સાહિત્યસર્જક: મહાત્મા ગાંધીજી
સવિશેષ પરિચય:
ફોટો : મહાત્મા ગાંધીજી-ચંદ્રકાન્ત ટોપીવાળા સત્યના પ્રયોગો અથવા આત્મકથા-ભાગ.૧, ૨ (૧૯૨૭, ૧૯૨૯) : ગાંધીજીની આત્મકથા. મૂળે ૨૯-૧૧-૧૯૨૫ થી ૩-૨-૧૯૨૯ દરમિયાન ‘નવજીવન’ માં હપતે હપતે છપાયેલી આ આત્મકથામાં લેખકનું જીવન ઓતપ્રોત હોવા છતાં સત્યના પ્રયોગો જ બહાર તરી આવ્યા છે. રાજ્યપ્રકરણી ક્ષેત્રના નહીં, પણ અધ્યાત્મક્ષેત્રના આ પ્રયોગોની પાછળ નમ્રતાની વૃદ્ધિ અને આત્મદર્શન એવા બે મુખ્ય હેતુ રહ્યા છે; તેથી કથા તટસ્થભાવે નિરભિમાનપણે લખાયેલી છે. એમાં સિદ્ધાંતોનું વર્ણન નથી, પરંતુ સિદ્ધાંતો પર રચાયેલાં કાર્યોનો ઈતિહાસ છે. મુખ્ય સિદ્ધાંત છે સત્યનો. લેખકને મન સત્ય સર્વોપરી છે. એમાં જ સત્યથી ભિન્ન મનાતા અહિંસા, બ્રહ્મચર્ય ઈત્યાદિ નિયમોના પ્રયોગો પણ આવી જાય છે. આથી, સત્ય જ છે અને એ સિવાય બીજું કઈ આ જગતમાં નથી એવા દિનપ્રતિદિન વધતા જતા વિશ્વાસની આ વિકાસકથા બની છે. લેખકે કહેવા યોગ્ય એક પણ વાત છુપાવી નથી અને પોતાના દોષોનું ભાન વાંચનારને પૂરેપૂરું થાય તે પ્રમાણે નિર્ભીકપણે નિરૂપણ કર્યું છે. આત્મનિરીક્ષણ ને આત્મપરીક્ષણની બેવડી ધારે ચાલતું નિરૂપણ, નિવર્યાજ સરલતાને સહૃદયતાથી ઊઘડતી જતી વાત, પ્રસંગે પ્રસંગે વણાટમાં સત્યસૂત્રનો પ્રભાવ, પ્રકરણે પ્રકરણનું વિશ્લેષણ કલેવર, વિનોદ અને નર્મવૃત્તિનો વિવેકપુરઃસર વિનિયોગ, માર્મિક અનુભવસારને ઉપસાવતી દ્રષ્ટિ, સુરુચિની સીમાને ક્યારેય ન અતિક્રમતી અભિવ્યક્તિ-આ બધાંથી શ્રેષ્ઠ આત્મકથાનો આદર્શ અહીં સ્થાપિત થયો છે. ભારતની જ નહીં, જગતભરની ઉત્તમ આત્મકથાઓમાં આ આત્મકથાનું મોખરે સ્થાન છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ (ત્રીજી સુધારેલી આવૃત્તિ, બંને ભાગ એકત્રિત, ૧૯૫૦) : પોતાની આત્મકથાની જેમ ગાંધીજીએ મૂળ ગુજરાતીમાં લેખેલો આ ગ્રંથ સાહિત્યદ્રષ્ટિએ તેમજ ઈતિહાસની દ્રષ્ટિએ મહત્ત્વનો છે. ગાંધીજીના પ્રારંભિક જીવનનો ઘડતરકાળ અને સત્યાગ્રહની એમની શોધ અંગેની મથામણ એમાં આલેખાયેલાં છે. ભારતીય સ્વતંત્રતા આંદોલનની પૂર્વભૂમિકા અહીં પડેલી છે. આફ્રિકામાં વસતા ભારતીયોને અંગ્રેજોના અત્યાચારમાંથી મુક્ત કરવા ગાંધીજીએ કરેલા પુરુષાર્થનું એમાં નિરૂપણ છે. ગાંધીજીની મક્કમતા, સત્યાગ્રહનું એમનું અનેરું શસ્ત્ર, સત્ય-અહિંસા વગેરેનાં પરિણામો—આ બધું અહીં મોજૂદ છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા મંગળપ્રભાત (૧૯૧૧) : મોહનદાસ કરમસદ ગાંધીએ યરવડા જેલમાંથી ૧૯૩૦માં દર અઠવાડિયે આશ્રમવાસીઓ માટે મોકલેલા પ્રવચનલેખોનો સંગ્રહ. આ લેખોમાં એમણે સાબરમતી આશ્રમવાસીઓએ પાળવા માટેનાં અગિયાર વ્રતોનું સ્વરૂપ સમજાયું છે. આ વ્રતોમાં સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય અને અપરિગ્રહ એ પાંચ ભારતીય આધ્યાત્મિક પરંપરામાં પ્રતિષ્ઠા પામેલાં વ્રત છે; તો આસ્વાદ, અભય, અસ્પૃશ્યતાનિવારણ, જાતમહેનત, સર્વધર્મ સમભાવ અને સ્વદેશી એ અન્ય છ એમણે પોતાના અનુભવ તથા દેશની તત્કાલીન સ્થિતિને અનુલક્ષીને આપેલાં વ્રત છે. આ વ્રતોના પાલન પાછળ સ્વનો વિકાસ કરવો અને એ દ્વારા સત્યનું દર્શન કરવું એ આ લેખોનું મુખ્ય લક્ષ્ય છે. -જયંત ગાડીત વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી