સાહિત્યસર્જક: નવલરામ પંડ્યા
સવિશેષ પરિચય:
નવલરામ પંડ્યા-રવિકાન્ત શુક્લ ભટનું ભોપાળું (૧૮૬૭) : ફ્રેન્ચ પ્રહસનકાર મૉલિયેરના નાટકના ફિલ્ડિંગે કરેલા અંગ્રેજી ભાષાંતર ‘મૉક ડૉકટર’નું નવલરામ લક્ષ્મીરામ પંડ્યાએ કરેલું ગુજરાતી રસાનુસારી રૂપાંતર. વૃદ્ધની સાથેના એક કન્યાના લગ્નને અટકાવી, એ કન્યાના પ્રિય પાત્ર સાથે એનાં લગ્ન યોજવાની નેમ રાખતું આ નાટકનું વસ્તુ ઉપહાસ અને વિડંબનાથી સંસારસુધારાને પણ સિદ્ધ કરે છે. મૂળની નાટ્યાત્મક સ્થિતિઓને સફળતાપૂર્વક ગુજરાતી પરિવેશમાં ઢાળી હોવાથી નાટક મૌલિક હોવાનો ભાસ ઊભો કરે છે. ગુજરાતી ભાષાનું આ પહેલું સફળ રંગમંચક્ષમ પ્રહસન છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા વીરમતી (૧૮૬૯) : નવલરામ લક્ષ્મીરામ પંડ્યાકૃત ઐતિહાસિક નાટક. ફાર્બસ-રચિત ‘રાસમાળા’ (૧૮૫૬)ની અંગ્રેજી આવૃત્તિમાં સંગૃહીત જગદેવ પરમારની વાર્તાને આધારે આ નાટક રચાયેલું છે. સંસ્કૃત અને અંગ્રેજી નાટકની અસર નીચે, મુખ્યત્વે જગદેવની શૌર્યગાથા અહીં આલેખાઈ છે. નાટકના કેન્દ્રમાં ઊંચું પતિવ્રત ને શીલ ધરાવતી વીરમતીનું પાત્ર છે. કથાવસ્તુના નાટ્યાત્મક અંશો નાટ્યસંઘર્ષને પ્રબળ કરનારા રહ્યા છે. જોકે, પ્રસ્તારને લીધે નાટકની સુગ્રથિતતા ને કલાત્મકતા ઝાઝી જળવાઈ નથી. પાત્રના મનોભાવોને વ્યક્ત કરતા કાવ્યખંડોમાં કર્તાનું કવિત્વ, વિશેષે કરુણ શૃંગાર રસના નિરૂપણમાં, પ્રભાવશાળી જણાય છે. કૃતિની ઘરાળુ ભાષા બહુધા સંયોજન વિનાની અને કુત્રિમ લાગે છે. -રવિકાન્ત શુક્લ બાળ ગરબાવળી (૧૮૭૭) : નવલરામ લક્ષ્મીરામ પંડ્યાકૃત સ્ત્રીકેળવણીના ઉદ્દેશથી રચાયેલી કાવ્યકૃતિઓનો સંગ્રહ. એમાં બાળાઓના વયવિકાસને અનુલક્ષીને વિષયનિરૂપણની યોજના થયેલી છે. સ્ત્રીજીવનના, ભણતરથી માંડીને માતૃત્વ સુધીના કાળનું આલેખન સંગ્રહનાં કાવ્યોમાં થયું છે. કવિનું વલણ માટે ભાગે સંસારસુધારાનું રહ્યું છે. અપ્રસ્તુતપ્રશંસા દ્વારા બાળલગ્નની સાદ્યંત હાંસી ઉડાવતું ‘જનાવરની જાન’ અન્યોક્તિકાવ્ય તરીકે પ્રસિદ્ધ છે. -રવિકાન્ત શુક્લ નવલગ્રંથાવલિ (૧૮૯૧) : નવલરામની જીવનકથા સહિત એમના પ્રસિદ્ધ-અપ્રસિદ્ધ ગ્રંથો-લેખોનું આ સંપાદન ગોવર્ધનરામે ચાર ભાગમાં, હીરાલાલ શ્રોફે શાળોપયોગી આવૃત્તિરૂપે બે ભાગમાં (૧૯૧૧) તથા નરહરિ પરીખે તારણરૂપે (૧૯૩૭) કર્યું છે. પહેલા ભાગમાં નવલરામનાં નાટકો, કાવ્યો અને ભાષાંતરો સંગ્રહાયાં છે. એમાં ‘ભટ્ટનું ભોપાળું’ હાસ્યરસનું ગણનાપાત્ર નાટક છે. ઐતિહાસિક નાટક ‘વીરમતી’, કાવ્યસંગ્રહ ‘બાળલગ્ન બત્રીસી’, ‘કાવ્યાચાતુર્યની રચના’ ‘અકબર બીરબલ નિમિત્તે હિન્દી કાવ્યતરંગ’, કાલિદાસરચિત ‘મેઘદૂત’ નું સરળ રસાળ ભાષાંતર તથા સંસ્કૃતગ્રંથોનાં ભાષાંતરોનો પણ એમાં સમાવેશ છે. બીજા ભાગમાં એમનાં ગ્રંથાવલોકનો, કાવ્યતત્વવિચારણા અને કવિઓની સમીક્ષા છે. ‘ગુજરાત શાળાપત્ર’ તથા અન્ય સામયિકો વર્તમાનપત્રો દ્વારા વિવિધ વિષય-સ્વરૂપને લગતાં ગ્રંથાવલોકનો એમણે કર્યાં છે અને મહંદશે એ નિમિત્તે એમની કાવ્યતત્વવિચારણા પ્રગટ થઈ છે. ભાષા ને ભાષાશાસ્ત્ર તથા કવિ નર્મદ, દલપતરામ, પ્રેમાનંદની કવિતા વિશેનાં એમનાં સમીક્ષણો પણ નોંધપાત્ર છે. ત્રીજા ભાગમાં શિક્ષણશાસ્ત્રને લગતા અને ચોથા ભાગમાં વિવિધ વિષયના સામાન્યજ્ઞાનના લેખો સંગ્રહાયા છે. -રવિકાન્ત શુક્લ વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી