સાહિત્યસર્જક: ઈશ્વર પેટલીકર
સવિશેષ પરિચય:
ફોટો: ઈશ્વર પેટલીકર-નિરંજન વોરા જનમટીપ (૧૯૪૪) : પાટણવાડિયા ખેડુ ઠાકરડાની સૌથી નીચલી કોમના સામાજિક વાસ્તવને અને એના ગ્રામસમાજને ઉપસાવતી ઈશ્વર પેટલીકરની નવલકથા. ચંદા અને ભીમાનાં પ્રણયપાત્રોની આસપાસ ફરતી આ કથામાં પાટણવાડિયા કોમનું કૌવત અને હીર પ્રગટ થયા છે. ભીમાને પરણેલી, સાંઢ નાથનારી પરાક્રમી ચંદાની પૂંજો બામરોલિયો મશ્કરી કરે છે અને શરત પ્રમાણે વેરની વસૂલાત ન થાય ત્યાં સુધી ચંદા પિયર જઈ રહે છે. પછીથી ગામશાહુકારને ત્યાં ધાડમાં ભીમો ઘવાય છે ત્યારે હૉસ્પિટલમાં એની સારવાર માટે ચંદા આવે છે ખરી પણ એને સાજો કરી ટેકીલી ચંદા પાછી પિયર ચાલી જાય છે. છેવટે પિતા સાથે રહી ભીમાએ પૂંજાનુ ખૂન કરી વેર લેતાં ચંદા પાછી ફરે છે અને જનમટીપ પામેલા ભીમાનાં ઘર-ખેતરને કુશળતાથી સંભાળી લે છે. નાયિકાકેન્દ્રી કથાના નિરૂપણમાં ક્યાંક કૌતુકરાગી અભિનિવેશો પ્રવેશી ગયા હોવા છતાં ‘માનવતાનું હાર્દ પકડવામાં’ આ કથા સફળ થઈ છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા ભવસાગર (૧૯૫૧) : ઈશ્વર પેટલીકરની ગ્રામસમાજની જડતા - નિષ્ઠુરતા નીચે રિબાતી અને એ અસહ્ય બનતાં આત્મવિલોપન કરતી નારીની વેદનાને નિરૂપતી નવલકથા. દીકરી અને અબુધ દીકરાને સૂરજને માથે નાખીને એનો પતિ આફ્રિકા કમાવા ગયો છે; ત્યાં એ દારૂજુગારની લતમાં ખુવાર થાય છે; ચોરી કરી હોવાથી ભાગીને આવી શકતોય નથી. ભવસાગરમાં એકલી સૂરજ ઝૂરે છે. પરણાવવા લાયક દીકરી માટે મૂરતિયો શોધવા એ મથે છે. સાસુ-જેઠાણી-જેઠ મદદરૂપ થવાને બદલે એને મહેણાં મારે છે. ઘરની સામે રહેતો ચિમન સૂરજની મનોવેદનાને સહી શકતો નથી, તે એનો આધાર બનવા ઝંખે છે; પણ જડ ને સંવેદનહીન સમાજનો લોકાપવાદ સહન કરવાની એની તૈયારી નથી. કદાચ સૂરજને એથી વધારે હડધૂત થવું પડશે એમ માનીને તે ચૂપ રહે છે. ક્યારેક મદદ કરીને આધાર બનનારા ચિમન પ્રત્યે સૂરજને અપાર લાગણી છે, પણ એ ઠીંગરાઈને-હિજરાઈને રહી જાય છે. દીકરીનું ગોઠવાયેલું લગ્ન અચાનક ફોક થતાં સૂરજ હામ હારી બેસે છે; એની સહન - શક્તિની સીમા આવી જાય છે. આખરે માદીદીકરી કેરોસીન છાંટીને સળગી મરે છે. સૂરજને લેખકે આવા એક પછી એક કપરા અનુભવમાંથી પસાર કરી છે, આથી એની સઘન વેદના ઊપસી રહે છે. ઉપદેશક બન્યા વિના લેખકે અહીં કૃતિને માનવ અને સંવેદનની સીમાઓ સાથે ખૂલવા-ઊકલવા દીધી છે. પાત્રોચિત ને ભાવોચિત ભાષા અહીં સાહજિક બળકટતા પ્રગટાવી શકી છે. એમની ખુદની અન્ય નવલકથાઓમાં પણ આટલી કલાભિમુખતા વિરલ જોવાય છે. -મણિલાલ પટેલ લોહીની સગાઈ : ઈશ્વર પેટલીકરની પ્રસિદ્ધ ટૂંકીવાર્તા. અહીં ગાંડી દીકરી પરત્વેની માતૃત્વની ઉત્કટતાનું છેવટે ઉન્મત્તતામાં થતું પરિવર્તન લક્ષ્ય બન્યું છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા લોકસાગરને તીરેતીરે (૧૯૫૪) : સમાજમાંથી મળેલાં પાત્રો અને પ્રસંગોને રજૂ કરતું ઈશ્વર પેટલીકરનું પુસ્તક. પહેલો ખંડ સત્તર પાત્રોનો છે; એમાંથી ઘણાંખરાં સ્ત્રીપાત્રો છે. એનું લેખન લગ્ન, પ્રેમ, સાસરાના પ્રશ્નોની આસપાસ થયું છે. બીજો ખંડ સિત્તેર પ્રસંગોનો છે. સામાજિક, રાજ્કીય, ધાર્મિક પ્રવાહોનું એમાં નિશ્લેષણ નિરીક્ષણ છે. પ્રજાની નબળાઈઓ અને સમાજની બદીઓનાં આ ચિત્રણો પાછળ સુધારણાનું ધ્યેય છે. લોકહિતચિંતક તરીકે આ લેખક પાત્રો ને પ્રસંગોને કોઈ પણ કલાઘાટ આપવાની ખેવના કર્યા વગર સીધેસીધાં રજૂ કરે છે, તેમ છતાં વાર્તાતત્ત્વ ક્યાંક ક્યાંક નોંધપાત્ર બન્યું છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા મારી હૈયાસગડી – ભા.૧-૨ (૧૯૫૦) : નારીના અણપ્રીછયા કરુણજીવનનો ખ્યાલ આપતી ઈશ્વર પેટલીકરની સમસ્યાપ્રધાન નવલકથા. ચિત્રલેખા પુરુષત્વહીન ગાંડા પતિ અને કામી જેઠ વચ્ચે ઝઝૂમી છેવટે સુધારક જયંતિલાલ સાથે પરણે છે અને એમ છેવટ સુધી પુરુષનું રમકડું નહીં બનીને સળગતી હૈયાસગડીમાં લાંબો સમય શેકાય છે એની આ કથા છે. બાળલગ્ન અને નારી તરફની ચોક્કસ સમાજવૃત્તિમાંથી જન્મતા અનિષ્ટાનું અહીં નિરૂપણ છે. કથા નાયિકામુખે કહેવાયેલી છે છતાં લેખકનો અવાજ એમાં સ્પષ્ટ વર્તાય છે. માવજત સાદી, સરલ અને દસ્તાવેજી છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી