ખંડેરિયા મનોજ વ્રજલાલ
(૬-૭-૧૯૪૩) : કવિ. જન્મ જૂનાગઢમાં. ૧૯૬૧માં એસ.એસ.સી. ૧૯૬૫ માં બહાઉદ્દીન કૉલેજ, જૂનાગઢથી રસાયણશાસ્ત્ર-વનસ્પતિશાસ્ત્ર વિષયો સાથે બી.એસસી. ૧૯૬૭માં એલએલ.બી. ૧૯૭૨ થી ૧૯૮૪ સુધી લૉના
ખંડસમયના વ્યાખ્યાતા. સાથે સાથે ૧૯૬૮ થી વકીલાત.
આધુનિક કવિતાના ભાગરૂપે આવેલી નવી ગઝલના કેટલાક પુરસ્કર્તા કવિઓમાં એમનું સ્થાન છે. નાજુક અભિવ્યક્તિ અને પ્રયોગમુખર બન્યા વગર સંવેદનશીલ રીતે ઊભા થતા ભાષાકર્મથી એમની ગઝલોનો વિશેષ કમાલ છે. સૌરાષ્ટ્ર અને ખાસ
તો જૂનાગઢના અધ્યાસોનો વિનિયોગ પણ એમની ગઝલોમાં વિશિષ્ટ બન્યો છે. ‘અચાનક’ (૧૯૭૦)માં ‘પીછું’ કે ‘રસ્તા વસંતના’ જેવી ગઝલો કે ‘શાહમૃગો’ જેવી લાંબી રચના સર્જકતાની એંધાણી આપે છે. ‘અટકળ’ (૧૯૭૯) સંગ્રહમાં ‘ક્ષણોને
તોડવા બેસું તો’ જેવી અત્યંત સર્જક ગઝલ સાંપડે છે. આ ઉપરાંત કેટલાંક ગીતો અને અછાંદસ રચનાઓ છે.
અંજનીગીતના પ્રયોગો ઝાઝા સફળ નથી છતાં ધ્યાન ખેંચે છે.
-ચંદ્રકાન્ત ટોપીવાળા
અટકળ (૧૯૭૯) : મનોજ ખંડેરિયાનો કાવ્યસંગ્રહ. અહીં ૭૨ ગઝલો-મુકતકો, ૧૧ ગીત, ૧૦ અછાંદસ અને ૭ દીર્ઘકાવ્ય રચનાઓ સંગૃહિત છે. ગઝલની સંખ્યા તેમ જ ઈયત્તા સૂચવે છે કે સર્જકનો મુખ્ય ઝોક ગઝલ પરત્વે છે. શબ્દનું ગયા
ભવનું લેણું ચૂકવવા કાવ્યસર્જન થઈ રહ્યું છે-એવી કવિશ્રદ્ધા વ્યકત કરતાં સંખ્યાબંધ શેર અને ગઝલો સંગ્રહની વિશિષતા બને છે. ‘વરસોના વરસ લાગે’ એવી સુદીર્ઘ રદીફ-કાફિયા ધરાવતી ગઝલથી આરંભાતો કવિનો આ બીજો સંગ્રહ તેમની
વિકાસગતિ પણ આલેખે છે.