નાયક પન્ના ધીરજલાલ
(૨૮-૧૨-૧૯૩૩) : કવિ. જન્મસ્થળ મુંબઈ, વતન સુરત. ૧૯૫૪માં ગુજરાતી મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. ૧૯૫૬માં એમ.એ. ૧૯૬૨માં અમેરિકાના ફિલાડેલ્ફીઆની ડ્રેક્ષલ યુનિવર્સિટીમાંથી એમ.એસ.એલ.એલ.ની લાયબ્રેરી
સાયન્સની ડિગ્રી અને ૧૯૭૨માં ફિલાડેલ્ફીઆની પેન્સિલવેનીઆ યુનિવર્સિટીમાંથી એમ.એસ. અત્યારે પેન્સિલવેનીઆ યુનિવર્સિટીની વેન પેલ્ટ લાયબ્રેરીમાં દક્ષિણ એશિયાનાં ગ્રંથસૂચિકાર તરીકે કામગીરી.
‘પ્રવેશ’ (૧૯૭૫), ‘ફિલાડેલ્ફીઆ’ (૧૯૮૦) અને ‘નિસ્બત’ (૧૯૮૫) એમના કાવ્યસંગ્રહો છે. પરદેશમાં આધુનિક નગરસંસ્કૃતિ અને તેની સગવડો વચ્ચે જીવતી એક સ્ત્રીના મનોગતને પ્રગટ કરતી આ કવિતા છે. કોઈ સંઘર્ષ,
વિસ્મય કે તાણ વગરના, ભૌતિક સુખસગવડથી ભરેલા એકવિધ જીવનમાં અનુભવાતાં સુસ્તી ને કંટાળો, એ વચ્ચે મૃતપ્રાયઃ બનતી ચેતના ને તેમાંથી જન્મતો વિષાદ-એ આ કાવ્યોના કેન્દ્રવર્તી ભાવ છે. આ ભાવથી બંધાયેલી કવિની દ્રષ્ટિ પોતાના દાંપત્યજીવનમા,
પોતાની આસપાસના જીવનમાં એકલતાનો, પારાયાપણાનો, ઉષ્માવિહીનતાનો અનુભવ કરે છે. એ ઝંખે છે વતનને અને સ્નેહસભર જીવનને. સરળ તોપણ ભાવક્ષમ ભાષા આ કવિતાની લાક્ષણિકતા છે.