સાહિત્યસર્જક: મનુભાઈ પંચોળી ‘દર્શક’
સવિશેષ પરિચય:
ફોટો: મનુભાઈ પંચોળી ‘દર્શક’-નિરંજન વોરા બંધન અને મુક્તિ (૧૯૩૯) : મનુભાઈ પંચોલી, ‘દર્શક’ ની નવલકથા. ૧૮૫૭ના વિપ્લવની કથા નરસિંહપુરના રાજ્યના સીમિત સંદર્ભે આલેખાયેલી છે અને મૃત્યુદંડથી આરંભી મૃત્યુદંડ આગળ પૂરી થયેલી છે. પરંતુ આરંભ અને અંતના મૃત્યુદંડ વચ્ચેનો વિકાસ લક્ષ્યગામી અને સુયોજિત છે. વાસુદેવ અને અર્જુનની પૂર્વકથા તેમ જ સુભગા અને રાજશેખ ની આનુષંગિક પ્રેમશૌર્યકથા ઇતિહાસના આભાસ દ્વારા માનવધર્મને પ્રગટાવવામાં સફળ નીવડી છે. -રમેશ ર. દવે દીપનિર્વાણ (૧૯૪૪) : મનુભાઈ પંચોલી, ‘દર્શક’ની ઐતિહાસિક નવલકથા. પ્રાચીન ભારતનાં પ્રજાસત્તાક ત્રણ રાજ્યોએ મગધની સામ્રાજ્યલિપ્સાની સામે પોતાની આઝાદીની ખુમારી શી રીતે દાખવી એનું ભવ્યોજજ્વલ નિરૂપણ અહીં થયું છે. પ્રથમ ખંડનાં ચૌદ પ્રકરણોમાં કથાનાયક આનંદનાં માતા-પિતા આર્યા ગૌતમી અને દેવહુતિનાં પ્રણય-પરિણય અને દીક્ષા તેમ જ માતાવિહોણા બાળક આનંદના, માતામહ આત્રેય પાસેના ઉછેરની પૂર્વકથા તથા મહાશિલ્પી સુદત્ત દ્વારા મૌગલ્લાનવિહાર અને પદ્મપાણિની શિલ્પરચના, તેની કલા પર વારી જઈ મહાકાશ્યપની પુત્રી સુચરિતા દ્વારા સુદત્તને થતું વાગ્દાન, બ્રાહ્મણક ગણના સેનાની તરીકે આનંદનું મહાકાશ્યપ પાસે ઔષધવિદ્યાના અભ્યાસ માટે આવવું, સુચરિતા સાથેની તેની આત્મીયતાથી ઈર્ષા અનુભવતાં સુદત્ત દ્વારા રથસ્પર્ધામાં આનંદના ઘોડાને ઘાયલ કરી રથસ્પર્ધા જીતવાનો પ્રયાસ કરવો, એના આનુષંગે મળેલી ગણસમિતિ સમક્ષ આનંદને ગણનાગરિક તરીકે અપાત્ર ઠેરવી દેશનિર્વાચન અપાવવું, સુદત્તવધૂ બનવાના વિકલ્પને સુચરિતા દ્વારા પ્રવજ્યા લેવી, ગણદ્રોહી બની સુદત્ત દ્વારા મગધ-આક્રમણ કરાવવું-જેવી ઘટનાઓના આલેખન નિમિત્તે સુચરિતા, સુદત્ત અને આનંદના પ્રણયત્રિકોણનું નિરૂપણ થયું છે; તો મગધના આક્રમણ સામે લડી લેવાની ગણરાજ્યોની તૈયારી, સંભવિત શક-આક્રમણની શક્યાશક્યતાની તપાસ માટે હરૌવતી જતાં આનંદનું તક્ષશિલામાં મહર્ષિ ઐલને મળવું, એમનાં અંતેવાસી કૃષ્ણા-મૈનેન્દ્રના પ્રેમ-પ્રસંગો, મગધના આક્રમણ સામે ઘોર વિનાશ વહોરીને લડી રહેલાં ગણરાજ્યો, પશ્ચાત્તાપશુદ્ધ સુદત્તની પરોક્ષ મદદથી થતા વિજય સાથે પૂરા થતા બીજા ખંડ પછી મગધના ઈન્દુકુમારના મોંએ કહેવાયેલી કથારૂપે મુકાયેલ ઉપસંહાર સાથે કથા પૂરી થાય છે. વિવિધ પાત્રો અને દેશકાળ વચ્ચે વહેંચાઈને દ્વિકેન્દ્રી બનવા છતાં ઐતિહાસિક નવલકથાને અનુરૂપ રહેતું ગદ્ય, પ્રતીતિકર પાત્રનિરૂપણ અને વર્ણનકલાને કારણે કૃતિ ધ્યાનાર્હ બને છે. -રમેશ ર. દવે ઝેર તો પીધાં છે જાણી જાણી- ખંડ ૧ (૧૯૫૨), ખંડ ૨ (૧૯૫૮), ખંડ ૩ (૧૯૮૫) : મનુભાઈ પંચોળી ‘દર્શક’ ની બૃહદ્ નવલકથા. લેખકે એમાં, બે વિશ્વયુદ્ધોની વિભીષિકાનાં સાક્ષી બનતાં પાત્રોની વિવિધ ધર્મ પરત્વેની શ્રદ્ધાના સમાન્તર નિરૂપણ દ્વારા, કોઈ એક જ ધર્મનો આશ્રય ન લેતાં, સર્વધર્મોનાં શુભ-તત્ત્વોનો સમન્વય સાધતાં કલ્યાણરાજની ઝંખના પૂરી થશે એવો રચનાત્મક નિર્દેશ આપ્યો છે. કૃતિના પ્રથમ ખંડમાં નાયક-નાયિકા સત્યકામ અને રોહિણીનો ગોપાળબાપાની વાડીમાં થતો ઉછેર, લગ્નમાં ન પરિણમતો તેમનો પ્રણય, ગોપાળબાપાનું અવસાન, શીતળાને કારણે દ્રષ્ટિ ગુમાવી બેઠેલા સત્યકામનો આત્મહત્યાનો પ્રયાસ, તેમાંથી બચી જતાં કેશવદાસ નામે ને સાધુરૂપે બૌદ્ધધર્મના વિશેષ અભ્યાસ નિમિત્તે વિદેશગમન, હેમન્ત સાથેનું રોહિણીનું લગ્ન ને વૈધવ્ય, દિયર અચ્યુતના ઘડતરમાં રોહિણીની સક્રિયતા વગેરે મુખ્ય ઘટનાઓ દ્વારા લેખકે ગોપાળબાપાની ધર્મપરાયણ સેવાવૃત્તિ અને સત્યકામ-રોહિણીની રુચિર પ્રણયકથાનું આલેખન કર્યું છે. પ્રથમ વિશ્વયુદ્ધે યુરોપમાં સર્જેલા વિનાશનો ભોગ બનેલાંઓના પુનર્વસવાટ માટે મથતાં જ્યોર્જ ક્લેમેન્શો, ભગિની ક્રિશ્વાઈન, વોલ્ટર રેથન્યૂ અને એમના કામમાં અવરોધો ઊભા કરનાર નાઝી-નેતા હેર કાર્લ જેવા પાત્રોની વચ્ચે વસતા પંડિત કેશવદાસની નોંધપોથીરૂપે લખાયેલા કથાના બીજા ખંડમાં યુરોપનો ઇતિહાસ વિશેષ સ્થાન પામે છે. કૃતિના ત્રીજા ખંડમાં મહત્ત્વ ધારણ કરનાર અચ્યુતના ચરિત્રનો વિકાસ પણ આ ખંડમાં જ દર્શાવાયો છે. વર્ષો પછી કેશવદાસ તથા ડૉ. અચ્યુતનું સ્વદેશાગમન, રેથન્યૂના પુત્રોની ભાળવણ માટે અચ્યુતનું ઈઝરાયેલ જવું, બીજા વિશ્વયુદ્ધ નિમિત્તે ભારતની બર્મા-સરહદે તબીબી સેવા આપતાં અચ્યુત-મર્સીનું પ્રસન્ન-દાંપત્ય તથા યુદ્ધ દરમ્યાન એમનું વિખૂટાં પડી જવું, નર્સ બનીને યુદ્ધમોરચે પહોંચેલી રેખા દ્વારા અચ્યુત-મર્સીનાં બાળકોનું જતન કરવું, તેમ જ કથાંતે અચ્યુત, બાળકો અને રેખા તથા સત્યકામ અને રોહિણીનાં સુભગ મિલન જેવી ઘટનાઓ આલેખતા ત્રીજા ખંડમાં નવલકથાનું કથયિતવ્ય, યુદ્ધનાં તાદ્દશ વર્ણનો અને સ્થવીર શાંતિમતિ સાથેની કેશવદાસ, જેમ્સ લેવર્ટી, ડૉ. અચ્યુત, બર્મી સેનાની ઓંગસો તથા જાપાની સેનાપતિ યામાશિટાએ કરેલ ધર્મમીમાંસારૂપે નિરૂપાયું છે. વિશાળ ફલક પર પથરાયેલી આ કૃતિનું વસ્તુવિધાન અકસ્માતોના અતિરેકપૂર્ણ ઉપયોગને લીધે શિથિલ હોવા છતાં પ્રતીતિકર પાત્રનિરૂપણ અને પ્રસંગયોજના તથા ધ્યાનાર્હ ગદ્યથી કૃતિની મહત્તા પ્રગટ થાય છે. -રમેશ ર. દવે સોક્રેટિસ (૧૯૭૪) : મનુભાઈ પંચોલી, ‘દર્શક’ ની ઐતિહાસિક નવલકથા. એમાં સોક્રેટિસના દ્રશ્ય-અદ્રશ્ય કે શ્રાવ્ય-અશ્રાવ્ય વ્યક્તિત્વની આબોહવા ઊભી કરવાનો આદર્શ નવલકથાકારે દ્રષ્ટિ સમક્ષ રાખ્યો છે. સમાન્તર ચાલતી કાલ્પનિક પાત્રો મીડિયા અને એપોલોડોરસની પ્રેમકથા નાયક સોક્રેટિસની વ્યક્તિત્વકથાને બલિષ્ઠ કરે છે. તત્કાલીન ગ્રીક સંસ્કૃતિ અને ગ્રીક પ્રજાજીવનનું ચિત્રણ પ્રતીતિજનક છે. લેખક પોતે પણ આ કૃતિને પોતાની મહત્ત્વની કૃતિ ગણે છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા પરિત્રાણ (૧૯૬૭) : મનુભાઈ પંચોળી ‘દર્શક’નું ‘મહાભારત’ના ઉદ્યોગપર્વ, દ્રોણપર્વ અને આશ્રયવાસિકપર્વ પર આધારિત ત્રિઅંકી નાટક. નાટ્યકારે મહાભારતનું યુદ્ધ કર્ણ-અર્જુન કે દુર્યોધન-ભીમ વચ્ચેનું નહિ, પરંતુ કૃષ્ણ-શકુનિ વચ્ચેનું છે એવું દર્શન ઉપસાવ્યું છે. રસ્તો હોય અને છતાં રસ્તો લેવાય નહિં એવા સંકુલ સંસારમાં બળનું સત્ય નહિ પણ સત્યનું બળ એ જ ધર્મ છે એવો ધ્વનિ અહીં કેન્દ્રવર્તી છે. ભીષ્મ-શિખંડીનો પ્રસંગ કે શકુનિ-કૃષ્ણનો કુરુક્ષેત્રનો પ્રસંગ નાટકની અત્યંત ભાવાત્મક અને માર્મિક ક્ષણો છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા અંતિમ અધ્યાય (૧૯૮૩) : મનુભાઈ પંચોળી ‘દર્શક’ના આ નાટ્યગ્રંથમાં ત્રણ એકાંકીઓનો સમાવેશ થયો છે. નાટ્યવસ્તુ બીજા વિશ્વયુદ્ધમાંથી લીધું છે. નાત્સીઓએ યહૂદીઓ ઉપર આચરેલા અત્યાચારોની વાત આ ત્રણ એકાંકીઓ-‘સોદો’, ‘અંતિમ અધ્યાય’ અને ‘હેલન’ ને એકસૂત્રે પરોવે છે. આ પ્રત્યેક એકાંકી પરિસ્થિતિની પાર જઈ દશાંગુલ ઊંચા ઊઠનારા માનવીઓની જિજિવિષાના જયને નિરૂપે છે. મનુષ્ય કદી નાશ નહીં પામે એ શ્રદ્ધા આ કૃતિઓને સમકાલીન ન રહેવા દેતાં સર્વકાલીન સ્થાપિત કરે છે. -મૃદુલા માત્રાવાડિયા વાગીશ્વરીનાં કર્ણફૂલો (૧૯૬૩) : મનુભાઈ પંચોળી, ‘દર્શક’ના સાહિત્યવિવેચનલેખોનો સંચય. કુલ બાર લેખોનું રૂપ અભ્યાસસ્વાધ્યાયનું છે. મૂળ કૃતિનાં સૌંદર્યતત્વો –રસસ્થાનો ચીંધી બતાવીને એની મુલવણી કરતા અભ્યાસલેખો ગુજરાતી વિવેચનમાં, એમાંના માનવતાવાદી અભિગમને કારણે ઉલ્લેખનીય છે. ‘વૉર ઍન્ડ પીસ’, ‘ડૉ. જિવાગો’, ‘સિબિલ’, ‘આરણ્યક’, ‘ઘરે બાહિરે’, ‘સરસ્વતીચંદ્ર’, ‘ગુજરાતનો નાથ’ અને ‘માનવીની ભવાઈ’ જેવા અહીં કૃતિલક્ષી સ્વાધ્યાયલેખો છે; તો ‘મીરાંની સાધના’ અને ‘શરચ્ચંદ્રની ઉપાસના’ જેવા, સર્જકની સમગ્રલક્ષી પ્રતિભાને મૂલવતા અભ્યાસલેખો પણ છે. આમાં લેખકની નીતિવાદી-કલાવાદી સાહિત્યવિભાવનાનો પરિચય થાય છે. -બળવંત જાની આપણો વારસો અને વૈભવ (૧૯૬૧) : મનુભાઈ પંચોળી ‘દર્શક’ નું પ્રાચીન ભારતીય સંસ્કૃતિના ઇતિહાસનું આ અધ્યયન તત્કાલીન પ્રજાજીવનનાં વિવિધ પાસાંઓને સ્પર્શે છે. આ અધ્યયન રાજ્કીય ઇતિહાસ નથી, સાંસ્કૃતિક ઇતિહાસ છે. વેદયુગીન ભારતીય સંસ્કૃતિથી માંડીને હર્ષવર્ધન (ઈ.૬૪૭) સુધીના ભારતના સાંસ્કૃતિક જીવનનું અહીં નિરૂપણ થયું છે. ઇતિહાસની તથ્યલક્ષિતાની સાથોસાથ એની દાર્શનિક દ્રષ્ટિભૂમિ પણ લેખકે અહીં પૂરી પાડી છે. સમગ્ર ગ્રંથ તેર પ્રકરણોમાં વહેંચાયેલો છે. પહેલા પ્રકરણમાં ઋગ્વેદના આધારે આર્યોની સંસ્કૃતિનું નિરૂપણ થયું છે. બીજા અને ત્રીજા પ્રકરણમાં આર્યો અને અનાર્યો વચ્ચેના સંબંધની પૂર્વભૂમિકા, તેનો વિકાસ, તેના પુરસ્કર્તાઓ વગેરેનું વાલ્મીકિ, વ્યાસ વગેરેનાં દ્રષ્ટાંતો દ્વારા સ્પષ્ટીકરણ કરાયું છે. ચોથા પ્રકરણમાં બ્રાહ્મણયુગમાં યજ્ઞાદિના થયેલા વિકાસનું નિરૂપણ છે. પાંચમાં અને છઠ્ઠા પ્રકરણમાં મહાભારત, ઉપનિષદ વગેરે ગ્રંથો, તેમાંનું વાતાવરણ, તેમાં વ્યકત થયેલાં પ્રકરણ બુદ્ધ અને મહાવીરના આચારવિચારોનું તુલનાત્મક અધ્યયન છે. નવમા પ્રકરણમાં આર્યોની સંસ્કૃતિનાં ચાર મુખ્ય અંગો-વિવિધતામાં એકતા જોવાની દ્રષ્ટિ અને અહિંસા, સ્ત્રી-સન્માન, વર્ણાશ્રમવ્યવસ્થા, તર્કશુદ્ધ વ્યવસ્થિત વિચાર કરવાની ટેવ-બાબતે ઉલ્લેખ થયો છે. દસમાં પ્રકરણમાં વેદયુગથી માંડીને બુ્દ્ધ સુધીની વિવિધ રાજ્યપદ્ધતિઓનું નિરૂપણ છે. અગિયારમાં પ્રરકરણમાં હિંદુસ્તાનની અંદર અને એની બહાર એશિયામાં બૌદ્ધભિક્ષુકો, શિલ્પીઓ, વ્યાપારીઓ વગેરેએ સંસ્કૃતિનો વિસ્તાર કઈ રીતે સાધ્યો તે દર્શાવવામાં આવ્યું છે. બારમા અને તેરમા પ્રકરણમાં ‘અશ્વમેઘ-પુનરુદ્ધારયુગ’ નું,- લગભગ છસો વર્ષના ઇતિહાસનું નિરૂપણ છે. આમ, વેદ પૂર્વેના યુગથી માંડીને મધ્યકાળ સુધીના સાંસ્કૃતિક ઇતિહાસનું નિરૂપણ કરતો આ ગ્રંથ નોંધપાત્ર પ્રદાન છે. -હર્ષવદન ત્રિવેદી વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી