સાહિત્યસર્જક: જયંત પાઠક
સવિશેષ પરિચય:
ફોટો: જયંત પાઠક-દક્ષા વ્યાસ મર્મર (૧૯૫૪, બી. આ. ૧૯૫૭) : જયન્ત પાઠકનો કાવ્યસંગ્રહ. એમાં કવિતા-પ્રેયસીની આસનાવાસના કરતી કૃતિઓ; મુગ્ધતા અને પ્રસન્નતાના ભાવોને વણતાં પ્રણયકાવ્યો; સંતવાણીનું સ્મરણ; કરાવતાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનાં કાવ્યો; માનવપ્રેમ, ધરતીપ્રીતિ, વ્યક્તિ અને સ્થળવિશેષનાં કાવ્યો છે. વિવિધ ઋતુઓનો રૂપવૈભવ આલેખતાં કાવ્યો અહીં ખાસ ધ્યાન ખેંચે છે. ‘બીજ’, ‘જિંદગી ને મરણ’, ‘અબોલા’ જેવાં મર્માળાં મુક્તકો; ‘ચંપાનો છોડ’, ‘ઉનાળો’, ‘પ્રેમઘટા ઝૂક આઈ’ જેવાં આકર્ષક ઉપાડનાં ગીતો તથા ‘મને થતું’ ‘ઉનાળાનો દિવસ’ જેવી સૌષ્ઠવયુક્ત સૉનેટરચનાઓ કવિની સૌન્દર્યાભિમુખતાની પ્રતીતિ કરાવે છે.-દક્ષા વ્યાસ મૃગયા (૧૯૮૩) : ‘અનુનય’ના પ્રકાશન પછીના સમયગાળાની, જયન્ત પાઠકની ઇકોતેર કાવ્યરચનાઓનો સંગ્રહ. વન, નદી, પહાડ અને વરસાદને અંકે કરતી કૃતિઓમાં પ્રકૃતિનાં વિવિધ સ્વરૂપોને મૂર્ત કરતાં કરતાં કવિ સ્વચિત્તની ભાવક્ષણોને પણ ઉઘાડ આપે છે. વર્ણનોની ચમત્કૃતિ આયાસપૂર્ણ નથી ત્યાં આસ્વાદ્ય છે. ફળવતી નદીને લક્ષ્ય કરીને લખાયેલી કેટલીક રચનાઓમાં આ સંગ્રહનો વિશેષ પ્રગટ્યો છે.-ચંદ્રકાન્ત ટોપીવાળા વનાંચલ (૧૯૬૭) : જયન્ત પાઠકની સ્મૃતિકથા. એમાં શૈશવના આનંદપર્વનું વિષાદમધુર સંસ્મરણ છે. બાર પ્રકરણોમાં વિસ્તરેલી આ કથાનો આરંભ પૂર્વ-પંચમહાલના પ્રાકૃતિક, સાંસ્કૃતિક, ભૌગોલિક પરિવેશથી થાય છે. બાળક બચુના શિશુજીવનમાં એ સઘળું ક્રમેક્રમે અનાયાસ પરોવાતું જાય છે. અંતે સાડા ત્રણ દાયકા પછી ફરી વતનમાં ગયેલા લેખક પ્રકૃતિ પર આધુનિક સભ્યતાની-સંસ્કૃતિની સરસાઈ જુએ છે અને પોતાને પોતાના જ વતનમાં અજાણ્યા અનુભવે છે. અહીં શિશુવયના નિર્ભેળ રોમાંચની સુષ્ટિ તો ખૂલે જ છે, પણ સાથે વતનની આદિવાસી પ્રજાની ગરીબી, ભૂખમરો, અજ્ઞાન, વહેમ, લાચારી, ઇમાનદારી, એમના પર થતા જુલમ-સિતમ, એમના હરખશોકની આર્દ્ર-વેદનશીલ હૃદયમાં અંકિત છબિ પણ ઊપસે છે. કૃતિનું સર્જક ગદ્ય નોંધપાત્ર સિદ્ધિ દર્શાવે છે.-દક્ષા વ્યાસ વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી