શેખ ગુલામમોહમ્મદ તાજમોહમ્મદ
(૧૬-૨-૧૯૩૭) : કવિ. જન્મ વઢવાણમાં. ૧૯૫૫માં મૅટ્રિક. ૧૯૫૯માં મ. સ. યુનિવર્સિટીમાંથી બી.એ. (ફાઈન). ૧૯૬૧માં એમ.એ. (ફાઈન). ૧૯૬૬માં રૉયલ સ્કૂલ ઑવ આર્ટ, લંડનમાંથી
એ. આર.સી.એ. ૧૯૬૦થી ૧૯૬૯ સુધી મ. સ. યુનિવર્સિટીની ફેકલ્ટી ઑવ ફાઈન આર્ટમાં વ્યાખ્યાતા, ૧૯૭૯થી ૧૯૮૨ સુધી રીડર અને ૧૯૮૨ થી પ્રોફેસર તથા ચિત્રકલા વિભાગના અધ્યક્ષ. ‘ક્ષિતિજ’, ‘વિશ્વમાનવ’,
‘સાયુજ્ય’માં કલાવિભાગોનું સંપાદન. ૧૯૮૩માં પદ્મશ્રી ઍવોર્ડ.
‘અથવા’ (૧૯૭૪) કાવ્યસંગ્રહમાં આધુનિક ગુજરાતી ગદ્યકવિતાનું તેમ જ કાલધર્મી કવિતાકલા સાથે સ્થલધર્મી ચિત્રકલાના તરીકાઓના સંયોજનનું એક નવું પરિમાણ જોવા મળે છે. શબ્દો દ્વારા ઊપસતાં દ્રશ્યસંયોજનોની
શ્રેણીમાંથી બનતો કાવ્યપટ વિશિષ્ટ વાક્-રીતિઓને તાકે છે. આથી પદબંધની અને વાક્યબંધની અપૂર્વ ચમત્કૃતિ ઊભી થાય છે. ક્યારેક નિષિદ્ધ ક્ષેત્રોનાં સાહચર્યોથી ભાવપોતને ક્ષુબ્ધ કરી આધુનિક સંવેદનાને નીપજાવવાનો
પ્રયત્ન પણ જોવાય છે. આ ઉપરાંત ‘અમેરિકન ચિત્રકળા’ (૧૯૬૪) એમનો અનુવાદગ્રંથ છે.