સાહિત્યસર્જક: હિંમતલાલ દવે 'સ્વામી આનંદ'
સવિશેષ પરિચય:
ફોટો: હિંમતલાલ દવે 'સ્વામી આનંદ'-રમેશ ર. દવે કુળકથાઓ (૧૯૬૬) : ૧૯૬૯માં સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક મેળવનાર, સ્વામી આનંદનું પુસ્તક. એમાં મુંબઈનાં કેટલાંક જૂનાં ઘરાણાંની સાંભળેલી અને સાંભરેલી કથાઓનો સંચય છે. જૂની મુંબઈના વિકાસમાં ફાળો આપનાર. ભાટિયા, વાણિયા, લુહાણા કચ્છી કોમોમાં અસંખ્ય પુરુષાર્થી પાક્યા એને અંગે વાંચેલી કે સંઘરેલી નાનીમોટી ઇતિહાસકથા યા દંતકથા પરથી આ લેખોનો ઘાટ તૈયાર થયો છે. કોઈને રીઝવવા કે મિત્રોના મિથ્યાભિમાનને પોષવા નહિ પરંતુ લેખકના વ્યક્તિત્વઘડતરમાં ઓછોવત્તો ફાળો આપનાર પરિબળ તરીકેના આદરભાવને લીધે આ લખાયું છે. આ કુળકથાઓ મુંબઈ પૂરતી મર્યાદિત છે અને એમાં મુખ્યત્વે પહેલા પાયોનિયરો અંગેનું-મોરારજી ઘરાણું, ખટાઉ ઘરાણું, ઠાકરશી ઘરાણું, વસનજી ઘરાણું, એમ સર્વ ઘરાણાં અંગેનું-નિરૂપણ છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા ધરતીનું લૂણ (૧૯૬૯) : સ્વામી આનંદનો, મહાદેવથી મોટેરો અને બીજી અંજલિઓને સમાવતો ગ્રંથ. અહીં મુખ્યત્વે સ્મૃતિચિત્રો અને ચરિત્રોને ઉપસાવતાં લખાણો છે. વાચકોના રંજન કે સ્વાદ અર્થે નહિ પણ અહીં સદી સુધીના કે વધુ કાળના જાત-અનુભવ પછી થયેલાં દર્શન કે અવલોકનને વ્યક્ત કરવાની લેખકની નેમ છે. એમાં પોતાના નૈતિક કે આધ્યાત્મિક વિકાસનું પણ પ્રતિબિંબ છે. જાત-અનુભવમાંથી રજૂ થયેલાં આ પાત્રોમાં જીવનનું શહૂર એ મહત્તવનો ગુણ છે. અહીં સર્વત્ર માનવીનાં ઊંચાણોનું નિરૂપણ છે. બાળવિધવા દીકરીનું પુનર્લગ્ન કરતાં જ્ઞાતિએ કરેલા બહિષ્કારની ઢીંક ઝીલતાં અણનમ અનાવિલ મોનજી રૂદર અને ભીખીબાઈનાં ચરિત્ર ઉઠાવદાર છે. લેખકની ટૂંકા, સીધાં, તળપદાં વાક્યોથી તૈયાર થયેલી શૈલી મર્મગામી છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા નઘરોળ (૧૯૭૫) : સ્વામી આનંદનું પુસ્તક. આમાં પ્રકરણ ૧ થી ૫ અંગ્રેજીમાં જુદે જુદે વખતે વાંચેલાં લખાણોને આધારે કરેલી રજૂઆતનાં છે. હીરોશીમાનો હત્યારો ઈથરલી અસલમાં માનવસંહારની અસરથી કોરોધાકોર હોવા છતાં અખબારો, લેખકો, મનોવિજ્ઞાનીઓએ શા માટે એને રાતોરાત હીરોશીમાના પરાક્રમનો મહાન વીર આગેવાન બનાવી દીધો એની રસપ્રદ બીનાનાં બે પ્રકરણો નોંધપાત્ર છે. ‘અમેરિકન ધોબણ’ ની જેલવીતી પણ દ્રાવક છે. આ લેખકનાં અન્યત્ર કલ્પનાનો આધાર લઈને તૈયાર થયેલાં ગુણદર્શી ચરિત્રોની પડછે અહીં માનવચરિત્રમાંના હીણા અંશોનું અનાયાસ ચિત્રણ થયું છે. જાત-અનુભવમાંથી હડફટે ચઢેલાં એવાં રીઢાં, અઘોરી, નઠોર ચરિત્રોને લેખકે આ પુસ્તકમાં સંઘર્યાં છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી