથા સમાજ અને નીતિરીતિ પર તેમની અસર’- આ શીર્ષકથી મૂળ અંગ્રેજી નિબંધ વિલ્સન કૉલેજના સાહિત્યમંડળ સમક્ષ ગોવર્ધનરામ ત્રિપાઠીએ ૧૮૯૪માં વાંચ્યો હતો. પ્રાપ્ય તત્કાલીન સામગ્રીને આધારે ધર્મચિંતન ને સમાજચિંતનની પીઠિકામાં મુખ્ય મધ્યકાલીન ગુજરાતી કવિઓની અહીં આલોચના કરવાનો આ ઉપક્રમ પ્રાથમિક સ્વરૂપનો છે અને તે હકીકત લેખકે પણ સ્વીકારી છે; તેમ છતાં નરસિંહ, મીરાં, પ્રેમાનંદ, અખો અને દયારામનું એમણે કરેલું સહૃદયતાપૂર્ણ મૂલ્યાંકન સહેજે મહત્વનું બન્યું છે. શિક્ષણ-સંસ્કારનાં બીજાં સાધનો ભાગ્યે જ કંઈ હતાં તે કાળે આ કવિઓએ પ્રજાની ચેતનાને કરમાતી અટકાવી તેનાં ધારણ-પોષણમાં જે ફાળો આપ્યો છે તેને ગોવર્ધનરામે અસાધારણ અને અવિસ્મરણીય કહ્યો છે. -ઉપેન્દ્ર પંડયા સ્ક્રેપબુક્સ (૧૯૫૭-૧૯૫૯) : ગોવર્ધનરામ ત્રિપાઠીની અંગ્રેજી રોજનીશી; જેનો સારગ્રાહી ગુજરાતી અનુવાદ રામપ્રસાદ બક્ષીએ ‘ગોવર્ધનરામની મનનનોંધ’ (૧૯૬૯) નામે આપ્યો છે. રૂઢ અર્થમાં આ સ્ક્રેપબુક્સ છાપાં વગેરેમાંથી કાપલીઓનો-વાચનનોંધોનો સંગ્રહ નથી. શરૂમાં ૧૮૮૫ના જાન્યુઆરીમાં એનું એવું રૂઢ સ્વરૂપ હતું, પણ ૫-૨-૧૯૮૮ થી ૩-૧૧-૧૯૦૬ સુધીનું, જીવનના છેલ્લા બે મહિના બાદ કરતાં, એનું સ્વરૂપ મનનનોંધોનું જ છે. ગોવર્ધનરામે નિરૂપ્યું છે તેમ પોતાને વાત કરવા પૂરતોય કોઈ મિત્ર હોય તો તે પોતે જ હોઈ, અહીં તેઓ જાત સાથે હૃદયગોષ્ઠિ, આત્મનિરીક્ષણ ને આત્મપરીક્ષણ કરતા જણાય છે. એમને માટે આ નોંધો સ્મૃતિસહાયક, સાન્ત્વન ને આશ્વાસનદાયક, બળ અને ધૃતિનો સંચાર કરનાર તેમ એમની નિર્બળતાઓની નિદર્શક નીવડી છે. પોતાનું કુટુંબ અને તેને લગતા પ્રશ્નો, તત્કાલીન દૈશિક અને અન્ય ઘટનાઓ તેમ જ જીવનનિયામક અધ્યાત્મચિંતન અહીં કેન્દ્રસ્થાને છે. સમષ્ટિના હિતાર્થે વ્યષ્ટિનું સમર્પણ-ઉત્સર્ગસિદ્ધિનો એમનો પ્રિય સિદ્ધાંત-આ નોંધોમાં પહેલી જ વાર સ્ફુટ થયો છે. નિવૃત્તિપ્રેમી, સંન્યાસશીલ, કુટુંબવત્સલ, દેશહિતૈષી, કડક આત્મપરીક્ષક અને ધર્મજાગ્રત આત્માની આ નોંધો એમના આંતરજીવનની સ્પષ્ટ છબી છતી કરે છે. -ઉપેન્દ્ર પંડયા વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી