શુકલ રાજેન્દ્ર અનંતરાય
(૧૨-૧૦-૧૯૪૨) : કવિ. જન્મ વતન જૂનાગઢ જિલ્લાના બાંટવા ગામે. માધ્યમિક શિક્ષણ વતનમાં. ઉચ્ચ શિક્ષણ અમદાવાદમાં. ૧૯૬૫માં અમદાવાદની એલ. ડી. આર્ટસ કૉલેજમાંથી
સંસ્કૃત-પ્રાકૃત વિષયો સાથે બી.એ. ૧૯૬૭માં એ જ વિષયોમાં એમ. એ. ૧૯૮૨ સુધી વિવિધ કૉલેજોમાં અધ્યાપનકાર્ય. ૧૯૮૦-૮૧નું ઉમા-સ્નેહારશ્મિ પારિતોષિક. સ્વેચ્છાએ નિવૃત્તિ પછી અત્યારે પોતાનાં બાળકો માટે શાળાહીન
તાલીમનો પ્રયોગ.
એમના કાવ્યસંગ્રહો ‘કોમલ રિષભ’ (૧૯૭૦) અને ‘અંતર ગંધાર’ (૧૯૮૧)માં ગ્રામજીવન અને નગરજીવનના સ્વાનુભવથી, મનુષ્યને પૂરા રસથી ચાહવાની વૃત્તિથી અને સાહિત્ય ઉપરાંત સંગીત, જ્યોતિષ, ઇતિહાસ,
તત્વજ્ઞાનાદિ વિષયોના અધ્યયનથી કેળવાયેલી એમની કવિ તરીકેની સજ્જતા જોઈ શકાય છે. એમની કવિતામાં અદ્યતન ભાવ-વિભાવનો તેમ જ કલાન્તિ, નૈરાશ્ય અને વિચ્છિન્નતાના અનુભવનો સ્પર્શ પમાય છે. કૃતિનિર્મિતિમાં
ઝીણું નકશીકામ કરવાનો કલા-કસબ, કલા-આકૃતિ અંગેની સભાનતા અને પ્રયોગશીલ વલણને લીધે એમની કવિતા તાજગીસભર છે. એમના પ્રયોગોને આપણી બધી પરંપરાઓની સમૃદ્ધ ભૂમિકા સાંપડી છે. આધુનિક જગતનો
પૂરો પરિવેશ આ કવિ પાસે છે; પણ એમનું માનસ, એમનું કવિસંવિત્ નર્યું ભારતીય છે. એ જેટલું પ્રશિષ્ટ છે તેટલું જ તળપદ છે. એમણે છાંદસ-અછાંદસ કાવ્યો અને ગીતો રચ્યાં છે, પરંતુ એમની વિશેષ સિદ્ધિ ગઝલમાં છે.