દીવેચા નારાયણ હેમચંદ્ર
(૧૮૫૫, ૧૯૦૯) : આત્મચરિત્રકાર, અનુવાદક, વિવેચક. જન્મ દીવમાં. પ્રવૃત્તિસ્થાન મુંબઈ. અભ્યાસ ઓછો પણ પરિભ્રમણ ઘણું. ઈંગ્લૅન્ડનો ચાર વાર પ્રવાસ. ‘વિચિત્રમૂર્તિ’ તરીકે ઉલ્લેખાયેલ
તેઓ ૧૮૭૫માં નવીનચંદ્ર રૉય સાથે અલ્હાબાદ ગયેલા. અનુવાદક તરીકેની તેમની કારકિર્દીનો પ્રારંભ ત્યાંથી થયો. તેઓ બંગાળી સાહિત્યનો ગુજરાતને પ્રથમ પરિચય કરાવનાર ગણાયા છે.
નાના-મોટાં એમ બધાં મળીને આશરે બસો જેટલાં પુસ્તકો એમણે આપ્યાં છે. એમનું ‘હું પોતે’ (૧૯૦૦) ગુજરાતી ભાષામાં પ્રકટ થયેલું પહેલું આત્મચરિત્ર છે. નર્મદ અને મણિલાલનાં આત્મચરિત્રો એ અગાઉ લખાયેલાં, પણ
પ્રસિદ્ધ તો તે પછી જ થયેલાં. પ્રસ્તુત આત્મકથા લગભગ પ્રવાસકથારૂપે છે. જીવનનાં પહેલાં ચોત્રીસ વર્ષોનું અહીં બયાન છે, એમાં પોતે જોયેલાં અનેકવિધ સ્થળોનો, ત્યાંનાં લોકો અને તેમના સ્વભાવ-સંસ્કારનો પરિચય
કરાવ્યો છે. સ્વામી દયાનંદ, દેવેન્દ્રનાથ ટાગોર વગેરે મહાનુભાવો સાથેના એમના સંપર્કોનું ચિત્રણ પણ અહીં પ્રસંગોપાત્ત થયું છે. પ્રવાસની પડછે સાદગી, ઈશ્વરભક્તિ, નિખાલસતા, ઉદ્યમશીલતા જેવા એમના વ્યક્તિત્વના
ગુણોની છબી પણ અહીં ઊપસી છે. કલામયતાની દ્રષ્ટિએ ‘હું પોતે’ પાંખી લાગતી હોવા છતાં તે વિવિધ-વિચિત્ર જીવનાનુભવોના નિરૂપણથી વાચનક્ષમ અવશ્ય બની છે. ‘પાંચ વાર્તા’ (૧૯૦૩), ‘ફૂલદાની અને બીજી વાર્તાઓ’
(૧૯૦૩)માં એમણે કથાઓ આપી છે. ‘વૈદ્યકન્યા’ (૧૮૯૫), ‘સ્નેહકુટિર’ (૧૮૯૬), ‘રૂપનગરની રાજકુંવરી’ (૧૯૦૪) વગેરે એમની નવલકથાઓ છે. ‘જીવનચરિત્ર વિશે ચર્ચા’ (૧૮૯૫), ‘સાહિત્યચર્ચા’ (૧૮૯૬), ‘કાલિદાસ અને
શૅક્સપિયર’ (૧૯૦૦) વગેરે એમનાં પ્રારંભિક વિવેચનચર્ચાનાં પુસ્તકો છે. એમણે ‘ડૉકટર સામ્યુઅલ જોનસનનું જીવનચરિત્ર’ (૧૮૩૯), ‘માલતીમાધવ’ (૧૮૯૩), ‘પ્રિયદર્શિકા’ જેવા અનુવાદો આપ્યા છે. એમણે બંગાળીમાંથી
પણ અનેક અનુવાદો આપ્યા છે, જે પૈકી ‘સંન્યાસી’ જેવી કથાના તેમણે કરેલા અનુવાદે તે કાળે અનેક સાહિત્યરસિકોનું ધ્યાન ખેંચેલું. મૌલિકતા કે ભાષાશુદ્ધિની કશી ખેવના કર્યા વિના એમણે સાહિત્ય, શિક્ષણ, સંગીત વગેરે
વિષયો પર ખૂબ લખ્યું છે.