સાહિત્યસર્જક: રામનારાયણ વિ. પાઠક
સવિશેષ પરિચય:
ફોટો: રામનારાયણ વિ. પાઠક-રમેશ. ર. દવે અર્વાચીન સાહિત્યના વહેણો (૧૯૩૮): રામનારાયણ વિ. પાઠકનાં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાનાં પાંચ વ્યાખ્યાનોને સમાવતો આલોચનગ્રંથ. ગુજરાતી કવિતાના વિકાસનો અહીં તટસ્થપણે સર્વાશ્લેષી આલેખ આપવાનો સહૃદય પ્રયત્ન છે. શરૂમાં અર્વાચીન કાવ્યના સ્વરૂપને ઘડતાં સામાન્ય ઐતિહાસિક બળોની ચર્ચા કર્યા પછી ભાષા અને પ્રાસની સદ્રષ્ટાંત સમીક્ષા કરી છે. અલંકાર અને રીત પર વિવરણ કર્યું છે; ઉપરાંત કાવ્યમાં સૂક્ષ્મ ઉપાદાન રૂપે આવતાં વિચાર અને લાગણીનું પણ પરીક્ષણ કર્યું છે. છેલ્લે, કાવ્યના પ્રકારો બતાવી ઉપસંહાર કર્યો છે. કવિ કે વ્યક્તિને ગૌણ કરી કેવળ ઐતિહાસિક પ્રવાહો ઉપર ઠેરવેલું લક્ષ તેમ જ દ્રષ્ટાંતોમાં કૃતિ કે કર્તાના મહત્ત્વ કરતાં વક્તવ્યના નિદર્શનનો આશય આ ગ્રંથને વસ્તુલક્ષી પરિમાણ આપે છે.-ચંદ્રકાન્ત ટોપીવાળા કાવ્યની શક્તિ (૧૯૩૯) : રામનારાયણ વિ. પાઠકનાં વિવેચનાત્મક વ્યાખ્યાનો, લેખો તેમ જ ગ્રંથાવલોકનોનો સર્વપ્રથમ સંગ્રહ. ૧૯૨૨ થી ૧૯૩૯ સુધીનાં લખાણોને સમાવતા આ ગ્રંથના પહેલા વિભાગના ૧૭ માંથી ૮ લેખો સંગીત, ચિત્રકલા, નૃત્ય આદિ કલાઓને અને સામાજિક ઉત્સવને લગતા છે એ લેખકની વિશાળ કલાદ્રષ્ટિ અને જીવનનિષ્ઠા સૂચવે છે. આ વિભાગમાં મુકાયેલો ‘કાવ્યની શક્તિ’ એ લેખ એમની કાવ્યવિભાવનાનો સુરેખ ને સર્વાંગી આલેખ રજૂ કરતો, એમની સાહિત્યવિચારણાની પીઠિકારૂપ બની રહેતો, સંગ્રહનો સર્વોત્તમ લેખ છે. કળાના એક પ્રકાર લેખે કાવ્યની વિશેષતા ભાવનું નિરૂપણ કરવામાં છે તે સ્ફૂટ કરી અલંકાર, પદ્ય વગેરે તત્ત્વો કાવ્યભાવને પ્રત્યક્ષીકૃત કરવામાં કેવાં કામે લાગે છે અને આ કાવ્યપ્રતીતિ વ્યવહારપ્રતીતિથી કઈ રીતે જુદી પડીને નિરતિશય આનંદ આપનારી બને છે તે અહીં સૂક્ષ્મ તત્ત્વપરામર્શ અને રસજ્ઞતાપૂર્વક સમજાવ્યું છે. લેખક અહીં કાવ્યનો સત્ય, નીતિ વગેરે સાથેનો સંબંધ ચર્ચવા સુધી જાય છે અને કાવ્યની સ્વાયત્તતા સ્વીકારવા સાથે જીવનની દ્રષ્ટિબિંદુ આપે છે એ સાહિત્યવિચારક તરીકેની એમની એક આગવી લાક્ષણિકતા પ્રગટ કરે છે.સંગ્રહમાં વર્ણરચના તથા અલંકારરચનાના વિષયને સદ્રષ્ટાંત અને વિગતે નિરૂપતા લેખો છે એ લેખકનો રચનાપરક અભિગમ સૂચવે છે. તો, પ્રેમાનંદની ત્રણ કૃતિઓના હાસ્યરસની સમીક્ષાના લેખોમાં સંસ્કૃત રસમીમાંસાનો સુંદર વ્યવહારુ વિનિયોગ થયો છે. ‘કવિશ્રી ન્હાનાલાલનું સાહિત્યજીવન’ અમુક અંશે કર્તા-અભ્યાસ હોવા ઉપરાંત ન્હાનાલાલની ભાવનાઓને સ્ફૂટ કરતો હોઈ વિષયલક્ષી અભ્યાસ પણ બને છે. ‘મહાભારતનું નલોપાખ્યાન અને પ્રેમાનંદનું નળાખ્યાન’ એક બારીકાઈભરેલા તુલનાત્મક અભ્યાસ લેખે ધ્યાનાર્હ બને છે. આમ, આટલા લેખો પણ રા. વિ. પાઠક કવિતાસાહિત્ય સાથે કેવા ભિન્નભિન્ન સ્તરે કામ પાડે છે તેના પરિચાયક બને છે. ગ્રંથના બીજા વિભાગમાં ‘યુગધર્મ’, ‘પ્રસ્થાન’ નિમિત્તે થયેલાં ગ્રંથાવલોકનો સંઘરાયાં છે અને તે સર્જાતા સાહિત્ય સાથેનો લેખકનો સહૃદયતાપૂર્ણ અને સમજદારીભર્યો સંબંધ પ્રગટ કરે છે. સંક્ષિપ્ત છતાં મર્મગ્રાહી એવાં આ અવલોકનોમાંનાં ઘણાં નિરીક્ષણો આજેય ટકી શકે તેવાં ને ધ્યાન ખેંચનારાં છે. ૩૬માંથી ૩૦ ગ્રંથાવલોકનો તો કાવ્યગ્રંથોનાં છે, જેમાં ‘ભણકાર-ધારા બીજી’, ‘વિશ્વશાંતિ’, ‘કાવ્યમંગલા’, ‘ગંગોત્રી’ ઇત્યાદિ કેટલાક મહત્ત્વના કાવ્યગ્રંથોનો સમાવેશ થયેલા છે. -ચંદ્રકાન્ત શેઠ નર્મદ : અર્વાચીન ગદ્યપદ્યનો આદ્યપ્રણેતા (૧૯૪૫) : રામનારાયણ વિ. પાઠકનું નર્મદ પરનું પુસ્તક. ‘નર્મદશંકર કવિ’ અને ‘નર્મદનું ગદ્ય’ એમ જુદે જુદે સમયે અપાયેલાં બે વ્યાખ્યાનો અહીં ગ્રંથસ્થ કર્યાં છે. બીજું વ્યાખ્યાન પહેલાના અનુસંધાનમાં અને એની પૂર્તિરૂપે હોવાથી વિષયની સમગ્રતા ઊભી થઈ છે. નર્મદનાં બંને પાસાંઓનું તટસ્થ અને તાકિક મૂલ્યાંકન અહીં થયું છે. ખાસ તો, આ વિવેચકે જમાનાથી આગળ જઈને નર્મદના ગદ્યની ખાસિયતોને તપાસવા અને એને વિશ્લેષવા ઊભાં કરેલાં કામચલાઉ છતાં વિરલ ઓજારો ધ્યાન ખેંચે છે. દરેક કથનનું પ્રમાણ આપવા અહીં અવતરણોનો છૂટથી ઉપયોગી કરી લેખનને શાસ્ત્રીય બનાવવાનો ઉપક્રમ પણ અભિનંદનીય છે.-ચંદ્રકાન્ત ટોપીવાળા બૃહત્ પિંગળ (૧૯૫૫) : રામનારાયણ વિ. પાઠકનો છંદશાસ્ત્ર પરનો શાસ્ત્રીય ગ્રંથ. પંદર પ્રકરણો અને વીસ પરિશિષ્ટોમાં વહેંચાયેલો, લગભગ સાતસો પૃષ્ઠોમાં વિસ્તરેલો આ ગ્રંથ ગુજરાતી કવિતામાં છેક દલપતરામથી રચાવા શરૂ થયેલા છંદશાસ્ત્રના ગ્રંથોમાં નિરૂપણની દ્રષ્ટિએ સહુથી વિશેષ સર્વગ્રાહી અને વૈજ્ઞાનિક દ્રષ્ટિવાળો છે. ગાંધીયુગ સુધીની ગુજરાતી કવિતામાં થયેલાં છંદવિષયક બધા પ્રયોગોની શાસ્ત્રીય વિચારણા અહીં થઈ છે. કાવ્યમાં છંદનું સ્થાન, ગુજરાતી ઉચ્ચારણોના સંદર્ભમાં લઘુગુરુની ચર્ચા, અક્ષરનું સ્વરૂપ, વૈદિક છંદોનું સ્વરૂપ અને તેમના પ્રકારો, અક્ષરમેળ છંદોનું સ્વરૂપ અને તેમનાં મેળ-મિશ્રણો, માત્રામેળ છંદો, સંખ્યામેળ છંદો, મરાઠીમાંથી આવેલા ઓવિ - અભંગ આદિ છંદો, સંખ્યામેળ છંદ, દેશી, પદ, ગઝલનું સ્વરૂપ તેમજ પ્રવાહી છંદ કે સળંગ પદ્યરચનાના પ્રયોગો-એ સર્વની ઝીણવટભરી ચર્ચામાં પોતાના પુરોગામી પિંગળશાસ્ત્રીઓએ આપેલાં મંતવ્યોની ફેરતપાસ છે અને ઘણી જગ્યાએ પોતાનાં મૌલિક પ્રતિપાદન છે. સંધિ અને પદ્યભાર વચ્ચેનો સંબંધ તપાસી ભારતતત્ત્વને લક્ષમાં રાખ્યા વગર સંધિઓનું કરેલું પૃથથક્કરણ; માત્રામેળ છંદોના સંધિઓના તાલ અને સંગીતના તાલ વચ્ચે બતાવેલો સંબંધ; ગઝલના છંદોને માત્રામેળ છંદો જેવા આવૃત્તસંધિ છંદો બતાવવા; ઘનાક્ષરી, મનહર અને અનુષ્ટુપની સંખ્યામેળ છંદો તરીકે ગણના કરવી અને આ છંદોનું અક્ષરમેળ કરતાં માત્રામેળ છંદો સાથેનું મળતાપણું બતાવવું; માત્રામેળ છંદોમાં બ્લૅન્કવર્સ જેવો પ્રવાહી છંદ બનવાની અક્ષમતા, પૃથ્વીમાં પ્રવાહી છંદ બનવાની આંશિક ક્ષમતા અને વનવેલીમાં પ્રવાહી છંદ બનવાની વધુમાં વધુ ક્ષમતા બતાવવી – વગેરે - છંદશાસ્ત્ર વિશેનાં એમણે કરેલાં નિરીક્ષણો મૌલિક અને માર્મિક છે.-જયંત ગાડીત શેષનાં કાવ્યો (૧૯૩૮) : રામનારાયણ વિ. પાઠક, ‘શેષ’નો કાવ્યસંગ્રહ. એમાં તોત્તેર જેટલી વિષય, સ્વરૂપ અને વૃત્તના વૈવિધ્યવાળી કૃતિઓ છે; જે ગાંધીયુગનું પ્રતિનિધિત્વ તો કરે જ છે, સાથે નિજી વિશિષ્ટતાને પણ પ્રગટ કરે છે. અભિવ્યક્તિમાં ઠાકોરશાઈ રહેવા છતાં કવિએ અહીં સૉનેટ ઉપરાંત મુક્તકો, ગીતો, ભજનો આપ્યાં છે; મધ્યકાલીન સ્વરૂપોને પણ અર્વાચીન રીતે પ્રયોજ્યાં છે; ને કાવ્યશાસ્ત્રની પૂરી જાણકારી અને સૂઝબૂઝથી પ્રયોગમાંય લગભગ પ્રતિભાની બરાબરીનું કવિકર્મ સિદ્ધ કર્યું છે. આ કાવ્યોની બીજી વિશિષ્ટતા છે, કવિની બૌદ્ધિક સજજતા. પ્રેરણાવશતાને બદલે એમાં બુદ્ધિનું પ્રબુદ્ધ કર્મ જોવાય છે. કોઈ એક ભાવ કે વિષયનું એમાં ઘેઘૂર આલેખન નથી; પણ કલાનાં સંયમ, પ્રકાશ અને પ્રસન્નતા છે. આવાં નોંધપાત્ર કાવ્યો ‘ડુંગરની કોરે’, ‘એક સંધ્યા’, ‘છેલ્લું દર્શન’, ‘ઓચિંતી ઊર્મિ’, ‘એક કારમી કહાણી’, ‘રાણકદેવી’, ‘વૈશાખનો બપોર’, ‘આતમરામને’, ‘સિંધુનું આમંત્રણ’ વગેરે છે.-નરોત્તમ પલાણ દ્વિરેફની વાતો- ભા. ૧, ૨, ૩ (૧૯૨૮, ૧૯૩૫, ૧૯૪૨) : રામનારાયણ વિ. પાઠકે ‘દ્વિરેફ’ના ઉપનામથી લકેલી વાર્તાઓના સંગ્રહો. ધૂમકેતુની ભાવનામય અને કૌતુકરાગી વસ્તુસામગ્રી અને નિરૂપણપદ્ધતિની સામે જઈ, એની પૂરક હોય એવી સ્વસ્થ બૌદ્ધિક સંવેદનશીલ ભૂમિમાં વાર્તાને રોપવાનું કામ આ સંગ્રહોએ કર્યું છે. પ્રયોગશીલ નિરૂપણભંગીઓની અને સાર્થક પ્રવિધિઓની વિવિધતા અહીં ધ્યાન ખેંચે છે. મનોવિશ્લેષણની વિલંબનરીતિ ને એ દ્વારા જળવાઈ રહી અંતે પ્રગટતું રહસ્ય આ વાર્તાઓની વિશિષ્ટતા છે. હાસ્યના વિવિધ પ્રકારો નીચે પ્રચ્છન્ન વહેતો કરુણ કેટલીક વાર્તાઓને સ્થાયીત્વ બક્ષે છે; તો ક્યારેક અનિષ્ટ સાથેનો સ્વસ્થ સમભાવ પણ આકર્ષક રીતે વાર્તાઓને જિવાડી જાય છે. સઘન પ્રતીકાત્મકતા ધારણ કરતી ‘જમનાનું પૂર’, વાર્તા અંતર્ગત વાર્તાના કરુણગર્ભને પોષતી ‘મુકુન્દરાય’, પ્રસન્નદાંપત્યની લાક્ષણિક મુદ્રા બનાવતી ‘જક્ષણી’, વિશેષ સામાજિક પરિવેશ વચ્ચે નારીના સંકલ્પબળ સુધી પહોંચતી ‘ખેમી’, દાંપત્યવિષમતાને હળવી રીતે ભાણપદ્ધતિએ ઉઘાડતી ‘સરકારી નોકરીની સફળતાનો ભેદ’- આ સંગ્રહોની જ નહિ, ગુજરાતી સાહિત્યની ઉત્તમ વાર્તાઓ છે.-ચંદ્રકાન્ત ટોપીવાળા સ્વૈરવિહાર – ભા. ૧, ૨ (૧૯૩૧, ૧૯૩૭) : રામનારાયણ વિ. પાઠકના નિબંધોના સંગ્રહો. ‘પ્રસ્થાન’ નિમિત્તે અને સ્વૈરવિહાર અર્થે લખાયેલા આ લેખો છે. યદ્દચ્છાથી વિષયો, વ્યક્તિઓ, વસ્તુઓ, પ્રસંગોને થતો યત્કિંચિત્ સ્પર્શ અને એ નિમિત્તે રચાતાં સાદ્દશ્યોમાંથી ઊભો થતો સ્વૈરવિહાર આ લેખોનો ઘાટ રચે છે. સપાટી પરથી મર્મ તરફ અને મર્મથી સપાટી તરફ સરકતા વિનોદ સાથે હળવાશનો એક પુટ આ લેખોમાં જોવાય છે. એમાં તરંગતુક્કા, તર્કાતર્કનાં સ્થિત્યંતરો, વ્યંગકટાક્ષ-વિડંબનાના અનેકાનેક સ્તરો અને આંતરબાહ્ય આવાગમનનાં સંક્રમણો આહલાદક છે. વિવિધ વાક્યપ્રયોગો, શબ્દપ્રયોગો, રૂઢિપ્રયોગો, અલંકારો, અવતરણો, કહેવતોથી ઉદબોધન, ચિંતન, સંવાદ અને કથનનાં શૈલીરૂપોમાં સરતું એમનું ગદ્ય નર્મ-મર્મની અનેક સીમાઓમાં અનુનેયશીલ છે. રમતિયાળપણાથી, છટકિયાળપણાથી અને જીવંતપણાથી આ સ્વૈરવિહારોએ નિબંધના સ્વરૂપની નવી તરેહો નિપજાવી છે. ‘ખરાબ કરવાની કળા’, ‘જેલવિહાર’, ‘મુંબઈ વિશે’ જેવાં લખાણો એ હકીકતનાં સુંદર ઉદાહરણો છે.-ચંદ્રકાન્ત ટોપીવાળા વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી