‘કવિતાનું શિક્ષણ’ (અન્ય સાથે, ૧૯૭૮) કવિતાનાં આંતરબાહ્ય તત્વો વિશે સમજ આપતું પુસ્તક છે. પુસ્તિકા ‘ખબરદાર’ (૧૯૮૧)માં ખબરદાર વિશેનો સંક્ષિપ્ત પણ સમગ્રદર્શી અભ્યાસ તેમ જ તેમની કવિતા
વિશે ફેરતપાસ કરતું સ્વતંત્ર મૂલ્યાંકન છે. મહાનિબંધ ‘ઉશનસ્-સર્જક અને વિવેચક’ (૧૯૮૪)માં એક અભ્યાસી વિવેચક તરીકેની એમની સંનિષ્ઠ અભ્યાસશીલતા અને સૂક્ષ્મ સંવેદનપટુતાનો પરિચય મળે છે. આ ઉપરાંત
‘ગુજરાતી વ્યાકરણવિચાર’ (અન્ય સાથે, ૧૯૮૪) પુસ્તક પણ પ્રગટ કર્યું છે. એમનાં સંપાદનોમાં સ્વ. ભૂપેશ અધ્વર્યુની વાર્તાઓનું ‘હનુમાન લવકુશ મિલન’ (૧૯૮૨) નામે અન્ય સાથે કરેલું સંપાદન તેમ જ ‘ગુજરાતીનો
અધ્યાપક સંઘ’નાં વાર્ષિકો ‘અધીત’ -૭ (૧૯૮૩) અને ‘અધીત’ -૮ (૧૯૮૪)નાં અન્ય સાથેનાં સંપાદનો મુખ્ય છે.