સવિશેષ પરિચય:
રમણભાઈ નીલકં
નીલકંઠ રમણભાઈ મહીપતરામ
(૧૩-૩-૧૮૬૮, ૬-૩-૧૯૨૮) : નાટ્યકાર, નવલકથાકાર, વાર્તાકાર, વિવેચક, હાસ્યલેખક, કવિ.''' જન્મસ્થળ અમદાવાદમાં. ૧૮૮૩માં મૅટ્રિક ૧૮૮૪માં ગુજરાત કૉલેજમાં પ્રવેશ. ૧૮૮૭માં
એલ્ફિન્સ્ટન કૉલેજ, મુંબઈથી બી.એ. પછી એલએલ.બી. ગોધરા સબ-જજની થોડા સમયની નોકરી પછી સ્વતંત્ર વકીલાતનો વ્યવસાય આરંભેલો. પહેલાં પત્ની હસવદનબહેનનું અવસાન થતાં બીજું લગ્ન વિદ્યાબહેન સાથે થયું
અને એ સુખી દાંપત્યે સાહિત્ય અને સમાજસેવાના કાર્યો માટે નોંધપાત્ર પીઠિકા પૂરી પાડી. તેઓ એકાધિક સેવાસંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં પ્રમુખ ઉપપ્રમુખ. ૧૯૨૬માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ.
‘ભદ્રં ભદ્ર’ (૧૯૦૦), ‘શોધમાં’ (અધૂરી, ૧૯૧૫) જેવી નવલકથાઓ, ‘રાઈનો પર્વત’ (૧૯૧૩) નાટક; ‘હાસ્યમંદિર’ (વિદ્યાબેન સાથે, ૧૯૧૫)ના હળવા નિબંધો; ‘કવિતા અને સાહિત્ય’-૧ (૧૯૦૪), ‘કવિતા અને સાહિત્ય’-૨
(૧૯૦૪), ‘કવિતા અને સાહિત્ય’-૩ (૧૯૨૮), ‘વાક્યપૃથક્કૃતિ અને નિબંધ રચના’ (૧૯૦૩) જેવા ગ્રંથોના વિવેચન - વ્યાખ્યાનો અને ભાષાવિચારણા; ‘કવિતા અને સાહિત્ય’-૪ (૧૯૨૯) ની કવિતા - વાર્તાપ્રવૃત્તિ; ‘ધર્મ અને
સમાજ’-૧ (૧૯૩૨) ‘ધર્મ અને સમાજ-૨’ (૧૯૩૫)નાં ધર્મ અને સમાજ વિષેની તત્વચર્ચાને લગતાં વ્યાખ્યાનો; ‘ગુજરાતનો સંક્ષિપ્ત ઇતિહાસ’ અને ‘વિવાહવિધિ’ (૧૮૮૯) જેવાં ઇતિહાસ - સંસ્કાર આલેખતાં પુ્સ્તકો અને
‘જ્ઞાનસુધા’નું સંપાદન-એમ અનેકવિધ સાહિત્યિક પ્રદાન દ્વારા તેઓ ગુજરાતી સાહિત્યમાં સુખ્યાત થયા છે.
ગુજરાતી ભવાઈ, પાશ્ચાત્ય નાટક અને સંસ્કૃત નાટકનાં તત્વો જાળવીને રચાયેલા ‘રાઈનો પર્વત’ નાટકમાં મણિલાલ નભુભાઈના ‘કાન્તા’ નાટકની પણ ઠીકઠીક અસર જોવાય છે. શુદ્ધ સાધ્યને પ્રાપ્ત કરવા માટે સાધનની
અશુદ્ધિનો સ્વીકાર કરી નિમંત્રેલા સંઘર્ષનું અને એ સંઘર્ષમાંથી છેવટે સુ્પ્રાપ્ય બનતી સર્વાંગશુદ્ધિનું આ નાટક છે. પુ્ત્ર જગદીપના સાચા હકની રાજગાદી તેને મળે એ માટે અમૃતદેવી સાધનની અશૃદ્ધિ સ્વીકારે છે અને માતાના
પ્રેમાગ્રહને વશ થયેલો જગદીપ એમાં સંકળાય પણ છે. માતા પુત્રનાં અનુક્રમે જાલકા અને રાઈ એમ બનાવટી નામ ધારણ કરી જાલકા જે પ્રપંચો આચરે છે એના પરિણામસ્વરૂપે રાજગાદી મળી હોવા છતાં રાઈ એને ભોગવી
શકતો નથી. બંને પાત્રોનો સ્વભાવભેદ, વિચારભેદ અને એમાંથી પ્રગટતો આચારભેદ નાટ્યાત્મક સંઘર્ષનું નિમિત્ત બને છે. છેલ્લા બે અંકોમાં વિધવાવિવાહની સમાજસુધારણાનો આદર્શ નજર સમક્ષ રખાયો હોવાનું કળાય છે;
છતાં લેખકની સાહિત્યિક સજ્જતાના અનેકવિધ સંકેતો એમાં મોજૂદ છે. એમનું આ નાટક આજે પણ એટલું જ પ્રભાવક હોઈ અન્ય નાટ્યકારોએ એના વસ્તુરૂપને નવા દ્રષ્ટિકોણથી અપનાવી નાટકો સર્જયા-ભજવ્યાં છે.
આ લેખકની સક્ષમ પ્રતિભા એમની હાસ્યરસિક નવલકથા ‘ભદ્રં ભદ્ર’ માં નીવડી આવે છે. પશ્ચિમની ‘પિકવિક પેપર્સ’ કે ‘ડોન કિહોટે’ જેવી કૃતિઓમાંથી પ્રેરણા મેળવીને લખાયેલી આ નવલકથાનો વિષય સુધારાવિરોધનો
ઉપહાસ છે. દોલતશંકર જેવા યાવનીસંસ્કારથી દૂષિત નામનો ત્યાગ કરીને ભદ્રં ભદ્ર બનેલા એક અલ્પજ્ઞ બ્રાહ્મણની સર્વજ્ઞ તરીકે નીવડી આવવાની દાંભિક પરિસ્થિતિઓ દ્વારા હાસ્યકટાક્ષઉપહાસાદિને વિકસાવીને લેખકે
નવલકથા અને પાત્રને અમર કરી દીધાં છે. જીવનચરિત્રના ઢાંચામાં ઢાળવામાં આવેલી આ નવલકથાની સંસ્કૃતપ્રચુર શૈલી પાછળનાં પ્રકરણોમાં એકતાનતાનો અનુભવ કરાવે છે અને છેવટના ભાગમાં શૈલી અને-જીવનકથારૂપ
નિરૂપણ નબળું પડતું હોવાને લીધે નવલકથાનું સ્વરૂપ પણ શિથિલ બનતાં જણાય છે. એમ છતાં, ગુજરાતી નવલકથાસાહિત્યમાં અને હાસ્યસાહિત્યમાં એક વિશિષ્ટ અનનુવાદ્ય કૃતિ તરીકે ‘ભદ્રં ભદ્ર’ ચિરસ્મરણીય રહેશે.
‘કવિતા અને સાહિત્ય’- ભા. ૧-૨-૩માં લેખકનાં કાવ્યપર્યેષણા દાખવતા લેખો અને ગ્રંથાવલોકનો સંગ્રહાયાં છે. ગુજરાતી વિવેચનમાં નવલરામે કરેલા ગંભીર પ્રદાનનું અહીં લગભગ અનુસરણ છે. એટલે પાશ્ચાત્ય
સાહિત્યવિચારણાનાં તત્કાલે પ્રસિદ્ધ થયેલ અલબત્ત મૂલ્યવાન-સિદ્ધાંતદર્શનોનું એમણે વિવરણાત્મક આલેખન કર્યું છે. ‘કવિતા’, ‘કવિતાની ઉત્પત્તિ અને સ્વરૂપ’, રાગધ્વનિકાવ્ય’, ‘વૃત્તિમય ભાવાભાસ’, ‘કવિતા અને નીતિ’,
‘કવિતા અને સત્ય’ જેવા મુદ્દાઓની વિચારણાનું એમનું વિવરણાત્મક આલેખન પાશ્ચાત્ય સિદ્ધાંત અંગેની એમની સૂઝસમજનું અને એને ગુજરાતીમાં અવતારતી વેળાએ સહજસાધ્ય બનતી સર્વસ્પર્શી અને સમન્વયકારી
નિરૂપણકલાનું દ્યોતક બને છે. ‘કાવ્યનંદ’, ‘કવિત્વરીતિ’ જેવા મુદ્દાઓની વિચારણાનો મુખ્યાધાર સંસ્કૃત કાવ્યશાસ્ત્રોમાં રહેલો જોઈ શકાય છે, પણ એનો વિષયવિસ્તાર પાશ્ચાત્ય કાવ્યવિચારણાનો આધાર પણ લે છે. ‘છંદ અને
પ્રાસ’ને ‘કવિતાની વાણી’ ના સંદર્ભમાં વિચારવાની એમની દ્રષ્ટિ કવિતાનાં અંગેઅંગને એના આત્મભાવના અનુસંધાનમાં જ પામવાની પ્રવૃત્તિનો પરિચય કરાવે છે. ‘પૃથુરાજ રાસા’, ‘કુસુમમાળા’, ‘સરસ્વતીચંદ્ર’, ‘અભંગમાળા’,
‘હૃદયવીણા’ વગેરે કૃતિઓનાં ચર્ચા-વિચારણા-અવલોકનમાં પણ એમની સાહિત્યિક નિષ્ઠા, બહુશ્રુતતા, રસિકતા અને મર્મગ્રાહિતાનાં વલણો પ્રેરક પરિણામો આપે છે. એમનાં વિવાદાસ્પદ વલણો પણ, સરવાળે, તો,
સાહિત્યનિષ્ઠ મૂલ્યવત્તાનો અનુભવ કરાવતાં હોવાથી ધ્યાનપાત્ર બને છે.
‘કવિતા અને સાહિત્ય’-૪માં ‘હાસ્યરસ’ વિષેના નિબંધ ઉપરાંત એમની કવિતા-વાર્તાલેખનની પ્રવૃત્તિનો પણ પરિચય મળે છે. ભોળાનાથની ભક્તિકવિતાના પ્રભાવ તળે જ જાણે લખાયેલાં હોય એવાં એમનાં ભક્તિકાવ્યોમાં ઊર્મિ
કરતાં ચિંતન તરફનો ઝોક વધુ પડતો જણાય છે, જે એમણે જ વિચારેલા ઊર્મિકાવ્યના માનદંડોથી ભિન્ન પડે છે. એમની કવિતામાં ભક્તિની સાથે સંકળાતી જ્ઞાનનિષ્ઠા અને શ્રદ્ધાનું જયાં સંયોજન થાય છે ત્યાં કવિતા નીવડી
આવતી જણાય છે. વાર્તાકાર તરીકે એમણે આર્થર કોનન ડોઈલની વાર્તાનુ રૂપાંતર પણ કર્યું છે અને એમની મૌલિક વાર્તા ‘ચતુર્મુખ’ પર પણ ડોઈલનો પ્રભાવ જણાય છે. એમની વાર્તાલેખનપ્રવૃત્તિમાં અભ્યાસીઓ ‘ચિઠ્ઠી’ અને
‘ટપ્પાની મુસાફરી’ જેવી હાસ્યકૃતિઓને પણ જોડી દે છે.
‘કવિતા અને સાહિત્ય’ માં ‘હાસ્યરસ’ વિષેનો દોઢસો પાનાંનો નિબંધ, જે ‘હાસ્યમંદિર’માં પણ મુકાયો છે તેમાં જે કાંઈ અભ્યાસ દેખાય છે તે ‘હાસ્યમંદિર’ની હાસ્યકૃતિઓમાં લેખે લાગ્યો છે. એમની હાસ્યરસિક કૃતિઓને કોઈ
ચોક્કસ સ્વરૂપના ઢાંચામાં ઢાળી શકાય એમ નથી, કારણ કે એમાં તો હાસ્યરસિક સંવાદકૃતિઓનોય સમાવેશ થયો છે જે ભૂતકાળમાં રંગમંચ પર પણ આકર્ષણ પેદા, કરી શકી હતી. અહીં નિબંધિકા, વાર્તા, ટુચકા જેવા
અનેકવિધ પ્રકારનાં લખાણોમાં નર્મ-મર્મ-કટાક્ષનું વૈવિધ્ય માણી શકાય છે.
‘ધર્મ અને સમાજ’ ના પહેલા ભાગમાં માત્ર ધર્મતત્વ-ચિંતન અને એના આનુષંગિક વિષયો છે; જયારે બીજા ભાગમાં ધર્મ અને સમાજસુધારણા વિષેના લેખો સાથે રજૂ કરીને શીર્ષકનો સ્થૂળ અર્થ પણ જાળવવામાં આવ્યો છે.
અહીં લેખકની ધર્મભાવના લાગણી અને તર્કના સમન્વયરૂપ છે, પણ સરવાળે લાગણી-ઊર્મિનો હાથ ઊંચો રહે છે. મૂર્તિપૂજાનો વિરોધ કે અવતારનિષેધ જેવા મુદ્દાઓમાં તર્કનું પ્રમાણ જોવા મળે છે; જ્યારે ભક્તિ, મુક્તિ,
પ્રાર્થના જેવા વિષયોમાં લાગણીનું વજન વિશેષ છે. બંને ભાગોના અધ્યયનનો ફલિતાર્થ આટલો જ છે- ‘રમણભાઈની ધર્મભાવના અને નીતિભાવના અલગ કરીને જોઈ શકાય એમ નથી.’
‘જ્ઞાનસુધા’ ના સંપાદનકાર્યનો અને લેખકની ધર્મતત્વમીમાંસાનો વિચાર સાથે કરવો જોઈએ. ધર્મને નામે બુદ્ધિશાળી વર્ગમાં પણ ફેલાતી દ્વિધાઓ અને ગેરસમજો નિવારવા ‘જ્ઞાનસુધા’ નો જન્મ થયો હતો, આમ,
ધર્મતત્વચિંતન એ ‘જ્ઞાનસુધા’ ના ઉદભવ માટે પાયાનું નિમિત્ત હતું, સાહિત્ય અને સંસારસુધારો એના સંપાદકની વ્યક્તિગત રુચિનો નિમિત્તો હતાં તથા સુનીતિ અને સદાચાર લેખકનાં સ્વભાવલક્ષી વલણો હતા-એ સર્વનું
પ્રતિબિંબ ‘જ્ઞાનસુધા’ ની સામગ્રીમાં સામર્થ્યથી ઝિલાય છે.
-ચં.પૂ.વ્યાસ
ભદ્રંભદ્ર (૧૯૦૦) : રમણભાઈ નીલકંઠની, પ્રથમ કકડે કકડે માસિક પત્ર ‘જ્ઞાનસુધા’માં છપાયેલી, પછી ગ્રંથસ્થ, સળંગ હાસ્યરસિક નવલકથા. સર્વાન્તીસની કૃતિ ‘ડૉન કિહોટે’ ને અનુલક્ષીને અંબારામ અને ભદ્રંભદ્ર જેવા બે
હાસ્યપાત્રોને કેન્દ્રમાં રાખી આ કથા વિકસી છે. એનું નિરૂપણ અંબાલાલ દ્વારા થયું છે. પ્રથમ પુરુષ નિરૂપણશૈલીમાં લખાયેલી આ પહેલી નવલકથા છે, તેથી દ્રષ્ટિબિંદુના નિયંત્રણનો લાભ કથાને મળ્યો છે. અહીં રૂઢિચુસ્તો અને
પરંપરાવાદીઓ પરનો સુધારક રમણભાઈનો ઉપહાસ તત્કાલીન વિડંબિત વ્યક્તિઓ અને પરિસ્થિતિઓને મહદંશે ઉલ્લંઘી ગયો છે, એ નવલકથા-કલાનો વિજય છે. ભદ્રંભદ્રની પ્રચુર સંસ્કૃતશૈલી કટાક્ષપરનો નવલકથાકારનો
કાબૂ પ્રશસ્ય છે. ભદ્રંભદ્રના ‘નામધારણ’ થી શરૂ કરી ભદ્રંભદ્રના જેલમાં અને ખેલમાં જવા પર્યંતનું આ નર્મહાસ્ય ગુજરાતી સાહિત્યમાં હજી સુધી અજોડ છે.
-ચંદ્રકાન્ત ટોપીવાળા
વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે.
|