સાહિત્યસર્જક: પન્નાલાલ પટેલ
સવિશેષ પરિચય:
ફોટો: પન્નાલાલ પટેલ-જયંત ગાડીત વળામણાં (૧૯૪૦) : પન્નાલાલની આરંભકાળની એક નોઁધપાત્ર લઘુનવલ, જાનપદી જીવનની, નાનકડા ફલકની, પણ વિલક્ષણ કથા એમાં રજૂ થઈ છે. જમના સુથારણની અબુધ કલંકિતા દીકરી ઝમકુના લગ્નજીવનની વિચ્છિન્નતા આ કથાને ગતિ આપતું તત્વ છે; પણ પન્નાલાલે એ નિમિત્તે ખાસ તો મનોર મુખીના હૃદયપરિવર્તનની કથા કેન્દ્રમાં આણી છે. અસહાય ઝમકુને મનોર મુખી સિફતથી પોતાના કબજામાં લઈ અમદાવાદમાં ક્યાંક વેચી નાખવા નીકળે છે, પણ નીકળતી વેળાએ ઝમકુના નિર્દોષ નમણા ચહેરામાં તેમને પોતાની મૃત પુત્રી નાથીની મુખરેખાઓ એકાએક પ્રત્યક્ષ થઈ ઉઠે છે ને એ સાથે અંતરમાં ઊંડે ઊંડે અપરાધબોધની લાગણીથી તેઓ અસ્વસ્થ બની જાય છે. પ્રપંચમાં રાચતા મુખીનું અંતર ઝમકુની સરળ નિર્વ્યાજ લાગણીથી ધીમે ધીમે પીગળતું જાય છે. અંતે તેમનામાં પિતૃત્વની લાગણી જન્મે છે અને ઝમકુનાં તેની જ જ્ઞાતિના મૂરતિયા મોતી જોડે લગ્ન કરાવી તેને હેતથી વળાવે છે. તરુણ ઝમકુના ભીતરમાં ઊઠતી શિશુસહજ ઝંખનાઓ અને લાગણીઓનું આલેખન કરવામાં તેમ જ મુખીના ભીતરી સંઘર્ષને માર્મિક રીતે ઉપસાવવામાં સર્જકે પ્રશસ્ય સૂઝ દાખવી છે. ગ્રામજીવનનું સાચકલું વાસ્તવલક્ષી ચિત્રણ, પ્રકૃતિનો જીવંત પરિવેશ, ગૌણ પાત્રોની પણ બળવાન રેખાઓ, લોકબોલીના રૂઢપ્રયોગોથી સચોટતા સાધતી કથનરીતિ અને સુરેખ રચાઈ આવેલી આકૃતિ આ લઘુનવલને આગવું મૂલ્ય અર્પે છે. -પ્રમોદકુમાર પટેલ મળેલા જીવ (૧૯૪૧) : પન્નાલાલ પટેલની સીમાસ્તંભ નવલકથા. ઈડરિયા પ્રદેશના જોગીપરા અને ઉધડિયા ગામાનાં પટેલ કાનજી અને ઘાંયજી જીવીની આ કરુણાન્ત પ્રેમકથામાં ‘એક પા લોહીના કોગળા અને બીજી પા પ્રીતના ઘૂંટડા’ છે. જ્ઞાતિભેદ અને મોટાભાઈના કુટુંબની સોંપાયેલી જવાબદારીને કારણે કાનજી જીવીને અન્યત્ર પરણાવી વિચ્છેદ રચે છે. પોતાના વહેમી પતિથી વાજ આવી જીવી આપઘાત કરવા રોટલે વખ મેળવે છે ખરી, પરંતુ અક્સમાતે એ રોટલો પતિથી ખવાઈ જતાં અને પતિ મરી જતાં જીવી ગાંડી બની જાય છે. છેલ્લે આવી સર્વનાશ પામેલી જીવીને કાનજી પોતાના જીવનમાં સંઘરે છે. ગ્રામીણ વસ્તવમાં શુદ્ધ તળપદાં પરિબળો વચ્ચે વસ્તુવેગ અને મનોવિશ્લેષણની દ્વિવિધ ભૂમિકાએ સમગ્ર સંસારના પર્યારૂપ ધબકતો આ સ્થાનિક લોકસંસાર લેખકનો પોતીકો છે. સુન્દરમે સાચું કહ્યું છે : ‘અત્યારે આ કથા જેવી છે તેવી પણ હિન્દના કોઈ પણ સાહિત્યમાં અને થોડા સંકોચ સાથે દુનિયાના સાહિત્યમાં પણ ગુજરાતી કળાનું પ્રતિનિધિત્વ ધારી શકે તેવી બની છે.’ -ચંદ્રકાન્ત ટોપીવાળા માનવીની ભવાઈ (૧૯૪૭) : પન્નાલાલ પટેલની સીમાસ્તંભ નવલકથા. એમાં, પહેલીવાર તળપદા ગ્રામજીવનની વાસ્તવિકતાનો સાહિત્યિક આલેખ મળે છે. ગુજરાતના ઇશાનિયા ખૂણાના ગ્રામપ્રદેશનાં ઉત્સવો અને રીતરિવાજો, કથાઓ અને ગીતો, બોલી અને લહેકાઓ વચ્ચે તેમ જ છપ્પનિયા કાળની વચ્ચે મુકાયેલું કથાવસ્તુ કાળુ-રાજુના પ્રેમ કરતાં ઝાઝું તો એમની પ્રેમયાતનાનું છે. આ યાતનાને ગ્રામવાસીઓની બૃહદ્ યાતનાના સંદર્ભમાં અહીં તોળેલી છે. હૈયાની અને પેટની ભૂંડી ભૂખને અનેક સ્તરે ઉઘાડતી આ નવલકથાને ત્રણ ભાગમાં વહેંચી શકાય:કુલ સાડત્રીસ પ્રકરણો પૈકી પહેલાં ચૌદ પ્રકરણો કાળુનો જન્મ, બાળપણમાં એનો રાજુ સાથે થતો અને માલી ડોશીને કારણે તૂટતો વિવાહ, એમનાં અન્યત્ર થતાં લગ્ન વગેરેને વર્ણવે છે; પછઈના દશ પ્રકરણો બે ભૂખ્યાં હૈયાંની વેદનાને, એમના એકબીજા તરફના આકર્ષણને, એમના ઇર્ષ્યા અને ભયના જગતને પ્રગટાવે છે; છેલ્લાં બાકી રહેલા પ્રકરણો બે ભૂખ્યાં હૈયાંની વેદનાને, એમના એકબીજા તરફના આકર્ષણને, એમના ઈર્ષ્યા અને ભયના જગતને પ્રગટાવે છે; છેલ્લાં બાકી રહેલાં પ્રકરણો ભયંકર દુકાળ, ગ્રામજનો માટેનો કાળુનો સંઘર્ષ, નજીકના નગરમાં સ્થળાંતર, મૂલ્યનાશની અને વેઠની જિંદગી અને અંતે પાંદડાંવિહોણા વડ નીચે, પહેલી ઝડી વચ્ચે કાળુરાજુનું ઉત્કટ મિલન વગેરેને નિરૂપે છે. ‘ભૂખી ભુતાવળ’ જેવા પ્રકરણમાં પન્નાલાલનું આલેખન મહાકાવ્યની કક્ષાએ પહોંચતું અનુભવાય છે. બાવાની લંગોટી અંગેની લોકવાર્તા, લોકગીતો અને લગ્નગીતોનો સંદર્ભ, દિવાળીટાણે ગાય રમાડવાનો ચાલ, ઋતુઋતુનાં બદલાતાં દ્રશ્યો, ‘પરથમીનો પોઠી’ તરીકે ચીતરાયેલો ખેડૂત-આ સર્વ પ્રાદેશિક લોકસંપત્તિનો અહીં સર્જનાત્મક વિનિયોગ છે. ક્યારેક તળપદી બોલી વચ્ચે પ્રવેશતા મોંભરા સંસ્કૃત શબ્દો તેમ જ રાજુની સરખામણીમાં ક્યારેક અલ્પાંશે પ્રાકૃત બનતું કાળુનું પાત્ર કઠે છે, છતાં ગુજરાતી ભાષાનો અને પન્નાલાલની પ્રતિભાનો આ ઉત્તમ ઉન્મેષ છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા સુખદુઃખનાં સાથી (૧૯૪૦) : પન્નાલાલ પટેલનો પ્રથમ વાર્તાસંગ્રહ. એમની સર્જકશક્તિના વધુ લાક્ષણિક ઉન્મેષો અહીં તળગામડાનાં દીનહીન લોકોની કથા આલેખતી વાર્તાઓ ‘રેશમડી’, ‘ધણીનું નાક’, ‘ઘડાતો તલાટી’, ‘દાણીનું ઘડિયાળ’, ‘સુખદુઃખના સાથી’ વગેરેમાં જોવા મળે છે. આ પ્રકારની વાર્તાઓમાં વિશેષપણે લગ્નજીવનની ગૂંચો, કૌટુંબિક વેરઝેર, વહેમ અને અંધશ્રદ્ધા જેવાં અનિષ્ટોમાંથી જન્મતી વિષમતા તથા ગ્રામીણસમાજની રંક દશા અને પરવશતા જેવી પરિસ્થિતિ વગેરેનું આલેખન થયું છે. સરળ શિષ્ટ બાનીમાં યથાવકાશ લોકબોલીનાં તત્વોને સાંકળીને વાર્તાકથનની વિશિષ્ટ શૈલી વિકસાવવામાં તેમ જ પાત્રોનાં ભીતરી વૃત્તિ-વલણો છતાં કરવામાં અને લાગણીઓને વળ આપી તીવ્રતા સાધવામાં એમણે ઊંડી સૂઝ બતાવી છે. સંગ્રહમાં શહેરના શ્રીમંત અને મધ્યમ વર્ગના લગ્ન જીવનને વિષય કરતી કેટલીક વાર્તાઓ પણ છે. -પ્રમોદકુમાર પટેલ જમાઈરાજ અને બીજા એકાંકીઓ (૧૯૫૨) : પન્નાલાલ પટેલનો એકાંકીસંગ્રહ. એમાં ‘જમાઈરાજ’, ‘વૈતરણીને કાંઠે’, ‘દેવદ્વારે’, ‘ચિત્રગુપ્તને ચોપડે’, ‘એળે નહિ તો બેળે’, ‘બૈરાંની સભા’-એમ કુલ છ એકાંકી સંગ્રહાયાં છે. કથાવસ્તુ પરનો ઝોક અને વિવિધ સ્થળે દ્રશ્યયોજનાનું વિઘટન નાટકોને ચુસ્ત બનવા દેતું નથી, છતાં ‘વૈતરણીને કાંઠે’ અને ‘એળે નહિ તો બેળે’ જેવાં નાટકો મંચનયોગ્ય અને ઉલ્લેખનીય છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી