દવે પ્રફુલ્લ નંદશંકર, ‘ઈવા ડેવ’
(૫-૩-૧૯૩૧) : વાર્તાકાર, નવલકથાકાર. જન્મસ્થળ વડોદરા. વતન નડિયાદ (જિ.ખેડા). પ્રાથમિક-માધ્યમિક કેળવણી નડિયાદમાં. ૧૯૪૯માં મૅટ્રિક. ૧૯૫૩માં બી.એ. ૧૯૫૫માં એમ.એ. ૧૯૫૭માં
અમેરિકા જઈ વૉશિંગ્ટન યુનિવર્સિટીમાંથી એમ.એ. ઈન ઍજ્યુકેશન. ૧૯૬૩માં એ જ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. ૧૯૫૨-૫૬ દરમિયાન વલ્લભવિદ્યાનગરની શાળામાં શિક્ષક. ૧૯૫૫માં અલીણાની શાળામાં આચાર્ય. ૧૯૬૦-૬૨ દરમિયાન
વૉશિંગ્ટન યુનિવર્સિટીમાં રિસર્ચ આસિસ્ટંટ. ૧૯૬૩માં અમેરિકાની સેન્ટ લૂઈસ મેન્ટલ હૉસ્પિટલમાં રિસર્ચ ઍસોસિયેટ. ૧૯૬૪-૭૨ દરમિયાન ભારતની મૈસુર રિજિયોનલ કૉલેજ ઑફ ઍજ્યુકેશનમાં રીડર ને ૧૯૭૨-૭૪ દરમિયાન પ્રોફેસર.
૧૯૭૪-૭૭ દરમિયાન અજમેર રિજિયોનલ કૉલેજ ઑફ ઍજ્યુકેશનમાં કાર્યવાહક આચાર્ય. ૧૯૭૭-૭૯ દરમિયાન એન.સી.ઈ.આર.ટી., દિલ્હીમાં અધ્યાપક.
‘આગંતુક’ (૧૯૬૯), ‘તરંગિણીનું સ્વપ્ન’ (૧૯૭૧) અને ‘તહોમતદાર’ (૧૯૮૦) સંગ્રહોની વાર્તાઓએ એમને ગુજરાતીના ધ્યાનપાત્ર આધુનિક વાર્તાકારોમાં સ્થાન અપાવ્યું છે. એક જ ઘટનાનો આશ્રય, ‘હું’ પાત્રની રીતિથી વાર્તાકથન અને
ચોટદાર વળાંકથી વાર્તાનો અંત એ એમની વાર્તાઓની મુખ્ય લાક્ષણિકતાઓ છે. વિજાતીય આકર્ષણ અને કુટુંબજીવનની વ્યક્તિઓ સાથેના સંબંધમાંથી જન્મતી વિભિન્ન પરિસ્થિતિઓ વિશેષતઃ એમની વાર્તાઓના વિષય બને છે. ‘ચોન્ટી’,
‘તમને તો ગમીને ?’, ‘તરંગિણીનું સ્વપ્ન’ ઇત્યાદિ એમની ધ્યાનપાત્ર વાર્તાઓ છે.
‘ઈસુને ચરણેઃ પ્રેયસી’ (૧૯૭૦)માં પ્રણયજીવનની વિલક્ષણ પરિસ્થિતિઓને આલેખતી બે લઘુનવલો છે.
-જયંત ગાડીત
આગન્તુક (૧૯૬૯) : ઈવા ડેવની પચ્ચીસ ટૂંકીવાર્તાઓનો સંગ્રહ. ચીલેચલુ કરતાં જુદી પડતી અને ઘટના સાથે કામ પાડી ઘટનાનો વિશેષ રીતે ઉપયોગ કરતી આ વાર્તાઓ રહસ્યવળાંકો અને ભાષાની માવજતને કારણે જુદી પડે છે. ઘણી વાર્તાઓ વિદેશી
વાતાવરણમાં મુકાયેલી છે. વળી, પાત્રસહજ ભાષાને ઉપસાવવામાં અને ખાસ તો બાળકના દ્રષ્ટિકોણથી લખાયેલી ‘ચોન્ટી’, ‘મારી બા’, જેવી વાર્તાઓમાં બાળકની મનોદશા અને એની અભિવ્યક્તિમાં પ્રમાણભૂતતા પ્રવેશેલી છે.