સવિશેષ પરિચય:
મફત ઓઝા
ઓઝા મફત જીવરામ
(૧-૩-૧૯૪૪): કવિ, નવલકથાકાર, વિવેચક, સંપાદક. જન્મ વતન મહેસાણા જિલ્લાના જામળામાં. શાળાનો અભ્યાસ મહેસાણા જિલ્લાના સોજામાં. ૧૯૬૨માં એસ.એસ.સી., ૧૯૬૭માં ગુજરાતી-હિન્દી વિષયો સાથે
ગુજરાતી યુનિવર્સિટીમાંથી બી.એ., ૧૯૬૯માં એ જ યુનિવર્સિટીમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે એમ.એ., ૧૯૭૮માં પીએચ.ડી. અમદાવાદની સરસપુર આર્ટસ એન્ડ કૉમર્સ કૉલેજમાં, વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં અધ્યાપક.
પછીથી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં અધ્યાપક.
‘ધુમ્મસનું આ નગર’ (૧૯૭૪), ‘પડઘાનું ચકરાતું આકાશ’ (૧૯૭૫), ‘અશુભ’ (૧૯૭૬), ‘શ્વાસ ભીતરથી ફોરે’ (૧૯૭૮), ‘અપડાઉન’ (૧૯૮૪) આધુનિકવલણોને પ્રગટ કરનારા એમના કાવ્યસંગ્રહો છે.
પરંપરાથી સહેજ જુદી પડતી એમની નવલકથાઓમાં ‘ઘુઘવતા સાગરનાં મૌન’ (૧૯૭૩), ‘પીળું કરેણનું ફૂલ’ (૧૯૭૫), ‘પથ્થરની કાયા આંસુના દર્પણ’ (૧૯૭૬), ‘સપનાં બધાં મજાનાં’ (૧૯૭૭), ‘અમે તો પાનખરનાં ફૂલ’ (૧૯૭૮), ‘અમે
તરસ્યા સાજન’ (૧૯૭૯), ‘સૂરજ ડૂબે મૃગજળમાં’ (૧૯૮૧), ‘સાતમો પુરુષ’ (૧૯૮૨), ‘સોનેરી સપનાંની રાખ’ (૧૯૮૪), ‘આંસુનો ઊગ્યો ગુલમહોર’ (૧૯૮૪), ‘મૃગજળ તો દૂરનાં દૂર’ (૧૯૮૫), ‘ચહેરા વચ્ચે લોહીની નદી’ (૧૯૮૫) મુખ્ય છે.
‘કાચના મહેલની રાણી’ (૧૯૭૪), ‘તડકામાં ઓગળતો સૂર્ય’ (૧૯૮૩) એમનાં વાર્તાસંગ્રહો છે; તો ‘લીલા પીળા જ્વાલામુખી’ (૧૯૭૮) એમનો એકાંકીસંગ્રહ છે. ‘પળપળનાં પ્રતિબિંબ’ (૧૯૮૫) એમનો નિબંધસંગ્રહ છે.
‘ઉન્નતભ્રૂ’ (૧૯૭૫), ‘ઉદઘોષ’ (૧૯૭૭), ‘ઉન્મિતિ’ (૧૯૭૮), ‘રાવજી પટેલ’ (૧૯૮૧), ‘સંવિત્તિ’ (૧૯૮૫) એમના વિવેચનસંગ્રહો છે.
‘સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા’ (૧૯૮૦) એમનો શોધનિબંધ છે. આપણાં સાહિત્યસ્વરૂપો પર, આપણી સર્જકપ્રતિભાઓ પર, તેમ જ સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી સાહિત્યને અનુલક્ષીને કવિતા, ટૂંકીવાર્તા, એકાંકી, નિબંધ, વિવેચન પર એમણે
સંપાદનો કરેલાં છે. ‘પ્રયોગશીલ ગુજરાતી ટૂંકીવાર્તા’ (૧૯૮૬) અને ‘એકોક્તિસંચય’ (૧૯૮૬) એમના સંપાદનો છે, તો ‘ધૂમકેતુની ભાવસૃષ્ટિ’ (૧૯૭૩), ‘શબ્દયોગ’ (૧૯૮૪)ના એ સહ-સંપાદક છે.
-ચંદ્રકાન્ત ટોપીવાળા
ધુમ્મસનું આ નગર (૧૯૭૪): મફત ઓઝાનો પ્રથમ કાવ્યસંગ્રહ. અહીં ગ્રામીણ પરિવેશથી વિખૂટા પડી જવાયા પછીની, કાવ્યનાયકની નાગરિક-સમાજ-સંસ્કૃતિ પરત્વેની અકળામણને વાચા આપતાં ગીત-ગઝલ અને મુક્ત-છંદ
કાવ્યરચનાઓ સંગ્રહીત છે ‘પથ્થરનું પંખેરુ’ અને ‘પથ્થરની લીલેય કાયા’ જેવા પ્રયોગોમાં ડોકાતાં પથ્થર અને પંખી અહીં અદ્યતન કવિતાના વિવિધ પ્રભાવોને ઝીલે છે.
વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે.
|