રાવળ પ્રજારામ નરોત્તમ
(૩-૫-૧૯૧૭) : કવિ, અનુવાદક. જન્મ વતન સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં. ત્યાં જ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ. મૅટ્રિક થઈ ૧૯૪૧માં પાટણની આયુર્વેદિક કૉલેજમાંથી સ્નાતક. ૧૯૫૪ થી ૧૯૭૨
સુધી ભાવનગરની કૉલેજમાં અધ્યાપક અને એ પછી ૧૯૭૫ સુધી આચાર્ય. વ્યવસાયે વૈદ.
એમનું કાવ્યસર્જન શરૂ થયું ગાંધીયુગના કવિઓની સાથે. ગોવિંદસ્વામી સાથે પ્રગટ કરેલી ‘મહાયુદ્ધ’ (૧૯૪૦) નામની ત્રણ કાવ્યોને સમાવતી પુસ્તિકામાં ‘આગામી મહાયુદ્ધ’ કાવ્ય એમણે રચેલું છે. વિશ્વયુદ્ધની
ભયંકરતાના નિર્દેશ સાથે વિશ્વપ્રેમની ઝંખના એમાં પ્રગટ થઈ છે. એમનો સ્વતંત્ર કાવ્યસંગ્રહ ‘પદ્મા’ (૧૯૫૬) ઠીકઠીક સમય પછી પ્રગટ થયો એ બાબત સૂચક છે, કારણ કે સૉનેટનું સ્વરૂપ કે વિશ્વપ્રેમની ભાવનાને બાદ કરતાં
ગાંધીયુગની કવિતાનો પ્રભાવ એમની કવિતા પર નહિવત્ છે. એમના બીજા બે કાવ્યસંગ્રહો ‘નાન્દી’ (૧૯૬૩) અને ‘નૈવેદ્ય’ (૧૯૮૦) દર્શાવે છે કે અરવિંદદર્શનથી પ્રભાવિત કવિ જીવનમાં પ્રેમ અને સંવાદના ઉપાસક છે; અને
તેથી એમની મોટા ભાગની કવિતા પ્રકૃતિ અને અધ્યાત્મ-અનુભવ વિશેની છે. વિવિધ ઋતુઓ અને પ્રકૃતિનાં વિવિધ દ્રશ્યોને વિષય બનાવી એમણે ઘણાં પ્રકૃતિકાવ્યો રચ્યાં છે; તો ઘણાં કાવ્યોમાં શ્રી અરવિંદનો મહિમા તથા શ્રી
માતાજીની કૃપાથી અનુભવાતી ધન્યતાની લાગણી વ્યક્ત કરી છે. ગીત, સૉનેટ અને છંદોબદ્ધ રચનાઓ કવિએ કરી છે, પરંતુ એમની વિશેષ સિદ્ધિ ગીતમાં છે. ‘ઝાલાવાડી ધરતી’ વતનપ્રેમનો રણકો લઈને આવતું એમનું
ધ્યાનપાત્ર પ્રકૃતિગીત છે.
‘પરબ્રહ્મ’ (૧૯૬૬)માં શ્રી અરવિંદનાં કાવ્યો અનૂદિત છે; તો ‘રઘુવંશ’ (૧૯૮૫) એમનો કાલિદાસના મહાકાવ્યનો સમશ્લોકી અનુવાદ છે. ‘પ્રતિપદા’ (૧૯૪૮) એ એમનો ગોવિંદસ્વામીનાં કાવ્યોનો સહસંપાદનનો ગ્રંથ
છે. ‘બુદ્ધિનો બાદશાહ’ (૧૯૬૮) અને ‘આયુર્વેદનું અમૃત’ એમના અન્ય ગ્રંથો છે.
-જયંત ગાડીત
પદ્મા (૧૯૫૬) : પ્રજારામ રાવળનો કાવ્યસંગ્રહ. કુલ ૧૨૧ રચનાઓમાં કેટલાંક ગીતો છે, તો કેટલાંક છંદોબદ્ધ ઊર્મિકાવ્યો અને લઘુકાવ્યો છે. મુખ્યત્વે ઊર્ધ્વ ચેતનાનો કવિનો અભિગ્રહ સર્વત્ર જોવાય છે; તેમ છતાં પ્રકૃતિ
અને ખાસ તો ઋતુઓને વર્ણવતી રચનાઓ સંગ્રહનું આકર્ષણ છે. એમાંય, ‘ઝાલાવાડી ધરતી’ એમના વતનની ભૂમિને હૂબહૂ કરતી નખશિખ ગીતરચના છે. સંસ્કૃતના સંસ્કારવાળી છતાં સુગમ અને સુશ્લિષ્ટ પદાવલિ નોંધપાત્ર છે.