સવિશેષ પરિચય:
મોહનભાઈ પટેલ
પટેલ મોહનભાઈ શંકરભાઈ, ‘કૃષ્ણ દ્વૈપાયન’, ‘સનાતન યાત્રી’
(૮-૬-૧૯૨૦) : વિવેચક, સંશોધક. જન્મ પેટલાદ તાલુકાના વડદલામાં. ૧૯૪૬માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ, ૧૯૪૮માં એ જ
યુનિવર્સિટીમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયોમાં એમ.એ. ૧૯૪૬માં વડોદરા કૉલેજમાં ફેલો નિમાયા. વિદ્યાનગર, અલિયાબાડા વગેરે સ્થળે અધ્યાપન. પછી ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રાધ્યાપક, આચાર્ય અને વિનયન વિભાગના ડીન.
ત્યાંથી જ નિવૃત્ત. ‘વાણી’, ‘વિદ્યાપીઠ’ સામયિકોના તંત્રી. પછીથી ‘શિશુલોક’ અનિયતકાલિકના તંત્રી.
‘ઉપનયન’ (૧૯૬૬)માં એમનાં સંશોધનો અને અભ્યાસલેખો સંગૃહીત છે. ગુજરાતી કહેવતો અને એમાં સગાઈસંબંધો વિશેના એમના બે લેખોમાં આવા ઉપેક્ષિત પણ આવશ્યક કાર્યને એમણે મૂલવ્યું છે. મધ્યકાલીન ફાગુનું
સ્વરૂપ અને પ્રેમાનંદની કવિતામાં સંસ્કૃતિસંદર્ભ જેવા વિષયો પરનું એમનું સંશોધન ધ્યાનપાત્ર છે. ગોવર્ધનરામ, ગાંધીજી, રાજેન્દ્રની કવિતા, આધુનિક કવિતામાં પ્રકૃતિ, સુંદરમ્ નું એક કાવ્ય, ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’
ઇત્યાદિ વિષયોને વિવિધ લેખોમાં મૂલવવાનો અહીં સંનિષ્ઠ પ્રયાસ છે. ‘ધૃતિ’ (૧૯૭૦) એમનો બીજો લેખસંચય છે. એમાં જીવનકથાના સ્વરૂપ પરનો લેખ નોંધપાત્ર છે. આ ઉપરાંત સાહિત્યકૃતિઓ અને સર્જકોવિશેના એમના
વિચારો તથા અભ્યાસો આ સંચયમાં ગ્રંથસ્થ થયેલા છે. ‘ચન્દ્રવદન ચી. મહેતા’ (૧૯૮૧) એમનો લઘુપ્રબંધ છે. વિવેચક તરીકે તેઓ સ્પષ્ટવક્તા છે અને કૃતિની સર્વાંગીણ તપાસ કરવાને બદલે કોઈ ચોક્કસ દ્રષ્ટિકોણથી મૂલ્યાંકન કરે છે.
ભાષા, વ્યાકરણ, જોડણી, અનુવાદ વગેરેમાં એમનું સંશોધન જાણીતું છે. ‘અનુવાદ વિજ્ઞાન’ (૧૯૭૦), ‘ગુજરાતીમાં વિરામચિન્હો’ (અન્ય સાથે, ૧૯૭૩), ‘ભાષાસાહિત્ય દ્વારા રાષ્ટ્રીય એકતા’ (૧૯૮૧), ‘અનુવાદની સમસ્યાઓ :
એખ સંગોષ્ઠિ’ (૧૯૮૨) વગેરે એમનાં ઉપયોગી પુસ્તકો છે.
‘આલ્બર્ટ સ્વાઈત્ઝર’ (૧૯૬૪), ‘બાલ ભારતી’- ભા. ૧-૧૦ (૧૯૭૦), ‘ગુજરાતીમાં બાલસાહિત્ય’ (૧૯૮૪) વગેરે એમનાં બાળસાહિત્યવિષયક પુસ્તકો છે.
‘ચાર ફાગુ’ (૧૯૬૨), ‘ગાંધીજીની જીવનદ્રષ્ટિ’ (૧૯૬૪), ‘બૃહદ્ ગુજરાતી ગદ્યપરિચય’ ભા. ૧-૨ (અન્ય સાથે, ૧૯૭૩), ‘બૃહદ ગુજરાતી કાવ્યપરિચય’- ભા. ૧-૨ (અન્ય સાથે, ૧૯૭૩), ‘વાગ્વ્યાપાર અને વાગ્છટા’ (૧૯૭૩)
‘ચઢો રે શિખર રાજા રામના’ (૧૯૭૫) વગેરે એમનાં સંપાદનો-સહસંપાદનો છે.
-મણિલાલ પટેલ
વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે.
|