સાહિત્યસર્જક: જયંત ખત્રી
સવિશેષ પરિચય:
જયંત ખત્રી- ધીરેન્દ્ર મહેતા ફોરાં (૧૯૪૪) : જયંત ખત્રીનો પ્રથમ વાર્તાસંગ્રહ. એમાંની ચૌદ વાર્તાઓ જુદાં જુદાં સ્તરની છે. ‘યાદ અને હું’, ‘અમે’ અને ‘વરસાદની વાદળી’માં અભિગમ ઊર્મિશીલ છે; તો ‘આનંદનું મોત’ અને ‘બે આની’ વાસ્તવલક્ષી અભિગમવાળી વાર્તાઓ છે. ‘લોહીનું ટીપું’ એમની યશોદાયી કૃતિ છે. એમાં અને ‘દામો અરજણ’, ‘કાળો માલમ’, ‘હીરો ખૂંટ’, ‘બંધ બારણા પાછળ’, ‘અવાજ-અજવાળાં’, ‘શેર માટીની ભૂખ’માં જાતીય વૃત્તિ અને વ્યવહારનું વિભિન્ન દ્રષ્ટિકોણથી આલેખન છે. ‘અમે બુદ્ધિમાનો’ ક્રાંતિ માટે ઉત્સાહી બુદ્ધિમાનોના વ્યવહારમાં રહેલી વાસ્તવ દ્રષ્ટિની ઊણપને, તો ‘એક મહાન મૈત્રી’ સર્જકની સમગ્ર વાર્તાસૃષ્ટિમાં વિરલ હાસ્યરસને નિરુપે છે. - ધીરેન્દ્ર મહેતા ખરા બપોર (૧૯૬૮) : જયંત ખત્રીનો ત્રીજો (છેલ્લો) મરણોત્તર પ્રકાશિત વાર્તાસંગ્રહ. ‘ધાડ’ અને ‘ખરા બપોર’ જેવી વાર્તાઓમાં કથ્ય અને પરિવેશને અભિન્ન રાખીને, તો ‘માટીનો ‘ઘડો’ અને ‘નાગ’માં પ્રતીક-કલ્પનની સાદ્યંત ગૂંથણી કરીને વાર્તાકારે પોતાના કલાકસબનો હિસાબ આપ્યો છે. ‘ડેડ એન્ડ’માં વેશ્યાજીવન જીવતી બે સ્ત્રીઓના વૃત્તાંતની ધ્વનિવ્યંજક સહોપસ્થિતિ છે, તો ‘સિબિલ’માં સમયનું સૂક્ષ્મ સંયોજન છે. ‘ખલાસ’માં પુરુષપાત્રના વિચ્છિન્ન ચિત્તવ્યાપારોનું નિરૂપણ છે, તો ‘જળ’, ‘મુક્તિ’ તથા ‘ઈશ્વર છે ?’ અન્યોકિત લેખે ધ્યાન ખેંચે છે. નિરૂપણરીતિના આટલા વૈવિધ્ય સાથે આ કૃતિઓમાં માનવજીવનની સંકુલતા સાથેનું, તેના આવેગો અને વિષમતાઓનું કરુણગર્ભ આલેખન થયું છે. - ધીરેન્દ્ર મહેતા લોહીનું ટીપું : જયંત ખત્રીની આ ટૂંકીવાર્તામાં વંશાનુગત મળેલા સંસ્કારની કેદનું સૂક્ષ્મ વ્યંજનાથી નિરૂપણ થયું છે. - ચંદ્રકાન્ત ટોપીવાળા તેજ ગતિ અને ધ્વનિ : જયંત ખત્રીની ટૂંકીવાર્તા. અહીં પિતા વીરસિંહ, જમીનદાર પ્રસાદજી અને પતિ નરપતિની પ્રતિક્રિયાઓ વચ્ચે કસ્તૂરીના સંવેગોનું અને સૌંદર્યનું ઊઘડતું જગત વાસ્તવ અને તરંગના આકર્ષક સંમિશ્રણ રૂપે પ્રતીત થાય છે. - ચંદ્રકાન્ત ટોપીવાળા વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી