દરજી પ્રવીણ શનિલાલ
(૨૩-૮-૧૯૪૪) : કવિ, વિવેચક, સંપાદક. જન્મ પંચમહાલ જિલ્લાના મહેલોલમાં. ૧૯૬૧ માં એસ.એસ.સી. ૧૯૬૫માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૬૭માં એ જ વિષયોમાં એમ.એ.
૧૯૭૩માં પીએચ.ડી. ૧૯૬૫ થી ૧૯૬૭ સુધી મોડાસા કૉલેજમાં અધ્યાપક. ૧૯૬૭ થી લુણાવાડા કૉલેજમાં અધ્યાપક.
‘ચીસ’ (૧૯૭૩) અને ‘ઉત્સેધ’ (૧૯૮૫) એમના કાવ્યસંગ્રહો છે. ‘અડખેપડખે’ (૧૯૮૨)માં લઘુ ચિંતનાત્મક નિબંધો અને ‘લીલા પર્ણ’ (૧૯૮૪) માં લલિતનિબંધો સંચિત છે.
‘સ્પંદ’ (૧૯૭૬), ‘ચર્વણા’ (૧૯૭૬), ‘દયારામ’ (૧૯૭૮), ‘પ્રત્યગ્ર’ (૧૯૭૮), ‘પશ્ચાત્’ (૧૯૮૨), ‘નવલકથા સ્વરૂપ’ (૧૯૮૬), ‘લલિત નિબંધ’ (૧૯૮૬) એમના વિવેચનસંગ્રહો છે. ‘નિબંધ : સ્વરૂપ અને વિકાસ’ (૧૯૭૫) એ
એમનો શોધપ્રબંધ છે. ‘ગુજરાતી ભાષાની કેટલીક વિશિષ્ટ વાર્તાઓ’ (૧૯૮૪) એમનું સંપાદન છે; જયારે ‘શબ્દશ્રી’ (૧૯૮૦) તથા ‘ગદ્યસંચય’- ૨ (૧૯૮૨) એમનાં અન્ય સાથેનાં સંપાદનો છે.
-હર્ષવદન ત્રિવેદી
નિબંધ : સ્વરૂપ અને વિકાસ (૧૯૭૫) : પ્રવિણ દરજીનો મહાનિબંધ. નિબંધના લલિત અને લલિતતેતર એવા ઉભય પ્રકારોમાં ગત સવાસો વર્ષ દરમિયાન થયેલ સ્વરૂપબંધારણ અને ખેડાણની અહીં વ્યાપક તપાસ થઈ
છે. વળી, વિષયની સ્વરૂપચર્ચા તથા અન્ય સાહિત્યસ્વરૂપો સાથેના નિબંધના પારસ્પરિક સંબંધની ચર્ચા પછી ગુજરાતી નિબંધને જાગૃતિકાળ, પંડિતયુગ, ગાંધીયુગ અને આધુનિકયુગ જેવા વિવિધ યુગ-તબક્કાઓમાં વિભાજિત
કરીને તેની સર્વગ્રાહી સમીક્ષા પણ અપાઈ છે.