સાહિત્યસર્જક: કનૈયાલાલ મુનશી
સવિશેષ પરિચય:
ફોટો: કનૈયાલાલ મુનશી-પ્રસાદ બ્રહ્મભટ્ટ પાટણની પ્રભુતા (૧૯૧૬) : કનૈયાલાલ મુનશીની, ગુજરાતના સોલંકીયુગના ઇતિહાસ પર આધારિત કથાત્રયીમાંની પહેલી નવલકથા. કર્ણદેવ સોલંકીના મૃત્યુસમયે પાટણમાં જૈન શ્રાવકો અને મંડલેશ્વરો વચ્ચે ચાલતી સત્તાની સાઠમારી તથા મુંજાલથી પોતે વિશેષ પ્રભાવશાળી ને મુત્સદ્દી છે એવું દેખાડવાની મીનળદેવીની ઇચ્છા એ બે ઘટનાકેન્દ્રોમાંથી નવલકથાનું સમગ્ર કથાનક આકાર લે છે. મુંજાલનો પ્રભાવ ઘટાડવા મીનળદેવી આનંદસૂરિના અભિપ્રાયો પ્રમાણે ચાલવા જતાં મુશ્કેલીમાં મુકાય છે. આખરે થાકીહારીને તે ફરી મુંજાલની શક્તિ ને બુદ્ધિનો આશ્રય સ્વીકારીને, ઊભી થયેલી વિકટ પરિસ્થિતિમાંથી છુટકારો મેળવે છે. એટલે વાસ્તવમાં આ નવલકથા રાજ્કીય પૃષ્ઠભૂમાં આકાર લેતી, સ્ત્રીના વૈયક્તિક અહં અને પતનની કથા બની રહે છે. કૃતિમાં નિરૂપાયેલા સંઘર્ષોમાં ઐતિહાસિકતા કરતાં કલ્પનાનું વિશેષ પ્રમાણ, પાત્રો વચ્ચેના પ્રણયના તથા અન્ય સંબંધોમાં કાલ્પનિકતા, રહસ્યમય અને રોમાંચક ઘટનાઓનું આલેખન ઇત્યાદિ તત્વો આ કૃતિને ‘ઐતિહાસિક રોમાન્સ’ની કોટિમાં મૂકે છે. -જયંત ગાડીત ગુજરાતનો નાથ (૧૯૧૭) : કનૈયાલાલ મુનશીની, ગુજરાતના સોલંકીયુગના ઇતિહાસ પર આધારિત નવલકથાત્રયીની ‘પાટણની પ્રભુતા’ પછીની બીજી નવલકથા. ચાર ભાગમાં વિભક્ત આ કૃતિમાં બનતી ઘટનાઓને મુખ્યત્વે સંબંધ છે પાટણના રાજ્યતંત્ર અને એ રાજ્યતંત્રની આસપાસ વીંટાયેલી વ્યક્તિઓના અંગત જીવન સાથે. એમાં જૂનાગઢના રા’નવઘણના પાટણના રાજ્ય સાથેના ઘર્ષણની, પાટણ અને માળવા વચ્ચેની સંધિની તથા તેના રાજ્કીય દાવપેચની વાત છે; જયદેવના પ્રણયસંબંધની વાત છે; ઉદા મહેતાના મંજરીને પોતાની પત્ની બનાવવાના ઉધમાતની વાત છે; મુંજાલના પુનર્લગ્નની વાત છે; કીર્તિદેવના કુળના રહસ્યની વાત છે; મુંજાલ મહેતા અને કીર્તિદેવ વચ્ચે રહેલી રાજ્કીય વિચારસરણીના મતભેદની વાત છે; અને તેમ છતાં આખી કથામાં આ બધી વાતોનું સ્થાન ગૌણ છે. કથામાં ખરેખર ધ્યાન તો ખેંચે છે ભૃગુકચ્છ-લાટથી આવેલો ભટ્ટ કાક અને તેના પ્રણય-પરાક્રમની કથા. અન્ય ઘટનાઓ એખ યા બીજી રીતે કાકનો પ્રભાવ ઉપસાવવામાં નિમિત્ત બને છે. નવલકથાનું માળખું કાકની ભ્રમણકથાનું છે. ભ્રમણને અંતે પોતાના પરાક્રમથી કાક પ્રાપ્ત કરે છે પાટણના રાજ્યતંત્રમાં પોતાનો પ્રભાવ અને મંજરીનો પ્રેમ. કાક ભૃગુકચ્છથી ત્રિભુવનપાળની સાથે પાટણ આવે છે ત્યાંથી કથાનો આરંભ થાય છે. પહેલા ભાગમાં કાક પોતાનાં બુદ્ધિ-ચાતુર્યથી રા’નવઘણનો પરાજય કરે છે અને ઉદા મહેતાના હાથમાંથી, ખંભાતમાંથી, મંજરીને છોડાવે છે. મંજરીના સૌંદર્યથી કાક એના પર મુગ્ધ થાય છે, પરંતુ પોતાની વિદ્વત્તાના અભિમાનમાં મસ્ત મંજરી અભણ કાકને દયાભાવથી જુએ છે. બીજા ભાગમાં કાક પોતાની વિચક્ષણ બુદ્ધિથી મુંજાલને પ્રભાવિત કરે છે, જયદેવની પ્રિયતમા માટે સંદેશો લઈ જાય છે અને પાટણમાં ઉદાના માણસોના હાથમાંથી મંજરીને છોડાવે છે. ઉદાથી બચવા વિદુષી મંજરીએ કાક સાથે અનિચ્છાએ લગ્ન કરવાં પડે છે, પણ લગ્નની રાતે જ તે કાકને તિરસ્કારે છે. ત્રીજા ભાગમાં કાક ફરી વખત ઉદાના હાથમાં કેદ પકડાયેલી મંજરીને છોડાવે છે અને કીર્તિદેવના કુળને જાણી લાવે છે. કીર્તિદેવને મોઢે કાકની શક્તિની પ્રશંસા સાંભળી મંજરીનો કાક પ્રત્યેનો તિરસ્કાર ઓસરે છે. ચોથા ભાગમાં રા’ખેંગારને પકડવા નીકળેલો કાક રા’ખેંગારનો મિત્ર બને છે, ખેંગારની પ્રતિજ્ઞા પૂરી થાય ત્યાં સુધી એ ખેંગારની કેદમાં રહે છે, ખેંગારને રાણકદેવી સાથે જૂનાગઢ નાસી જવામાં મદદ કરે છે અને જેના વર્ગનું સંપૂર્ણ ખંડન થયું હતું તે મંજરીનો હૃદયસ્વામી બને છે. અપ્રસ્તુત વિદ્વતચર્ચા, ચિંતન તથા લાંબાં સ્થળકાળનાં વર્ણનો ને પાત્રોના જન્મ-ઉછેર-સ્વભાવની વિગતપૂર્ણ માહિતી આપવાની લઢણોનો ત્યાગ કરી, ઘટનાઓને નાટ્યાત્મક બનાવીને વાર્તારસ જમાવવા તરફ ધ્યાન કેન્દ્રિત કરી આ નવલકથાએ ‘સરસ્વતીચંદ્ર’ પછી ગુજરાતી નવલકથાની કાયાપલટ કરવામાં મહત્વનો ફાળો આપ્યો છે. અલબત્ત, ઐતિહાસિકને બદલે કાલ્પનિક પાત્ર કાકનું ઔચિત્યથી વધારે ગૌરવ, કાકનાં રોમાંચક પરાક્રમો અને એને પરિણામે તેને પ્રાપ્ત થતો મંજરીનો પ્રેમ, કીર્તિદેવના ભૂતકાળ પાછળ છવાયેલી રહસ્યમયતા ઇત્યાદિ તત્વોને લીધે આ નવલકથા પણ ‘પાટણની પ્રભુતા’ની માફક ‘ઐતિહાસિક રોમાન્સ’ની છાપ ચિત્ત પર પાડે છે. -જયંત ગાડીત રાજાધિરાજ (૧૯૨૫) : કનૈયાલાલ મુનશીની ગુજરાતના સોલંકીયુગના ઇતિહાસ પર આધારિત નવલકથાત્રયીની ‘ગુજરાતનો નાથ’ પછીની નવલકથા. ચાર ખંડમાં વિભક્ત આ નવલકથામાં જયસિંહ સિદ્ધરાજનો સોરઠવિજય અને લાટમાં જાગેલું બંડ એ બે મુખ્ય ઘટનાઓ સાથે સંબંધિત કથા ગૂંથાયેલી છે. રા’ખેંગારે કરેલા અપમાનનું વેર લેવા પંદર વર્ષથી જૂનાગઢને ઘેરો નાખીને પડેલા જયસિંહ સિદ્ધરાજ આખરે દેશળ-વીશળે બતાવેલા ગઢના છૂપા માર્ગેથી હુમલો કરી જૂનાગઢ પર વિજય મેળવે છે, પણ એ વિજય પછીયે રાણકદેવી સાથે લગ્ન કરવાની તેની ઇચ્છા વણસંતોષાયેલી રહે છે. રાણકદેવી કાકની મદદથી સતી થાય છે. આ કથાની સાથે સાથે કાકની ગેરહાજરીમાં લાટમાં થયેલા બંડની કથા પણ ગૂંથાતી આવે છે. લાટના બંડને પાટણની સેના દબાવી દે છે, પરંતુ કેદમાં સપડાયેલી મંજરી તેને મદદ પહોંચે તે પહેલાં મૃત્યુ પામે છે. કાકના પાત્રનું અતિગૌરવ અને મહત્વની ઘટનાઓમાં એનું વર્ચસ્વ ‘ગુજરાતનો નાથ’ની જેમ અહીં પણ અનુભવાય છે. અપ્રતીતિકર પણ રોમાંચક અને સાહસિક ઘટનાઓથી થતી કથારસની જમાવટ આ કૃતિનો નોંધપાત્ર વિશેષ છે. -જયંત ગાડીત પૃથિવીવલ્લભ (૧૯૨૧) : કનૈયાલાલ માણેકલાલ મુનશીની ઐતિહાસિક નવલકથાઓમાંની એક. ધારાનગરીનો રાજા મુંજ અહીં વધુ કાલ્પનિક અને ઓછો ઐતિહાસિક હોવા છતાં શત્રુ તૈલપની કઠોર વૈરાગ્યધારિણી બહેન મૃણાલવતીના ચરિત્રની પડખે નર્યા જીવનોલ્લાસરૂપે મુકાયો છે. મુંજના પ્રતાપમાં ઓગળી જતી મૃણાલની કઠોરતા-મૃણાલનું પરિવર્તન-આ પ્રણયકથાનો મુખ્ય આશય છે. તત્કાલીન સમયપટ, વેગવંત ઘટનાદોર, નાટ્યાત્મક રજૂઆત, પ્રતાપી ચરિત્રરેખાઓ અને ભાષાની વેધકતાથી આ નવલકથાએ ગુજરાતી સાહિત્યમાં વિશેષ પ્રભાવ જન્માવ્યો છે. સંકુલ નહિ એવું એનું સુઘટ્ટ કથાસંયોજન આકર્ષક છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા જયસોમનાથ (૧૯૪૦) : સોલંકીયુગનો સંદર્ભ આપતી કનૈયાલાલ મુનશીની ઐતિહાસિક નવલકથા. મહંમદ ગઝનીએ સોમનાથ પર કરેલા આક્રમણને ભીમદેવ સોલંકીએ સર્વ રાજપૂતોની સાથે રહી કઈ રીતે ખાળ્યું અને ચૌલાદેવી સાથેનો ભીમદેવનો પ્રણય કઈ રીતે પરિણયમાં પરિણમ્યો, એની જીવંત માંડણી કરતી આ પ્રેમશૌર્યની કથાનું સૌથી મહત્વનું અંગ વર્ણન છે. યુદ્ધના આલેખનમાં કચાશ કે અસંગતિઓ જરૂર મળી આવે છે, તેમ છતાં રણની આંધી, ઘોઘારાણાની યશગાથા, ચૌલાનું નૃત્ય આદિ વર્ણનો આ નવલકથાનાં જબરાં આકર્ષણો છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા કાકાની શશી (૧૯૨૮) : કનૈયાલાલ મુનશીનું ત્રિઅંકી પ્રહસન. એમાં જમાનાના જાણતલ પણ પ્રેમાળ સજ્જન મનહરલાલ (કાકા) તથા તેમણે ઉછેરેલી, સંસારનાં છલછદ્મથી અનભિજ્ઞ શશિકલાના આલંબને મધુરગંભીર સંવેદનસભરતા વિકસે છે; તો અન્ય પાત્રોને અનુલક્ષીને પ્રયોજાયેલાં ઉપહાસો-કટાક્ષો-વિડંબનાઓ હાસ્યનિષ્પત્તિના વિભાવો બની રહે છે. પાત્રોનાં પરસ્પર વૃત્તિઓ અને વ્યવહારથી સ્ત્રી-પુરુષ-સંબંધ વિષયક નિદર્શાત્મક મીમાંસા સમી આ નાટ્યકૃતિમાં મનુષ્યની સહજવૃત્તિજન્ય નિર્બળતાઓ પર ઢાંકપિછોડો કરીને આધુનિકતાના આડંબરી ઓઠા નીચે કરાતા અવાસ્તવિક ઉઘામા પાછળ છુપાયેલી દંભી ભદ્રજનોની ભીતરી જંતુવૃત્તિની ઠાવકી ઠેકડી કરાયેલી છે; અને કથયિતવ્યની કઠોર કરવતધાર હાસ્યવ્યંગ્યની હળવાશથી સહ્ય બનાવાયેલી છે. લેખકની ઉદ્દામ આઘાતક વૃત્તિએ અંતને વિવાદાસ્પદ બનાવ્યો છે; પરંતુ સમગ્રકૃતિગત યથાર્થ દ્રષ્ટિ, બૌદ્ધિક વિચક્ષણતા, પ્રહસનોચિત સ્વાભાવિકતા તથા રંગમંચક્ષમતાને કારણે આ નાટ્યકૃતિ સફળ નીવડે છે. સમકાલીન રંગભૂમિની લાક્ષણિકતાઓ સાથે સાહિત્યગુણને પણ જાળવતી આ કૃતિ ગુજરાતી નાટકના પરંપરાગત અને નવીન સ્વરૂપ વચ્ચેની કડી તરીકે પણ મહત્વની છે. -વિનોદ અધ્વર્યુ વાહ રે મેં વાહ (૧૯૫૩) : કનૈયાલાલ મુનશીનું સામાજિક પ્રહસન. લેખક તેને ‘ફેન્ટેસી’ - ‘અસંભવ’ તરીકે ઓળખાવે છે. ભારત સરકારના પોલિટિકલ એજન્ટની જવાબદારી સ્વીકારી હૈદ્રાબાદ જવાની તૈયારી કરતી વેળાના નિરૂપાયેલાં પ્રસંગમાં લેખક પોતાની ઠેકડી ઉડાડે છે. જતાં પહેલાં મુનશીને સપનું આવે છે અને એમનાં વિવિધ પાત્રો ફરિયાદ કરે છે, સલાહ પણ આપે છે. આમાં આયોજનનો નવતર પ્રયોગ થયો છે છતાં નાટક ઊપસતું નથી. નાટ્યાત્મક સંઘર્ષ, પરિસ્થિતિ, વળાંક, પરાકોટી કે નાટ્યાત્મક ગતિ, કાર્યવેગ કે જીવંત ચરિત્રચિત્રણનો ઝાઝો અનુભવ થતો નથી. સંવાદો બોલકા છે અને ઘટનાના અંકોડા સુગ્રથિત નથી. અન્ય સામાજિક નાટકો જેવી હાસ્યની માવજત પણ અહીં થઈ નથી. -રીવન્દ્ર ઠાકોરુ ધ્રુવસ્વામિનીદેવી (૧૯૨૯) : કનૈયાલાલ મુનશી રચિત ચતુરંકી ઐતિહાસિક નાટક. કથાનક પરત્વે વિશાખદત્તના, ખંડિત સ્વરૂપે પ્રાપ્ત સંસ્કૃતનાટક ‘દેવી ચંદ્રગુપ્તમ્’ પર આધારિત છતાં સમગ્ર કૃતિ તરીકે આ નાટક મુનશીનું જ સર્જન છે. નિર્વીય સમગુપ્તની જાજવલ્યમાન સામ્રાજ્ઞી ધ્રુવાદેવી અને રામગુપ્તના વિક્રમશીલ લઘુબન્ધુ ચંદ્રગુપ્તની કવિ કાલિદાસના સહકારથી વિકસતી સ્નેહકથા, ચંદ્રગુપ્તનું બનાવટી ગાંડપણ, કાયર રામગુપ્ત અને બર્બર શકક્ષત્રપ વચ્ચે અવદશામાં મુકાતી ધ્રુવાદેવીની ચંદ્રગુપ્તના પરાક્રમથી મુક્તિ, ચંદ્રગુપ્ત દ્વારા રામગુપ્તને હઠાવી તેનાં સામ્રાજ્ય અને સામ્રાજ્ઞી ઉભયની પ્રાપ્તિ-વગેરે નાટ્યાત્મક ઘટનાઓનું આલેખન સમકાલીન રંગભૂમિને અનુકૂળ હોવા છતાં આ કૃતિ પ્રયોગાનુકૂલ નાટ્યરચના કરતાં પ્રશિષ્ટ પાઠ્યકૃતિ તરીકે વધુ આવકાર્ય બની છે. -વિનોદ અધ્વર્યુ અડધે રસ્તે (૧૯૪૩) : કનૈયાલાલ મુનશીની ૧૯૦૬ સુધીનાં સંસ્મરણો આપતી આત્મકથા. આના અનુસંધાનમાં ‘સીધાં ચઢાણ’ (૧૯૪૩)ના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધમાં આત્મકથા આગળ વધે છે; અને એમાં ૧૯૦૭ થી ૧૯૨૨ સુધીનાં સંસ્મરણો મળે છે; જ્યારે ‘સ્વપ્નસિદ્ધિની શોધમાં’ (૧૯૫૩) ૧૯૨૩ થી ૧૯૨૬ સુધીના ગાળાનાં સંસ્મરણો આલેખે છે. આમ, કુલ ત્રણ ગ્રંથમાં વિસ્તરેલી મુનશીની આત્મકથાના પહેલા ગ્રંથમાં ટેકરીના મુનશીઓ, બાલ્યકાળ અને વડોદરા કૉલેજના અનુભવ છે, તો બીજા ગ્રંથમાં મુંબઈની શેરીઓમાં અને હાઈકોર્ટમાં જે બન્યું એનું બ્યાન છે; સાથે ‘મધ્વરણ્ય’ની નોંધો છે. ત્રીજા ગ્રંથમાં પહેલીવારનાં પત્ની અતિલક્ષ્મીબેન હયાત હોવા છતાં લીલાબેન તરફના આકર્ષણથી ઊભી થયેલી મનોસ્થિતિનાં ચિત્રણો છે. આત્મકથામાં પ્રવેશી જતા કલ્પનાના અંશો, તરંગલીલાનો લેવાયેલો આશ્રય, અહંનો વર્તાયા કરતો સૂર, લેખનમાં કંઈક અંશે વર્તાતી વિશૃંખલતા જેવાં તત્વોને બાદ કરતાં મુનશીની આત્મકથા ચરિત્રલેખનની જીવંત પદ્ધતિને કારણે સુવાચ્ય છે. આત્મનિરીક્ષણ કરતાં આત્મસન્માનવૃત્તિ આ આત્મકથાની શક્તિ અને મર્યાદા છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા ગુજરાત ઍન્ડ ઈટ્સ લિટરેચર (૧૯૩૫) : મહાત્મા ગાંધીના પુરોવચન સાથે મળતું કનૈયાલાલ મા. મુનશીનું અંગ્રેજી પુસ્તક. એમાં પ્રાચીનકાળથી અર્વાચીનકાળ સુધીનાં સાહિત્યનું ઐતિહાસિક અવલોકન છે. ગુજરાતનો ઇતિહાસ, એની ભૌગોલિક સીમાઓના વિસ્તારસંકોચ, ગુર્જરપ્રજાની ખાસિયતો, એના આર્થિક-સામાજિક પ્રશ્નો, એની જ્ઞાતિવ્યવસ્થા, એની સંસ્કૃતિપરંપરા-આ બધાં પરિમાણોને પડછે પહેલો ખંડ ‘પ્રાકૃત, સંસ્કૃત અને અપભ્રંશ’ પરનો છે; બીજો ખંડ ‘જૂની ગુજરાતી’ પરનો છે; અને ત્રીજો ખંડ ‘અર્વાચીન ગુજરાતી’નો છે; પહેલા ખંડમાં ગુજરાત, એની પ્રજા, પ્રારંભની અસરો, હેમચન્દ્ર અને સોમેશ્વરનો સમય વગેરેની ચર્ચા છે; બીજા ખંડમાં પદ્મનાભની વીરકવિતા, નવું ગુજરાત, મીરાં અને નરસિંહ, પ્રચલિત કથાસાહિત્ય, અખો, પ્રેમાનંદ અને દયારામનો સમાવેશ છે; ત્રીજો ખંડ અર્વાચીનકાળના સાહિત્યને, સંસ્કૃતના પુનરુત્થાનને, મહાત્મા ગાંધીના પ્રભાવને અને અર્વાચીન સાહિત્યનાં વલણોને તપાસે છે. અર્વાચીનકાળ કરતાં પ્રાચીનકાળ અને મધ્યકાળને અહીં વધુ ન્યાય મળ્યો છે. ક્યાંક પૂર્વગ્રહો નડ્યા છે, ક્યાંક પ્રમાણભાન ચુકાયું છે, ક્યાંક ઐતિહાસિક સામગ્રીની ચોકસાઈ જળવાયેલી નથી, તેમ છતાં મુનશીના આ ગ્રંથમાં સોદાહરણ જે રસલક્ષી ચર્ચા થઈ છે તેનું મૂલ્ય ઓછું નથી. -ચંદ્રકાન્ત ટોપીવાળા વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી