સાહિત્યસર્જક: નગીનદાસ પારેખ
સવિશેષ પરિચય:
નગીનદાસ પારેખ-પ્રસાદ બ્રહ્મભટ્ટ અભિનવનો રસવિચાર અને બીજા લેખો (૧૯૬૯) : ભારતીય કાવ્યશાસ્ત્રને લગતા અભ્યાસલેખો ધરાવતો નગીનદાસ પારેખનો વિવેચનસંગ્રહ. ૧૬૨ પૃષ્ઠમાં વિસ્તરતો ‘અભિનવનો રસવિચાર’ એ આ સંગ્રહનો મૂર્ધન્ય લેખ છે. ‘વક્રોક્તિ અથવા કુંતકનો કાવ્યવિચાર’, ‘રમણીયતા : જગન્નાથનો કાવ્યવિચાર’ તથા ‘ક્ષેમેન્દ્રનો ઔચિત્યવિચાર’ પણ આ જ પ્રકારના વિવરણાત્મક લેખો છે. આ લેખોમાં લેખકે મૂળ ગ્રંથોમાં જે તે કાવ્યશાસ્ત્રીએ કરેલી વિચારણાની વિવરણપૂર્વક મીમાંસા કરી છે. ‘કાવ્યમાં અર્થ’ નામક લેખમાં સંસ્કૃત વ્યાકરણ, ન્યાય અને મીમાંસા દર્શનોમાં ‘અર્થ’ વિશે જે ચર્ચાઓ થઈ છે તેનો નિર્દેશ કરી લેખકે વિચારણા કરી છે. ‘રસાભાસ’ વિશેના પ્રથમ લેખમાં લેખકે મુખ્ય ગ્રંથોના આધારે કાવ્યમાં રસાભાસ શું છે એનું નિરૂપણ કર્યું છે તથા બીજા લેખમાં એની ખંડનમંડન રૂપ તાર્કિક ચર્ચા કરી છે. સંગ્રહના છેલ્લા લેખમાં લેખકે ગુજરાતીના મોટા ભાગના વિદ્વાનોએ નાટ્યાલંકાર ‘આખ્યાન’ને કાવ્યપ્રકાર સમજવામાં કરેલી ભૂલની વિગતવાર છણાવટ કરી વાસ્તવમાં એ કાવ્યપ્રકાર કેવો છે એ દર્શાવ્યું છે. આ લેખોમાં લેખકે મુખ્યત્વે જે તે વિષયનું વિવરણ અને આવશ્યકતા જણાઈ ત્યાં એને અંગે ઊહાપોહ કર્યો છે. -પ્રસાદ બ્રહ્મભટ્ટ વીક્ષા અને નિરીક્ષા (૧૯૮૧) : નગીનદાસ પારેખના આ વિવેચનસંગ્રહમાં નાનામોટા તેવીસ લેખો છે. ‘ક્રોચેનો કલાવિચાર’ અને ‘ઑબ્જેક્ટિવ કોરિલેટિવ અને વિભાવાદિ’ એ લેખોમાં પાશ્ચાત્ય કાવ્યવિચારની તથા અન્ય બે લેખોમાં ભારતીય કાવ્યવિચારની વિશદ મીમાંસા લેખકે કરી છે. કાવ્યમાં આકાર અને અંતસ્તત્વ, તથ્ય અને સત્ય સર્જનપ્રક્રિયા જેવા મુદ્દાઓ પરની વિચારનોંધોમાં એમની સાહિત્યપદાર્થના બાહ્યભ્યંતર સ્વરૂપ વિશેની દ્રષ્ટિ જોવા મળે છે. વિખ્યાત બંગાળી કથાસ્વામી શરદબાબુના જીવનની રસાત્મક ઝાંખી સંક્ષિપ્તતાથી કરાવાઈ છે. ‘રાષ્ટ્રીય એકતા અને બંગાળી સાહિત્ય’ નામના લેખમાં એમણે બંગાળી ભાષા અને સાહિત્ય વિશેના પોતાના અભ્યાસનો આછો ખ્યાલ આપ્યો છે. રવીન્દ્રનાથકૃત ‘કથા ઓ કાહિની’ અને ભર્તૃ હરિકૃત ‘નીતિશતક’ના આસ્વાદો; ઉમાશંકરકૃત ‘નિરીક્ષા’, અને રઘુવીર ચૌધરીકૃત ‘અમૃતા’ વિશેના અભ્યાસલેખો, ‘મોખરે’ અને ‘જૂનું ઘર ખાલી કરતાં’ વિશેનાં પરિશીલનલેખો તથા ‘આરોહણ’, ‘વધામણી’ વગેરે વિશેની ચર્ચાઓ લેખકની સજાગ વિવેચક તથા વિનમ્ર વિશોધક તરીકેની શક્તિ દર્શાવે છે. સંગ્રહ લેખકની વિદ્વત્તા, રસદ્રષ્ટિ, ચોકસાઈ, નિખાલસતા વગેરે ગુણોને સુપેરે પ્રગટ કરે છે. -પ્રસાદ બ્રહ્મભટ્ટ વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી