જોશી જીવરામ ભવાનીશંકર
(૬-૭-૧૯૦૫) : બાળસાહિત્યકાર. જન્મ અમરેલી જિલ્લાના ગરણી ગામે. ૧૯૨૭ માં કાશી રહીને સંસ્કૃત સાથે અંગ્રેજી ભણવાનો પ્રયત્ન કર્યો. કાશી વિદ્યાપીઠના પરિચયમાં આવ્યા. ઘણો સમય
સ્વાતંત્ર્ય-સત્યાગ્રહની ચળવળમાં ગયો. છેવટે બાળસાહિત્યના લેખનને અપનાવ્યું. ‘ઝગમગ’ બાળસાપ્તાહિકના તંત્રી.
બાળસાહિત્યના વિપુલ સર્જન સાથે એમણે બાલમાનસમાં રમતાં થઈ જાય તેવાં કાલ્પનિક પાત્રો પણ આપ્યાં છે. ‘મિયાં ફુસકી’ના ૩૦ ભાગ, ‘છકો મકો’ના ૧૦ ભાગ, ‘છેલ છબો’ ના ૧૦ ભાગ, ‘અડુકિયો દડુકિયો’ ના ૧૦ ભાગ, ઉપરાંત એમણે
‘પ્રેરક પ્રસંગવાર્તાવલિ’ ના ૨૦ ભાગ, ‘બોધમાળા’ના ૧૦ ભાગ આપ્યા છે. એમના અન્ય અનેક બાળગ્રંથોમાં ‘બાળસાહિત્ય સર્વસંગ્રહ’ (૧૯૩૬) નું પણ સ્થાન છે.
-ચંદ્રકાન્ત ટોપીવાળા
મિયાં ફૂસકી : બહારથી મૂર્ખ લાગવા છતાં સંકટસમયે બુદ્ધિથી માર્ગ કરતો, જીવરામ જોષીની દશ ભાગોમાં વહેંચાયેલી બાળવાર્તાનો બાળવાચકોને અત્યંત પ્રિય નાયક.