સાહિત્યસર્જક: મધુસૂદન ઠાકર
સવિશેષ પરિચય:
મધુસૂદન ઠાકર -ચંદ્રકાન્ત ટોપીવાળા બાંશી નામની એક છોકરી (૧૯૬૪) : મધુ રાયનો પહેલો વાર્તાસંગ્રહ. આધુનિક વાર્તાના મંડાણ વખતે સશક્ત રચનારીતિથી અને ભાષાની અનુનેયતાથી નોખી તરી આવતી આ બાવીસ વાર્તાઓમાં વિષાદનાં વિવિધ રૂપાંતરો છે. આ વિષાદ પાછળ યુવાવસ્થાની સ્ત્રીઝંખના અને ગરીબાઈની વાસ્તવિકતા વચ્ચેના વિરોધનો તણાવ છે. આ તણાવ વક્રતા તેમ જ વિનોદના દ્વિવિધ સ્તરે આસ્વાદ્ય બનતો વિશિષ્ટ કલા-આકૃતિ ધારણ કરે છે. પ્રયોગોની નવીનતા ને ભાષાનાં પોતીકાં સંવેદનોથી આ વાર્તાઓ તાજગીપૂર્ણ છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા રૂપકથા (૧૯૭૨) : મધુ રાયનો વાર્તાસંગ્રહ. અઠ્ઠાવીસ વાર્તાઓમાંથી પારંપરિક શૈલીની થોડીક વાર્તાઓ ઉપરાંતની અહીં આઠેક હાર્મોનિકાના પ્રયોગો દ્વારા વાર્તાસાહિત્યમાં જે આગવું સ્વરૂપ ઊભું થયું છે તે આ સંગ્રહનું મુખ્ય આકર્ષણ છે. વાર્તા એ લેખકે વાચકને લખેલો પત્ર નથી અને તેથી ખરેખર વાર્તા વાચકના મનમાં જન્મે છે, એવા નિરધાર સાથે થયેલા હાર્મોનિકાના પ્રયત્નોમાં અવ્યાખ્યેય બનતી વાર્તા અંગત સ્વતંત્ર યથાર્થ જન્માવે છે. વર્ણાવલંબિત નાદ પર વિકસતું આ વાર્તાઓનું દેખીતું અર્થશૂન્ય સ્વરૂપ વાચકને માટે ઊદ્દીપકનું કાર્ય કરે છે. આ સર્વમાં ‘કાચ સામે કાચ’ પરિણામગામી હાર્મોનિકા છે. હાર્મોનિકાઓ સિવાયની વાર્તાઓમાં ‘ઈંટોના સાત રંગ’ વાર્તા અસંગત અને તરંગના દોર પર રચાયેલી વિશિષ્ટ નિરૂપણરીતિથી પ્રભાવક છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા ચહેરા (૧૯૬૬) : નવી નવલકથાની વિભાવના ચરિતાર્થ કરતી મધુ રાયની પ્રયોગશીલ નવલકથા. એમાં, દ્વારિકામાં જન્મેલો બ્રાહ્મણનો પુત્ર કલકત્તા જઈ ચડે છે અને વિવિધ સંબંધોમાં ગોઠવાતો-ઊખડતો જાય છે. આમ, કાલાનુક્રમે રજૂ થતા પ્રસંગોની શ્રેણી અને વિકસિત પાત્રોને સ્થાને નાયક નિષાદની ચેતના ફરતે સંપર્કમાં આવતો પરિવેશ અને બદલાતાં પાત્રોની આ કથા છે. કથાનકના જાણીતા ઘટકને સ્થાને અહીં ઘટનાઓના છૂટાછવાયા તંતુઓની સંકુલ-સૂત્રતા છે. ચહેરાઓ પાછળનો ચહેરો અને વિવિધ હાસ્ય પાછળની કરુણા આ નવલકથાને આગવી મુદ્રા આપે છે. ભાષા નવલકથાના વાતાવરણને અનુરૂપ, ભભક વગરની છતાં અત્યંત પ્રાણવાન છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા કલ્પતરુ (૧૯૮૭) મધુ રાયની રહસ્યગર્ભ વૈજ્ઞાનિક નવલકથા. ગણતરીની સેકંડોમાં, માણસ માગે તે સઘળું સરજી દેવાની, કલ્પવૃક્ષ સમી શક્તિ ધરાવતા કમ્પ્યુટર દ્વારા ‘તેન ત્યકતેન ભૂજિથા:’ જેવો સહઅસ્તિત્વનો મંત્ર સાકાર કરવા માગતા કથાનાયક કિરણ કામદાર એમની કલ્પતરુ નામની અદભુત અને અપૂર્વ યોજના શી રીતે પાર પાડે છે એનું રોચક નિરૂપણ કથામાં થયું છે. ૧૯૯૫ની સાલને કથાસમય તરીકે પસંદ કરીને ચાલેલા સર્જકની દીર્ઘદ્રષ્ટિ વિજ્ઞાનના વિકરાળ વિકાસ અંગેના અંદેશાને પારખી શકી છે. યુદ્ધ અને તજ્જન્ય વિભીષિકાઓ વધતાં જ રહે એ માટે સામૂહિક પ્રયત્ન કરતી મહાસત્તાઓ કિરણ કામદારને પરેશાન કરવા શી શી ચાલ ચાલે છે તેના નિરૂપણ દ્વારા કથામાં ઉમેરાયેલું રહસ્ય વાચનરસમાં સહાયક નીવડે છે. કથાપ્રસંગો વચ્ચે વિક્ષેપ સરજી, સૂત્રધારની રૂએ, હવે પછીનાં પ્રકરણોમાં શી સામગ્રી આલેખાશે એવી ઘોષણા કથાનિરૂપણની તરેહ તરીકે નોંધપાત્ર છે. -રમેશ ર. દવે કામિની (૧૯૭૦) : પોતાના ‘કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો ?’ નાટકનું મધુ રાયે કરેલું નવલકથારૂપાન્તર. ચાર વિભાગ અને સાત પ્રકરણમાં વહેંચાયેલી આ કૃતિ એની રજૂઆતની વિલક્ષણતા અને સંકુલતાને કારણે નોંધપાત્ર છે. વાર્તાના કેન્દ્રમાં શેખર ખોસલાની એક કલ્પિત કથા છે; અને એનું ખૂન વાર્તાની પરાકાષ્ઠા છે. નાટક અને જીવન, પાત્રો અને માણસો, વાસ્તવ અને કલ્પના, ચિત્તના વ્યવહાર અને શરીરના બાહ્ય વ્યવહાર-આ બધાંને ગૂંચવી નાખતી આ રહસ્યકથા લેખકની અત્યંત પોતીકી રચનારીતિથી આકર્ષક છે. ભાષાની પ્રસંગોચિત તેમ જ પાત્રોચિત લવચીકતા અને પરંપરાગત મૂલ્યોની નવી અર્થસમજ નવલકથાને આસ્વાદ્ય બનાવે છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા કુમારની અગાશી (૧૯૭૫) : મધુ રાયની મૌલિક ત્રિઅંકી નાટ્યકૃતિ. એનું વસ્તુ અવૈધ જાતીય સંબંધને આલેખતું અરૂઢ છે. હર્ષદ-નિશાના સાતેક વર્ષના ઔપચારિક દાંપત્યમાં પતિની બેવફાઈનું વેર લેવા નિશા દિયર કુમાર સાથે સંકળાય છે, પરંતુ ભાભીની ચંચલવૃત્તિ જોઈ ચલિત થયેલો કુમાર અગાશીની પાળ પરથી પડતું મૂકે છે. આ કથાને, પાર્ટીના વાતાવરણ વચ્ચે અને કુમારની ફરી સદેહે થતી ઉપસ્થિતિ વચ્ચે રહસ્ય-કથાનકની કક્ષાએ પહોંચાડી છે. કુમારનું મૃત્યુ એ અન્ય લોકો માટે જીવવાનું બહાનું બને છે, એવો મર્મ ઉપસાવી શમતું આ નાટક, એનાં ધારદાર સંવાદો ને જીવંતતાને કારણે તેમ જ મંચનપ્રયોગની આકર્ષકતાને કારણે નોંધપાત્ર છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા અશ્વત્થામા (૧૯૭૩) : મધુ રાયનો ભજવી શકાય તેવાં એકાંકીઓનો સંગ્રહ. એમાં ‘ઝેરવું’, ‘કાગડી ? કાગડાં ? માણસો ?’, ‘અશ્વત્થામા’, ‘ઝૂમરી તલૈયા’ અને ‘તું એવું માને છે’ એમ કુલ પાંચ નાટ્ય- કૃતિઓ છે. આ સર્વ, ઇયનેસ્કો અને બૅકિટના નાટ્યલેખનના પ્રભાવ હેઠળ જન્મેલી આધુનિક ‘ઍબ્સર્ડ’ રંગભૂમિની સભાનતાથી લખાયેલી છે. નાટ્યકારની પરિસ્થિતિ-નિર્માણકલા અને પાત્રોચિત ભાષાના વિવિધ અર્થસ્તરો સર્જવાની ગદ્યશક્તિ લેખકને સફળ નાટકકાર તરીકે સાબિત કરે છે. ‘ઝેરવું’ પ્રયોગશીલ અને પ્રચલિત એકાંકી છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી