અંજારિયા હિંમતલાલ ગણેશજી
(૨-૧૦-૧૮૭૭, ૨૮-૬-૧૯૭૨) : સંપાદક. રાજકોટમાં જન્મ. ૧૮૯૮માં વડોદરાથી બી.એ. થઈ ૧૮૯૯માં ગોંડલ રાજ્યના કેળવણી ખાતામાં નોકરી સ્વીકારી. ૧૯૦૫માં એમ.એ. થયા પછી
૧૯૦૬ થી ૧૯૩૨ સુધી મુંબઈની નગરપાલિકાની શાળા સમિતિમાં પહેલાં મદદનીશ અને પછી મુખ્ય અધીક્ષક તરીકે કામગીરી બજાવી. પછીથી, નિવૃત્તિ પૂર્વેના એક દસકા દરમિયાન, કર્વે કૉલેજ જે પાછળથી એસ.એન.ડી.ટી.
યુનિવર્સિટી તરીકે જાણીતી થયેલી તે મહિતા કૉલેજના સંચાલનમાં સક્રિય રહ્યા.
આજીવન અધ્યયન-અધ્યાપનમાં રત રહેલા એમણે વ્યાપકપણે ઉપયોગી નીવડે એવાં ગુજરાતીની ગદ્ય-પદ્ય કૃતિઓનાં સંપાદનો આપ્યાં છે. ‘દેશભક્તિનાં કાવ્યો’ (૧૯૦૩/૧૯૦૫), ‘કાવ્યમાધુર્ય’ (૧૯૦૩), ‘કવિતાપ્રવેશ’
(૧૯૦૮), ગુજરાતી નાટકોનાં ગીતો સહિતની પ્રચલિત ગુજરાતી ગેય રચનાઓનો સંચય ‘સંગીતમંજરી’ (૧૯૦૯), બાળકાવ્યોનો સંચય ‘મધ્યબિંદુ’ (૧૯૧૫), ‘પદ્યસંગ્રહ’ (૧૯૨૦), ‘સાહિત્યપ્રવેશિકા’ (૧૯૨૨) તથા તેની
૧૯૪૩માં કરેલી શાલેય આવૃત્તિ ‘સાહિત્યપ્રારંભિકા’, ‘ગદ્યપ્રવેશ : ૧-૨’ (૧૯૩૧-૩૨), ‘પદ્યપ્રવેશ’ (૧૯૩૨), ‘કાવ્યસૌરભ’ (૧૯૪૯) વગેરે એમનાં સંપાદનો સાહિત્યરસિકોની વાચનરુચિ માટે તેમ જ વિદ્યાર્થીઓને પૂરક વાચન માટે
સહાયક બનેલાં છે. આ સૌમાં ૧૯મી અને ૨૦મી સદી ના સંધિકાળની ગુજરાતી કવિતાનું પાલ્ગ્રેવની ‘ગોલ્ડન ટ્રેઝરી’ની ઘાટીએ થયેલું સંપાદન ‘કાવ્યમાધુર્ય’ (૧૯૦૩) નોંધપાત્ર પ્રદાન છે. ઉપર્યુક્ત સંપાદનોમાંના
અભ્યાસલેખોમાં એમની કાવ્યરુચિ, સાહિત્યની સમજ તથા એમના સરળ, પ્રવાહી અને છટાયુક્ત ગદ્યનો પરિચય મળે છે. આ સંપાદનો ઉપરાંત એમણે કાલિદાસકૃત નાટક ‘વિક્રમોર્વશીયમ્’નો અનુવાદ (૧૯૦૬) પણ કર્યો છે.
ગુજરાતી કવિતા અને સાહિત્ય ઉપરાંત એમણે ઇતિહાસ, ભૂગોળ, સ્ત્રીશિક્ષણ તથા બાળઉછેર જેવા વિષયોને આવરી લેતી કેટલીક પુસ્તિકાઓ પણ લખી છે.