સાહિત્યસર્જક: મણિલાલ દ્વિવેદી
સવિશેષ પરિચય:
મણિલાલ દ્વિવેદી-ધીરુભાઈ ઠાકર સુદર્શન ગદ્યાવલિ (૧૯૧૯) : મણિલાન ન. દ્વિવેદીના, ‘સુદર્શન’ અને ‘પ્રિયંવદા’માં પ્રગટ થયેલા નિબંધોનો બૃહત્ સંગ્રહ. એમાં ધર્મ, ગૃહ, રાજ્ય, સાહિત્ય, કલા એમ લગભગ તમામ ક્ષેત્રોના મહત્ત્વના વિષયોની તાત્ત્વિક તેમ જ વ્યાવહારિક વિચારણા છે. વિભિન્ન રુચિ અને અધિકારવાળા વાચકોને રસ પડે તેવી વિષયસામગ્રી ધરાવતા આ નિબંધોની મુખ્ય વિશેષતાઓ છે : ઉચ્ચ કોટિની વિચારસંપત્તિ અને વિષયનું સુદ્દઢ ગ્રથન તથા નિરૂપણ. તત્ત્વચર્ચા અને સિદ્ધાંતનિરૂપણના પ્રસંગે એમની શૈલી સ્વસ્થતા અને ગૌરવ સાથે ઊંડી પર્યેષકતા ધારણ કરે છે. આ નિબંધોમાં થયેલી વિચારણા અને તેથી ચાલેલા વિવાદોને લીધે ગુજરાતી ગદ્યની શાસ્ત્રીય ચર્ચાની ક્ષમતા ઘડાઈ હતી એ કારણે આ ગ્રંથ ‘ગુજરાતી સાહિત્યનો સર્વોત્તમ નિબંધભંડાર’ ગણાયો છે અને એના લેખકને અર્વાચીન યુગના ત્રણ શ્રેષ્ઠ નિબંધકારોમાં સ્થાન મળ્યું છે. -ધીરુભાઈ ઠાકર કાન્તા (૧૮૮૨) : મણિલાલ ન. દ્વિવેદીની પહેલી સાહિત્યકૃતિ. જયશિખરી-સુરપાળ-ભુવડના ઐતિહાસિક વૃત્તાંતમાં કલ્પના અને સ્વાનુભવ મિશ્રિત કરીને એમણે આ નાટકના વસ્તુની ગૂંથણી કરેલી છે. નાન્દી-પ્રસ્તાવના કે ભરતવાક્ય વિનાનું, કરુણ અંતવાળું, પાશ્ચાત્ય પદ્ધતિનું નાટક રચવાનો આ પ્રયત્ન છે. સુરસેન-કાન્તાનું મધુર દામ્પત્ય દર્શાવતો આરંભનો પ્રસંગ અનેક વિપત્તિઓમાં પલટાતો જઈને છેવટે કાન્તા-સુરસેનના ચિતાપ્રવેશ રૂપે પર્યવસાન પામે છે. નાટકની ક્રિયા સાથે તાલ લેતા પાત્રના મનોવેગનું આકર્ષક નિરૂપણ, જીવંત પાત્રચિત્રણ અને કવિતાના સમુચિત ઉપયોગ દ્વારા થતી રસનિષ્પત્તિને કારણે જ, વસ્તુસંકલના શિથિલ અને સંવાદો દીર્ઘસૂત્રી હોવા છતાં, રમણભાઈ નીલકંઠે ‘કાન્તા’ને છેક ૧૯૦૯ સુધીના ગુજરાતી નાટ્યસાહિત્યમાં ‘એક જ આશ્વાસનસ્થાન’ તરીકે બિરદાવ્યું છે. -ધીરુભાઈ ઠાકર આત્મનિમજજન (૧૯૫૯) : મણિલાલ નભુભાઈ દ્વિવેદીના આ કાવ્યસંગ્રહમાં ભજનો, ગીતો, ગઝલો અને વૃત્તબદ્ધ રચનાઓ મળીને કુલ પંચાવન કૃતિઓ છે. મણિલાલની કવિતાના મૂળમાં એમના અંગત જીવનના તીવ્ર આઘાતજનક અનુભવો રહેલા છે, જેની નિખાલસ વાત એમણે ‘આત્મવૃત્તાન્ત’માં કરેલી છે. ગીતોઅને ગઝલોમાં બુદ્ધિ અને હૃદયના ઉદાત્ત સમન્વયરૂપ અધ્યાત્મ-અનુભવ ધ્યાન ખેંચે છે. એ દ્રષ્ટિએ ‘ગગને આજ પ્રેમની ઝલક’ અને ‘દ્દગ રસભર’ જેવાં ગીતો તથા ‘અમર આશા’, ‘કિસ્મત’ અને ‘આ જામે ઈશ્કમાં’ જેવી ગઝલો ઉત્તમ છે. શિષ્ટતા, રસિકતા, અર્થલક્ષિતા, સુવાચ્યતા અને અર્થપ્રેરકતા એ વૃત્તબદ્ધ રચનાઓનાં મુખ્ય લક્ષણો છે. ૧૮૮૯ માં લખેલું ‘ગરીબાઈ’ કાવ્ય અને પૃથ્વી છંદનો પ્રયોગ-એમાં કોઈને ત્રીસીની કવિતાની આગાહી દેખાય. આત્મવૃત્તાન્ત (આત્મચરિત્ર) (૧૯૭૯) : ૧૮૮૬ આસપાસ મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ ૨૮ વર્ષની ઉંમરે કથા રૂપે લખવું શરૂ કરેલું અને પછી (૧૭-૧૧-૧૮૮૯ થી ૨૨-૮-૧૮૯૫ સુધી) ડાયરી રૂપે ચાલુ રહેલું આ આત્મચરિત્ર ધીરુભાઈ ઠાકરને હાથે સંપાદિત થઈ ઘણાં વર્ષે પ્રગટ થયું. તેમાં લેખકે, કોઈ પરમ વિશ્વાસુ મિત્ર સમક્ષ હૃદય ખોલતા હોય તેમ, નિખાલસભાવે કરેલું આ સ્વાનુભવકથન છે, જે મણિલાલના માનસને તેમ એમના કાવ્યાદિ સાહિત્યને સમજવામાં ઉપયોગી છે. ખરું જોતાં આ આત્મવૃત્તાંતમાં લેખક, ચિંતક, પંડિત અને અધ્યાત્મપ્રેમી લોકશિક્ષક તરીકે ખ્યાતિ પામેલા જીવનવીરે વ્યાધિ, કુસંગ અને અતૃપ્ત પ્રેમતૃષાને કારણે અદમ્ય બનેલી પ્રકૃતિની સામે ચલાવેલા યુદ્ધની દારુણ કથા છે. તેમાં તત્કાલીન સમાજસ્થિતિનું પ્રતિબિંબ પણ ઝિલાયું છે. -ધીરુભાઈ ઠાકર વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી