પંડ્યા કમળાશંકર લલ્લુભાઈ
(૨૦-૧૦-૧૯૦૪) : આત્મકથાલેખક. જન્મ નાંદોદ (રાજપીપળા)માં પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ નાંદોદ અને થાણામાં. ૧૯૨૪માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી ‘વાણિજ્ય વિશારદ’. પિતા એમને આઈ.સી.એસ.ની પદવી મેળવવા ઈંગ્લેન્ડ મોકલવા માગતા હતા,
પણ એમણે ગાંધીજીની ચળવળમાં જોડાવાનું પસંદ કર્યું. સ્વરાજ્ય પછી અનેક સામાજિક કાર્યો. થોડો વખત વડોદરામાં શિક્ષણકાર્ય. સમાજવાદી વિચારસરણીના પુરસ્કર્તા. વ્યવસાયે દાહોદમાં વેપારી. ૧૯૮૩માં નર્મદચંદ્રક.
આપણે ત્યાં રાજ્કીય આત્મકથાઓની અતિઅલ્પ સંખ્યામાં આ લેખકની આત્મકથા ‘વેરાન જીવન’ (૧૯૭૩)નું વિશિષ્ટ સ્થાન છે. એમાં રાજકારણની સાથે સમાજકારણ પણ છે. લોકનાયક જયપ્રકાશ નારાયણ સાથેનાં સંસ્મરણો
આ આત્મકથાનું આગવું અંગ છે. વિચારને વરેલા એક બૌદ્ધિકની નજરે આપણા સ્વાતંત્ર્ય પૂર્વેના અને પછીના રાજ્કીય-સામાજિક જીવનના વિવિધ તબક્કાઓની દસ્તાવેજી માહિતી આપતી આ આત્મકથા વ્યથાવેદનાના
અંશોવાળી, વ્યક્તિત્વના સ્પર્શથી યુક્ત કર્મકથા પણ છે. આ ઉપરાંત એમણે નહેરુકૃત ‘વીધર ઇન્ડિયા’નો ‘હિંદ કયે રસ્તે’ (૧૯૩૫) નામનો અનુવાદ પણ આપ્યો છે.
-યાસીન દલાલ
વેરાન જીવન (૧૯૭૩) : કમળાશંકર લલ્લુભાઈ પંડ્યાની આત્મકથા. સ્વાતંત્ર્યસૈનિકની આ આત્મકથા સ્વાતંત્ર્ય પહેલાંના અને પછીના દેશ અને ગુજરાતના રાજ્કીય પ્રવાહોને મૂલવે છે અને અંગત જીવનની કથા સાથે
સંવેદનશીલ રાજ્કીય કથાને નિરૂપે છે. નિરીશ્વરવાદી વલણ, રાજ્કીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક મૂલ્યોની સતત બુદ્ધિવાદી કસોટી, સમાજવાદી વિચારસરણીમાં અખૂટ શ્રદ્ધા અને લોકશાહીનો આગ્રહ-આ સર્વ લોકનેતાના
જીવનવૃત્તાંતને અહીં ઊંડું પરિમાણ બક્ષે છે. મંથનો ને સંઘર્ષોની આંતરિક કથા પણ સારી રીતે વ્યક્ત થવા પામી છે.