સવિશેષ પરિચય:
ડૉ.કુમારપાળ દેસાઈ
દેસાઈ કુમારપાળ બાલાભાઈ (૩૦-૮-૧૯૪૨) : ચરિત્ર, વિવેચન, સંશોધન, ચિંતન, બાળસાહિત્ય, અનુવાદ, પ્રૌઢ સાહિત્ય, નવલિકા અને ધર્મદર્શન વિશે એકસોથી વધુ ગ્રંથો લખનાર. એમ.એ., પીએચ.ડી. તથા એમના માર્ગદર્શન હેઠળ
વીસ વિદ્યાર્થીઓએ પીએચ.ડી. મેળવી છે. ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ, ભાષાસાહિત્યભવનના ડિરેક્ટર અને આર્ટ્સ ફેકલ્ટીના ડીન તરીકે કુલ ૩૮ વર્ષ સુધી અધ્યાપન કાર્ય કર્યું.
“નાની ઉંમર મોટું કામ” પુસ્તક સમગ્ર દેશની તમામ ભાષાઓમાં એ વર્ષનું બાળસાહિત્યનું શ્રેષ્ઠ પુસ્તક ગણાયું તેમજ કુમારપાળ દેસાઈએ ત્રણેય ભાષામાં લખેલું “અપંગના ઓજસ” (૮ આવૃત્તિ), “अपाहिज तन, अडिग मन” (૪ આવૃત્તિ)
અને “The Brave Hearts” (૩ આવૃત્તિ) તથા એનું બ્રેઇલ લિપિમાં રૂપાંતર થયું. પીએચ.ડી.ના એમના વિષય “આનંદઘન” પર ગુજરાતીમાં ત્રણ પુસ્તકો અને હિંદીમાં એક પુસ્તક તેમજ “Jainism : The Cosmic Vision”,
“Journey of Ahimsa”, “A pinnacle of Spirituality” જેવાં અંગ્રેજીમાં સોળ પુસ્તકો, “એકાંતે કોલાહલ” (વાર્તાસંગ્રહ), “જીવતરની વાટે અક્ષરનો દીવો”, “મહામાનવ શાસ્ત્રી” અને “મૂળમાર્ગનું અમૃત અને અધ્યાત્મનું
શિખર” (ચરિત્ર), “અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ” (સંશોધન), “શબ્દસમીપ”, “ભાવન વિભાવન” (વિવેચન), “હૈયું નાનું હિંમત મોતી”, “બિરાદરી” (બાળસાહિત્ય), “નવવધૂ” (અનુવાદ) તથા “નર્મદ આજના સંદર્ભમાં”, “હૈમસ્મૃતિ” (સંપાદન)
અને “જીવનનું અમૃત” અને “ઝાકળ બન્યું મોતી” (ચિંતન) જેવાં કુલ એકસોને દસ પુસ્તકો. ગુજરાતી સાહિત્ય પરિષદના પૂર્વપ્રમુખ, ગુજરાત સાહિત્ય સભાના પ્રમુખ, ગુજરાત વિદ્યાસભાના ઉપપ્રમુખ તથા ગુજરાતી વિશ્વકોશની પ્રવૃત્તિઓ સાથે
પ્રારંભથી જોડાયેલા એના મેનેજિંગ ટ્રસ્ટી.
અગિયાર વર્ષની વયે લેખનની શરૂઆત. “ગુજરાત સમાચાર”માં “ઈંટ અને ઇમારત” (૧૯૭૦) જેવી લોકચાહના ધરાવનારી કૉલમના લેખક. અનેક સેવાભાવી સંસ્થાઓમાં ટ્રસ્ટી.
વિશ્વના અનેક દેશોમાં જૈનદર્શન અને ગુજરાતી સાહિત્ય વિશે પ્રવચનો. ૨૦૦૪માં ભારતના રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામના હસ્તે શિક્ષણ, સાહિત્ય અને સંસ્કૃતિને અનુલક્ષીને કરેલાં કાર્યો માટે પદ્મશ્રીનું રાષ્ટ્રીય સન્માન.
-
ડૉ.કુમારપાળ દેસાઈ
વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે.
|