સાહિત્યસર્જક: પ્રબોધ પંડિત
સવિશેષ પરિચય:
પ્રબોધ પંડિત-ચંદ્રકાન્ત ટોપીવાળા ગુજરાતી ભાષાનું ધ્વનિ સ્વરૂપ અને ધ્વનિપરિવર્તન (૧૯૬૬) : ડૉ. પ્રબોધ પંડિતનો કુલ દસ પ્રકરણમાં વહેંચાયેલો ગુજરાતી ભાષાવિચાર અંગેનો વૈજ્ઞાનિક ગ્રંથ. ‘ભાષાના સંકેતો’ નામના પહેલા પ્રકરણમાં લેખકે ભાષાના સ્વરૂપ અંગેની તાત્ત્વિક ચર્ચા કરી છે. લેખકના મતે ભાષાને ભાષા તરીકે જોવાની જ તેનું સ્વરૂપ સમજી શકાય. પ્રત્યેક ભાષાની અનંત ધ્વનિવ્યવસ્થામાંથી ભાષાવિજ્ઞાની જે તે ભાષાના મર્યાદિત ઘટકો જ એકઠા કરે છે. ભાષાના સંકેતો ધ્વનિઓના બનેલા છે, તેથી તે તપાસવા માટે ઉચ્ચારણપ્રક્રિયાની તપાસ જરૂરી બને છે. બીજા પ્રકરણમાં ‘ઉચ્ચારણપ્રક્રિયા’ શીર્ષક તળે ઉચ્ચારણકાર્યમાં કાર્યશીલ થતા અવયવો અને તેમનાં કાર્યોનું આકૃતિઓ સાથે વિગતે વર્ણન આપ્યું છે. ત્રીજા પ્રકરણ ‘ધ્વનિઘટક’માં ધ્વનિઘટકના સંપ્રત્યયની તથા તે નિર્ધારિત કરવાની પદ્ધતિઓની ચર્ચા કરવામાં આવી છે. ચોથા પ્રકરણમાં ગુજરાતી ભાષાના ધ્વનિતંત્રનું વર્ણન કરવામાં આવ્યું છે. ભાષાના અનંત ધ્વનિઓમાંથી ભાષાવિજ્ઞાની ભાષાના ધ્વનિઘટકો કઈ રીતે તારવે છે તેની તપાસનો આ એક ઉત્તમ નમૂનો છે. પુસ્તકનાં પાંચથી આઠ સુધીનાં ચાર પ્રકરણો ઐતિહાસિક ભાષાવિજ્ઞાનની ચર્ચાનાં છે. પરિવર્તનની પ્રક્રિયા, ધ્વનિપરિવર્તન, સાદ્દશ્યમૂલક પરિવર્તન વગેરેની ચર્ચા જુદી જુદી ભાષાઓનાં ઉદાહરણો સાથે કરવામાં આવી છે. ‘ગુજરાતી સ્વરવ્યવસ્થાનું પરિવર્તન’ નામના આઠમા પ્રકરણમાં સંસ્કૃતકાળની સ્વરવ્યવસ્થાથી ગુજરાતી સ્વરવ્યવસ્થા કઈ રીતે જુદી પડે છે તેની વિશદ ચર્ચા થઈ છે. આ વ્યવસ્થા સમજાવવામાં લિપિની ભૂમિકા તેમ જ લહિયાઓની ભૂલો કેવી રીતે મદદરૂપ નીવડે છે અને આવી ઘટનાઓની સંગતિ માટે તર્કનિષ્ઠ વિચારસરણીની કેવી જરૂર પડે છે તેની પ્રતીતિ આ પ્રકરણ કરાવે છે. છેલ્લાં બે પ્રકરણો બોલીવિષયક ચર્ચાનાં છે. કોઈ પણ ભાષાસમુદાયમાં કાલગત પરિવર્તનની જેમ સ્થળગત પરિવર્તન હોય છે તે અહીં સ્પષ્ટ કર્યું છે. ભાષા વિશેની ભાષા કેવી હોઈ શકે તેના ઉદાહરણરૂપ આ ગ્રંથ છે. ગુજરાતી ભાષાના ધ્વનિ સ્વરૂપની ચર્ચા કરેતો આ ગ્રંથ ગુજરાતી ભાષાના તદવિષયક સાહિત્યમાં એના વૈજ્ઞાનિક અભિગમને કારણે અત્યંત નોંધપાત્ર છે. -હર્ષવદન ત્રિવેદી વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી