સૂબેદાર મહમૂદમિયાં મોહમ્મદ ઈમામ, ‘આસિમ રાંદેરી’
(૧૫-૮-૧૯૦૪) : કવિ, ગઝલકાર, સંપાદક. જન્મ સુરતના રાંદેરમાં. મૅટ્રિક સુધીનો અભ્યાસ. એ પછી અરબસ્તાનમાં પિતાનું અચાનક અવસાન થતાં અધૂરા અભ્યાસે
વિદેશ જવું પડ્યું. ૧૯૨૮ થી ૧૯૩૨ સુધી ઇસ્ટ આફ્રિકામાં ‘કેન્યા ડેલી મેઈલ’ના તંત્રીવિભાગમાં કામગીરી કર્યા પછી સ્વદેશ આવી મુંબઈમાં સ્વિડિશ મૅચ કંપનીની શાખા વલ્કન ટ્રેડિંગ કંપનીમાં સેલ્સમૅન. દરમિયાન ૧૯૫૦માં
‘લીલા’ માસિકની સ્થાપના. ૧૯૬૫માં નિવૃત્ત. ૧૯૬૫ થી ૧૯૭૧ દરમિયાન કોલંબો, આફ્રિકા, અરબસ્તાન, માડાગારકર, રિ-યુનિયન, મોરેશિયસ વગેરે દેશોના પ્રવાસ કરી ત્યાંની ભારતીય સંસ્થાઓમાં તેમ જ ત્યાંનાં ટી.વી.
કેન્દ્રો પર ગુજરાતી ઉર્દૂ શાયરીઓની રજૂઆત. ૧૯૭૩માં લંડન, કૅનેડા અને અમેરિકાનો પ્રવાસ. હાલમાં સપરિવાર અમેરિકા-નિવાસ.
‘લીલા’ (૧૯૬૩) એમનો મુખ્યત્વે પ્રણયકાવ્યોનો સંગ્રહ છે. એમાં લીલાના એક જ પાત્ર પર લગભગ કથાસ્વરૂપની સંકલનાબદ્ધ પંચ્યાશી રચનાઓ છે. આ કાવ્યો છૂટાંછૂટાં તેમ સળંગ પ્રણયકથા તરીકે પણ આસ્વાદ્ય છે.
બાનીની સરળતા અને પ્રાસાદિકતા એમનાં ગઝલ-ગીતોની લાક્ષણિકતા છે. ‘શણગાર’ (૧૯૭૮)માં ૧૯૨૭ થી ૧૯૭૮ સુધી રચાયેલ ગઝલો-મુક્તકો ઉપરાંત જુદા જુદા વિષયો પરનાં નઝમો-ગીતો સંગૃહીત છે. અહીં એમનાં
ગીતો પણ ગઝલસ્પર્શી છે અને અભિવ્યક્તિની સાદગી કાવ્યરસિકને આકર્ષનારી છે.
એમના ગ્રંથ ‘નાયતવાડાની વડી જુમ્મા મસ્જિદનો પ્રાચીન ઇતિહાસ’ (૧૯૭૪)માં આઠસો વર્ષ પૂર્વે રાંદેરમાં અરબસ્તાનથી આવેલ ‘નાયત’ અરબોની તવારીખ અંગેનું સંશોધન રજૂ થયું છે.