કલાર્થી મુકુલભાઈ ડાહ્યાભાઈ
(૨૦-૧-૧૯૨૦, ૧૯-૨-૧૯૮૮) : નિબંધકાર અને ચરિત્રલેખક. જન્મ મુંબઈમાં. ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી એમ.એ. એ પછી ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપન અને ‘વિનીત જોડણીકોશ’ તેમ જ ‘વિદ્યાપીઠ વાચનમાળા’નું સહસંપાદન.
મુખ્યત્વે જીવનચરિત્રો અને બોધકકથાઓના આ લેખકે નાનાં મોટાં સો-સવાસો પુસ્તકો લખ્યાં ચે. એ પૈકી ‘રાજાજીની દ્રષ્ટાંતકથાઓ’ (૧૯૫૯), ‘શ્રીમદ્ રાજચન્દ્રની દ્રષ્ટાંતકથાઓ’ (૧૯૫૯), ‘ભગવાન ઈસુની બોધક કથાઓ’ (૧૯૫૯),
‘શેખ સાદીની બોધક કથાઓ’, ‘બાપુજીની વાતો’ (૧૯૫૭), ‘નાની-નાની વાતો’, ‘બોધક ટીકડીઓ’, ‘સંતોની જીવનપ્રસાદી’, ‘ચીન દેશનાં કથાનકો’ જેવી પુસ્તિકાઓ અને ‘રામચન્દ્ર’ (૧૯૫૫), ‘શીલ અને સદાચાર’
(૧૯૫૫), ‘પ્રતિભાનું પોત’ (૧૯૫૬), ‘ધર્મસંસ્થાપકો’ (૧૯૫૭), ‘સરદારશ્રીની પ્રતિભા’ (૧૯૫૯), ‘બા-બાપુ’ (૧૯૬૧), ‘સરદારશ્રીનો વિનોદ’ (૧૯૬૪), ‘શ્રીમદ્ રાજચન્દ્ર અને ગાંધીજી’ (૧૯૬૪) જેવી ચરિત્રાત્મક
પુસ્તિકાઓ નોંધપાત્ર છે. એમણે ધર્મ-ચિંતન સંબંધી પ્રસ્તિકાઓ પણ લખી છે, જેમાં ‘જીવન અને મરણ’ (૧૯૫૭), ‘નીતિ અને વ્યવહાર’ (૧૯૫૮) તથા ‘જીવનામૃત’ (૧૯૫૯) મુખ્ય છે. આ ઉપરાંત એમણે કરેલાં સંપાદનો અને અનુવાદોમાં
‘ધર્મચક્રપ્રવર્તન’ (૧૯૫૯), ‘આપણા ભજનો’ (૧૯૬૦), ‘રવીન્દ્રની જીવનસૌરભ’ (૧૯૬૧), ‘ત્રિવેણીસંગમ’ (૧૯૬૨), ‘જવાહરની જીવનસૌરભ’ (૧૯૬૯) જેવાં સંપાદનો તથા ‘બેન્જામિન ફ્રેન્કલિનની આત્મકથા’,
‘ભક્તરાજ’ તથા ‘લોભ અને કરુણા’ (૧૯૫૯) જેવા અનુવાદો મુખ્ય છે.