ઓઝા જ્યંતીલાલ મંગળજી
(૧૧-૧૨-૧૮૯૨, ૧૯૬૯) : જીવનચરિત્રલેખક તથા બાળનાટ્યકાર. જન્મ જામનગરમાં. વતન વાંકાનેર. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ રાજકોટમાં. જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાંથી બી.એ.
૧૯૧૬માં મુંબઈમાં એલએલ.બી. થઈ મધ્યપ્રાન્તમાં વકીલાત. ૧૯૧૭થી રાજકોટની રાજકુમાર કૉલેજમાં અધ્યાપન. ૧૯૪૦ થી ૧૯૪૮ વિવેકાનંદ ગુરુકુળમાં અને ૧૯૪૯ થી ૧૯૫૩ અમદાવાદની મૉડેલ હાઈસ્કૂલમાં આચાર્ય.
એમણે નથુરામ શર્માના ધર્મવિકાસનું ભક્તિભાવપૂર્વક નિરૂપણ કરતું ‘નાથચરિતામૃત’ (૧૯૪૦) અને ‘મા શારદા’ (૧૯૪૦) જેવાં ચરિત્રો; ‘ભક્તિતત્ત્વ’ (અન્ય સાથે, ૧૯૩૮), ‘કેળવણી’ (૧૯૪૩), ‘યુવાનો ને વિવેકાનંદ’
(૧૯૪૭), ‘વીરવાણી’ (૧૯૪૭), ‘વિવેકાનંદની કલ્યાણયોજના’ (૧૯૫૩) જેવાં બોધક પુસ્તકો; ‘મોટા થઈશું ત્યારે’ (૧૯૩૫) અને ‘તારકમંદિર’ (૧૯૪૬) જેવા બાળનાટકોના સંગ્રોહ અને ‘ગીતગુચ્છ’ જેવાં બાળસાહિત્યનાં
પુસ્તકો આપ્યાં છે. આ ઉપરાંત એમણે ‘ગોવિંદદામોદર સ્તોત્ર’ (૧૯૪૫) તથા ‘સ્તોત્રસંગ્રહ’ (૧૯૪૫) નામના સ્તોત્રસંચયોનું સંકલન પણ કર્યું છે.