સાહિત્યસર્જક: નરસિંહરાવ દિવેટિયા
સવિશેષ પરિચય:
નરસિંહરાવ દિવેટિયા-સુસ્મિતા મ્હેડ કુસુમમાળા (૧૮૮૭) : કવિ નર્મદના અવસાન પછી બીજે વર્ષે, આજથી લગભગ એક સદી પહેલાં પ્રગટ થયેલ અર્વાચીન ગુજરાતી કવિતાક્ષેત્રે એખ સીમાચિહ્ન(*) અંકિત કરતો નરસિંહરાવ દિવેટિયાનો કાવ્યસંગ્રહ. પાલ્ગ્રેવની ‘ગોલ્ડન ટ્રેઝરી’ દ્વારા અંગ્રેજી કવિઓની ઊર્મિકવિતામાંથી સીધી પ્રેરણા મેળવી રચાયેલાં આ કાવ્યોમાં રોચક કલ્પનાઓ, ઊર્મિનું બારીકીભર્યું આલેખન, ભાષા તેમ જ છંદનું સુઘડ સંયોજન ગુજરાતી ઊર્મિકવિતામાં સૌપ્રથમ કંઈક અંશે કલાત્મક રીતે પ્રયોજાયેલાં છે. ઊર્મિકવિતા અંગે સાચી દિશામાં દોરવણી આપી એ એનું જમાપાસું છે. ‘મેઘ’, ‘ચંદા’, ‘મધ્યરાત્રિએ કોયલ’ વગેરે કાવ્યોએ વિદ્વાનો તેમ જ કાવ્યરસિકો-ઉભયને પ્રસન્ન કર્યા છે. ગોવર્ધનરામ ત્રિપાઠીએ ‘કુસુમમાળા’માં સૌપ્રથમ પ્રગટ થયેલી શુદ્ધ પ્રકૃતિકવિતાને ધ્યાનમાં રાખી યોગ્ય રીતે જ નરસિંહરાવને ‘સૂર્ય,ચંદ્ર અને તારાના કવિ’ તરીકે ઓળખાવ્યા છે. રમણભાઈ નીલકંઠને ‘ગુજરાતી કવિતાના સાહિત્યમાં રણમાં એક મીઠી વીરડી’ જેવી ‘કુસુમમાળા’ની કવિતા સ્પર્શી ગઈ હતી, એ પણ નોંધવું જોઈએ. -રમેશ ત્રિવેદી મનોમુકુર – ગ્રંથ. ૧, ૨, ૩, ૪ (૧૯૨૪, ૧૯૩૬, ૧૯૩૭, ૧૯૩૮) : નરસિંહરાવ દિવેટિયાના ગદ્યલખાણોના સંગ્રહો. વિવેચન, રસચર્ચા વગેરેના આ બુદ્ધિપરાયણ લેખોમાં એમના વ્યક્તિત્વનંે પ્રતિબિંબ જોઈ શકાય છે. વિસ્તારપૂર્વકની વિષયમાંડણી અને ઝીણું પૃથ્ક્કરણ એમની શક્તિ અને મર્યાદા છે. ગ્રંથ ૧માં ગ્રંથાવલોકન, કલાતત્વાન્વેષણ, જીવનદર્શન, ધર્મ અને તત્વદર્શન, હાસ્ય, વ્યાકરણ અને ભાષા સંબંધી લેખો છે; એમાં ‘અસત્ય ભાવારોપણ’ તેમ જ ‘ગુજરાતી કવિતા અને સંગીત’ જેવા લેખો મહત્વના છે. ગ્રંથઃ ૨માં ‘જયાજયન્ત’નું અવલોકન નોંધપાત્ર છે. ગ્રંથઃ ૩ માં ‘ગુજરાતનો નાથ’ નું વિવરણ તેમ જ ‘ફૂલડાંકટોરી’ નું અર્થઘટન દ્યોતક છે. ‘કાવ્યની શરીરઘટના’ પરનો લેખ કીમતી છે. ગ્રંથઃ ૪ માં ‘કવિતા અને સંગીત’ તથા ‘રમણભાઈ કવિ’ એ લેખો ધ્યાનપાત્ર છે. બુદ્ધિપૂત વિશદ ચર્ચા આ લખાણોનું વ્યાવર્તક લક્ષણ છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા સ્મરણમુકુર (૧૯૨૬) : નરસિંહરાવ દિવેટિયાનું સ્મૃતિચિત્રોની લેખમાળા આપતું પુસ્તક. પોતાની સાથે પરિચયમાં આવેલી મહત્વની સાહિત્યિક વ્યક્તિઓનાં આ ચિત્રોમાં લેખકની આત્મસંપર્કની છાયા ઓછીઝાઝી પ્રવેશેલી છે. કેટલાંક ચિત્રો ઝાંખા છે; કેટલાંક અર્ધસ્પષ્ટ રેખાવાળાં છે; તો કેટલાંક સ્પષ્ટરેખ છે. ભોળાનાથ સારાભાઈ, મહીપતરામ રૂપરામ, નવલરામ, નંદશંકર, મનઃસુખરામ સૂર્યરામ, કાન્ત, મણિલાલ દ્વિવેદી, હરિ હર્ષદ ધ્રુવ, ગોવર્ધનરામ ત્રિપાઠી, નારાયણ હેમચન્દ્ર- જેવાનાં ચિત્રોની પડછે ૧૯મી સદીના સાહિત્યિક-સાંસ્કૃતિક જીવનના અણસાર સાંપડે છે. આ પ્રકારનું સ્મૃતિચિત્રો આપતું ગુજરાતી સાહિત્યનું આ પહેલું પુસ્તક છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા સ્મરણસંહિતા (૧૯૧૫) : પુત્ર નલિનકાન્તના અકાળ અવસાનના આઘાતનિમિત્તે અવતરેલી નરસિંહરાવ દિવેટિયાની કરુણપ્રશસ્તિ. ત્રણ ખંડમાં વિસ્તરેલી આ પ્રશસ્તિ નિકટના લોહીના સંબંધની સાચી લાગણીમાંથી સંયત અને સુભવગ, કલાત્મક આકાર ધારણ કરી શકી છે. સાદી અને અસરકારક ભાષામાં થયેલું કરુણ, શાંત તેમ જ ભક્તિરસનું નિરૂપણ; ખંડ હરિગીતનો પ્રમુખ અને પ્રશસ્ત પ્રયોગ; પ્રકૃતિનું યથોચિત આલેખન; તત્વચિંતનની આર્દ્ર સામગ્રી; અનુલક્ષણ માટે લીધેલો શૃગાલશા ને એની પત્ની સન્ધયાવતીની પરિચિત કથામાંનો સારભાગ-આ બધું કૃતિને કેવળ શોકોદગાર બનતી અટકાવે છે અને રુદનને પ્રશ્ચાદભૂમાં મૂકે છે. આથી કાવ્યને એક પ્રકારની સુશ્લિષ્ટતા મળી છે. ટેનિસનના ‘ઇન મૅમોરિયમ’ કાવ્યના મૉડેલને અનુસરતું હોવા છતાં ગુજરાતી ભાષાનું આ શ્રેષ્ઠ શોકકાવ્ય છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી