સાહિત્યસર્જક: નર્મદશંકર દવે
સવિશેષ પરિચય:
નર્મદશંકર દવે-બળવંત જાની નર્મકવિતા (સમસ્ત, સંગ્રહરૂપે, ૧૮૬૪) : નર્મદનો કાવ્યસંગ્રહ. ઈશ્વરસંબંધી, નીતિસંબંધી, દેશાભિમાનસંબંધી, સ્ત્રીશિક્ષણસંબંધી, ઘરસંસારસંબંધી, પ્રીતિસંબંધી, ગ્રામ તથા સૃષ્ટિસૌન્દર્યસંબંધી વગેરે કુલ દશ ખંડોમાં રચનાઓ વર્ગીકૃત છે. ઉપરાંત, કાવ્યશાસ્ત્રસંબંધી ગ્રંથો તેમ જ ‘પૂરવણી’ વિભાગનો સમાવેશ છે. આ રચનાઓ માત્રામેળ, અક્ષરમેળ અને દેશીમાં રચાયેલી છે. લલિત છંદનો અને ઓવી તેમ જ મરાઠી સાખીનો સર્વપ્રથમ પ્રયોગ અહીં થયો છે. નર્મદે પહેલીવાર મધ્યકાલીન વિષયોને છોડીને સુધારો, સ્વતંત્રતા, પ્રકૃતિ અને પ્રણય જેવા અર્વાચીન વિષયો દાખલ કર્યા છે. વાસ્તવાભિમુખતા અને જીવનાભિમુખતાને કારણે નવાં ક્ષેત્રો ઊઘડ્યાં છે; નવી નિરૂપણરીતિ પ્રગટી છે; તત્કાલીન સમયનું સર્વાંગ ચિત્ર ઝિલાયું છે. અંગ્રેજી રોમેન્ટિક કવિતાની અસર હેઠળ આ રચનાઓમાં ‘જોસ્સો’ અને વધુ પડતો ‘કૃત્રિમ જોસ્સો’ ભળેલો છે. આત્મલક્ષિતાનું તત્વ પ્રમુખ બન્યું છે. શૈલી મસ્ત રહી છે. ખાસ તો અંગ્રેજી કવિતાના સંપર્કને કારણે ઓડ અને બેલડ પ્રકારની રચનાઓ પણ અહીં છે. સર્વ રચનાઓ પૈકી ‘કબીરવડ’, ‘સહુ ચલો જીવતા જંગ’, ‘જય જય ગરવી ગુજરાત’, ‘નવ કરશો કોઈ શોક’ જેવી ઊર્મિરચનાઓ અત્યંત જાણીતી છે. પરંતુ, સાથે સાથે પરલક્ષી કવિતા અને એમાંય ‘વીરસિંહ’ અને ‘રુદનરસિક’ એ મહાકાવ્યના અધૂરા નમૂનાઓ તેમ જ વીરવૃત્તનો પ્રયોગ પણ અહીં છે. છતાં એકંદરે અભિવ્યક્તિની પરિષ્કૃતતા ઘણી ઓછી હોવાથી તથા સર્ગશક્તિ ઉત્તમ પ્રકારની ન હોવાથી ઊંચી કવિતા સિદ્ધ થયેલી જોવાતી નથી. -ચંદ્રકાન્ત ટોપીવાળા મારી હકીકત (૧૯૩૩) : મૂળે નર્મદે ‘નર્મગદ્ય’- પુસ્તક ૨ ના બીજા અંક તરીકે પોતાના આ આત્મચરિત્રની બે-પાંચ નકલો જ છપાવેલી અને પોતાના મરણ બાદ પ્રગટ કરવાની વિનંતી કરેલી. કવિના છેક જન્મશતાબ્દીવર્ષમાં પુસ્તકાકારે આ ચરિત્ર પછી બહાર આવ્યું. એમાં ૩ જી સપ્ટેમ્બર ૧૮૩૩થી ૧૮મી સપ્ટેમ્બર ૧૮૬૬ સુધીનું સ્વાત્મચરિત્ર છે. દુર્ગારામ મહેતાના રોજનીશી રૂપે લખાયેલા આત્મચરિત્ર પછીનું વ્યવસ્થિત રૂપનું આ પહેલું આત્મવૃત્તાંત છે. એમાં જન્મથી શરૂ કરી ઘરડાં વડીલો અને માબાપની ઓળખથી માંડી શિક્ષણ, ઊંચુ શિક્ષણ, મંથનકાળ, પ્રયત્નકાળ, સુધારાનો પવન અને કવિનો યશઃકાળ તથા મધ્યકાળ નિરૂપાયેલાં છે. અહીં નિખાલસ કબૂલાત, રુચિને ભોગે પણ પ્રામાણિક કથનની ખેવના અને આત્મનિરીક્ષણનો સજગ પ્રયત્ન-આ ત્રણે વાનાં આત્મકથાકારની સભાન લખાવટ સાથે ગૂંથાયેલાં માલૂમ પડે છે. ઘડાતા આવતા ગદ્યમાં ઊતરેલી ભાષાની કેટલીક જીવંત લઢણો આ આત્મકથાની નિજી પૂંજી છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા નર્મકોશ (૧૮૭૩) : કવિ નર્મદાશંકરનો, એક ખંતીલા વિદ્વાનને શાસ્ત્રકાર તરીકે સ્થાપી આપતો શબ્દકોશ. ‘નર્મકવિતા’ ના શબ્દાર્થ તૈયાર કરવાની પ્રવૃત્તિ કોશરચનામાં પરિણમી અને કેટલીક સામગ્રી ૧૮૬૧થી છૂટા અંકો રૂપે પ્રગટ થયા પછી આ સંપૂર્ણ ને સુધારેલી આવૃત્તિ નર્મદાશંકરે પોતાને ખર્ચે પ્રગટ કરી. ગુજરાતી ભાષાના શબ્દોનો ગુજરાતી ભાષામાં જ અર્થો આપતો અંગ્રેજી પદ્ધતિનો સળંગ વર્ણાનુક્રમિક કોશ આ પહેલો જ છે અને તે એકલે હાથે સંઘરાયેલા ૨૫,૦૦૦ ઉપરાંત શબ્દોને સમાવે છે. અન્ય કોશગ્રંથો, ગુજરાતી ભાષાના ગ્રંથો, પૂછપરછ અને પોતાનાં સ્મૃતિ તથા અનુભવ એમ વિવિધ સાધનોથી થયેલો શબ્દસંગ્રહ, ચકાસણીપૂર્વક શબ્દસંગ્રહ અને અર્થનિર્ણય કરી શાસ્ત્રશુદ્ધ કોશ આપવાની નેમ, તદભવ-તળપદા શબ્દો તરફનું વિશેષ લક્ષ, જોડાયેલા અનુનાસિક વ્યંજનો માટે અનુસ્વારને સ્થાને વ્યંજનવર્ણનો વિનિયોગ, ‘હ’-શ્રુતિનો બિંદીથી નિર્દેશ વગેરે આ શબ્દકોશની નોંધપાત્ર લાક્ષણિકતાઓ છે. -જયંત કોઠારી નર્મકથાકોશ (૧૮૭૦) : રામાયણ, મહાભારત અને ભાગવતમાંના કથાપ્રસંગોને લક્ષમાં રાખી પાત્રગત ચરિત્રોને કક્કાવારી પ્રમાણે, નર્મદાશંકર લાલશંકર દવેકૃત આ કોશમાં આવરી લેવાયાં છે. અંશુમાનથી શરૂ કરીને હેડંબા સુધીનાં પાત્રો અને પાત્રો સાથેનો એમનો કથાસંદર્ભ અહીં રજૂ થયાં છે. મૂળ સંસ્કૃત પરથી નહીં પણ ગુજરાતી, મરાઠી, હિન્દી પુસ્તકો પરથી આ કોશ તૈયાર થયો છે. ગ્રંથને અંતે સંખ્યાત શબ્દાવલીની તેમ જ પર્વોત્સવ તિથ્યાવલી પણ મૂકી છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી