સવિશેષ પરિચય:
રમણલાલ દેસાઈ
દેસાઈ રમણલાલ વસંતલાલ
(૧૨-૫-૧૮૯૨, ૨૦-૯-૧૯૫૪) : નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર, કવિ. જન્મ શિનોર (જિ. વડોદરા)માં. વતન કાલોલ (જિ. પંચમહાલ). પ્રાથમિક શિક્ષણ શિનોરમાં. માધ્યમિક અને કૉલેજનું શિક્ષણ વડોદરામાં. અંગ્રેજી મુખ્ય વિષય સાથે
૧૯૧૪માં બી.એ. અને ૧૯૧૬માં એમ.એ. ૧૯૪૮માં નિવૃત્ત થયાં ત્યાં સુધી વડોદરા રાજ્યની નોકરી. ગાંધીજીના વિચારોથી પ્રભાવિત ખરા, પણ સ્વાતંત્ર્ય-આંદોલનમાં સીધી રીતે ક્યારેય સંકળાયેલાં નહીં. ૧૯૫૨માં વિશ્વશાંતિ પરિષદમાં અખિલ ભારત શાંતિ
પરિષદના પ્રતિનિધિ તરીકે વિયેનાની મુલાકાત. ત્યાંથી રશિયાનો પ્રવાસ. ૧૯૩૨માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૪૧ની ગુજરાતી સાહિત્ય પરિષદમાં સાહિત્યવિભાગના પ્રમુખ. હૃદય બંધ પડવાથી વડોદરામાં અવસાન.
એમણે લેખનપ્રવૃત્તિનો પ્રારંભ ૧૯૧૫માં સુરતમાં ભરાયેલી સાહિત્યપરિષદ વખતે ભજવવા માટે લખેલા ‘સંયુક્તા’ નાટકથી કર્યો, જે પછી પુસ્તકરૂપે ૧૯૨૩માં પ્રગટ થયું. પછી વડોદરામાં સાહિત્ય પરિષદ ભરાઈ ત્યારે સયાજીરાવે આપેલા
દાનની યોજના અન્વયે એમણે ‘મહારાણા પ્રતાપ’ (૧૯૧૯) અને ‘નાના ફડનવીસ’ (૧૯૨૨) એ ચરિત્રો, ‘પાવાગઢ’ (૧૯૨૦) પ્રવાસગ્રંથ અને ‘સંસ્કૃતિની ઉત્પત્તિ’ (૧૯૨૮) અનુવાદગ્રંથ પ્રસિદ્ધ કર્યાં. પરંતુ એમને લેખક તરીકે ખ્યાતિ તો
અપાવી, ૧૯૨૪-૨૫ દરમિયાન ‘નવગુજરાત’ સામયિક માટે એમણે લખેલી અને પછીથી ૧૯૩૮માં પ્રગટ થયેલી ‘ઠગ’ નવલકથાએ.
પાશ્ચાત્ય નવલકથાકારો કે તેમની નવલકથાઓ કરતાં ગુજરાતી નવલકથાકારો અને સર્જકો તથા ગાંધીજીની ભાવનાઓ અને સામ્યવાદી વિચારોની અસર એમણે ઝીલી, તત્કાલીન ગાંધીયુગીન સામાજિક ને રાજ્કીય પ્રશ્નો, શિક્ષિત
સુખીમધ્યમાવર્ગીય જીવનમાંથી આવતાં આદર્શપરાયણ અને આદર્શને ખાતર દુન્યવી સુખોનો ત્યાગ કરવાની તમન્નાવાળાં યુવાન-યુવતી પાત્રો, એ પાત્રો વચ્ચે બંધાતા પ્રણયત્રિકોણો અને તજજન્ય ઘર્ષણો, એકાદ ખલપાત્ર, કાવ્યન્યાય
મુજબ આવતો ભાવનાપોષક અંત, કથાનાં એક-બે પાત્રોનો રહસ્યમય ભૂતકાળ, કથાની વચ્ચેવચ્ચે આવતી સામાન્ય લૌકિક અનુભવો વિશેની ચિંતનકણિકાઓ, સરળ લોકભોગ્ય ભાષા ઇત્યાદિ તત્વોવાળું નવલકથાનું એક એવું રૂપ એમણે
નિપજાવ્યું કે આ નવલકથાઓએ ૧૯૩૦-૪૦નાં વર્ષો દરમિયાન ગુજરાતના બહોળા વાચકવર્ગમાં એમને લોકપ્રિય નવલકથાકાર બનાવી દીધા. ગ્રંથરૂપે પ્રગટ થયેલી એમની પહેલી સામાજિક નવલકથા ‘જયંત’ (૧૯૨૫)માં રચનારીતિનો જે
ઢાંચો બંધાયો તે જ સામાન્ય પરિવર્તન સિવાય એમની પછીની મોટા ભાગની નવલકથાઓમાં પણ જોવા મળે છે.
પ્રારંભથી જ એમની નવલકથાઓમાં ગાંધીવિચારો પ્રત્યેનો પક્ષપાત દેખાય છે. ‘શિરીષ’ (૧૯૨૭) અને ‘હૃદયવિભૂતિ’ (૧૯૪૦)માં ગુનેગાર ગણાતી કોમોની સેવાનો પ્રશ્ન કે ‘પૂર્ણિમા’ (૧૯૩૨)માંનો વેશ્યાજીવનનો પ્રશ્ન ગાંધીયુગીન
પતિતોદ્ધારની ભાવનામાંથી આવે છે. ‘હૃદયનાથ’ (૧૯૩૨)માં વ્યાયામ અને અખાડાપ્રવૃત્તિના વિકાસનો પ્રશ્ન છે. પરંતુ ગાંધીયુગીન આદર્શો અને જનજીવનને વ્યાપકરૂપે મૂર્ત કરતી અને સાહિત્યિક દ્રષ્ટિએ પણ વિશેષ સંતર્પક નવલકથા
‘દિવ્યચક્ષુ’ (૧૯૩૨) છે. અસ્પૃશ્યતા, સ્વદેશી-આંદોલન, સ્ત્રીસ્વાતંત્ર્ય, સભાસરઘસ, પોલીસના અત્યાચાર, અંગ્રેજરાજ્યના અમલદારોની સીધી કે આડકતરી જોહુકમી, રૂઢિચુસ્ત અને અંગ્રેજપરસ્ત સુખી વર્ગની ગાંધીજીની પ્રવૃત્તિઓ પ્રતિ
અશ્રદ્ધા વગેરે સમકાલીન વિચારો-ભાવનાઓને આ કૃતિમાં લેખકે ઝીલ્યાં છે અને અંતે હિંસા પર અહિંસાનો વિજય બતાવ્યો છે. એવી જ બીજી ધ્યાનપાત્ર સામાજિક નવલકથા ‘ગ્રામલક્ષ્મી’- ભા. ૧, ૨, ૩, ૪ (૧૯૩૩, ૧૯૩૪, ૧૯૩૫, ૧૯૩૭)માં
અસ્પૃશ્યતા, વિધવાવિવાહ, ગ્રામસફાઈ, હિંદુમુસ્લીમઐક્ય ઇત્યાદિ ગ્રામોન્નતિના પ્રશ્નોને વણી લીધા છે. ‘કોકિલા’ (૧૯૨૭)માં મજૂરજીવનનો પ્રશ્ન છે ખરો, પણ દાંપત્યપ્રેમનો મહિમા કૃતિના કેન્દ્રમાં છે. ‘સ્નેહયજ્ઞ’ (૧૯૩૧), મરણોત્તર પ્રકાશિત
‘ત્રિશંકુ’ (૧૯૫૫) તથા ‘આંખ અને અંજન’ (૧૯૬૦) એમની અન્ય સામાજિક નવલકથાઓ છે.
ગાંધીવિચાર સાથે સામ્યવાદી વિચાર ધરાવતાં પાત્રોનું આલેખન એમની નવલકથાઓમાં પ્રારંભથી દેખાય છે, પરંતુ ગાંધીયુગીન મૂલ્યો તરફનો એમનો અનુરાગ કૃતિને અંતે વિજયી બને છે. વચ્ચે થોડાંક વર્ષો દરમિયાન એમની દ્રષ્ટિમાં
પરિવર્તન અનુભવાય છે. ‘શોભના’ (૧૯૩૯)માં પરાશરના પાત્રને કેન્દ્રમાં લાવી પહેલી વખત સામ્યવાદી વિચારો તરફ તેનો તટસ્થ ભાવથી જુએ છે. ‘છાયાનટ’ (૧૯૪૧)માં વાસ્તવવાદી અભિગમ છે. એમની નવલકથાઓના પ્રચલિત
ઢાંચાથી કેટલેક અંશે જુદી પડતી આ નવલકથામાં આદર્શઘેલો ગૌતમ કૃતિને અંતે આદર્શ મૂકી મૂલ્યહા્સવાળા જગતની વાસ્તવિકતાને સ્વીકારી લે છે. ‘ઝંઝાવાત’- ભા. ૧-૨ (૧૯૪૮, ૧૯૪૯)માં સામ્યવાદી વિચારો પ્રત્યેની સહાનુભૂતિ વિશેષ
પ્રગટ થાય છે. ‘પ્રલય’ (૧૯૫૦)માં ઈ.સ. ૨૦૦૫ ના સમયના વિશ્વની કલ્પના કરી શસ્ત્રદોડ અને યુદ્ધ એ જ માનવજાતની નિયતિ છે એવો નિરાશાવાદી સૂર વ્યક્ત કર્યો છે. પરંતુ આ વાસ્તવવાદી ને નિરાશાવાદી દ્રષ્ટિ ફરી ભાવનાવાદ
તરફ વળે છે તે ‘સૌંદર્યજ્યોત’ (૧૯૫૧)માં ગાંધીજીની ટ્રસ્ટીશીપની ભાવનાના અને ‘સ્નેહસૃષ્ટિ (૧૯૫૩)માં ગાંધીરંગ્યા સામ્યવાદના પુરસ્કાર પરથી વ્યક્ત થાય છે. છેલ્લી કૃતિમાં તો ગાંધીવિચાર અને સામ્યવાદી વિચારના સમન્વયનું વલણ રહ્યું છે.
ઐતિહાસિક-પૌરાણિક વસ્તુ લઈ રચાયેલી એમની આઠ નવલકથાઓમાંથી ઘણીમાં ગાંધીયુગીન ભાવનાઓ ઐતિહાસિક વાતાવરણમાં પ્રવેશી છે, તો ક્યાંક ઇતિહાસ કરતાં અન્ય લોકરંજક તત્વો બળવાન બન્યાં છે. ૧૮૫૭ના
સ્વાતંત્ર્યસંગ્રામને વિષય તરીકે લઈ રચાયેલી, કળાકીય દ્રષ્ટિએ ધ્યાનપાત્ર ‘ભારેલો અગ્નિ’ નવલકથામાં રૂદ્રદત્તના કાલ્પનિક પાત્ર દ્વારા ગાંધીકથિત અહિંસાની ભાવના વણી લીધી છે. ‘ક્ષિતિજ’ –ભા. ૧, ૨ (૧૯૩૮, ૧૯૪૧)માં ગુપ્તસામ્રાજ્ય
પૂર્વેના અલ્પ-ઐતિહાસિક સામગ્રીવાળા નાગ જાતિના સામ્રાજ્યને વિષય તરીકે લીધું છે એટલું જ, અન્યથા ગાંધીવાદી ભાવનાઓ કૃતિમાં પ્રવેશીને ઐતિહાસિકતાને જોખમાવે છે. ‘પહાડનાં પુષ્પો’- ભા. ૧, ૨ (૧૯૪૩, ૧૯૪૯), ‘કાલભોજ’
(૧૯૫૦) તથા ‘શૌર્યતર્પણ’ (૧૯૫૧) એ મધ્યકાલીન રાજપૂત ઇતિહાસના સમયની કૃતિઓમાં ઐતિહાસિક વાતાવરણ પ્રમાણમાં વિશષ જળવાયું છે. ‘બાલાજોગણ’ (૧૯૫૨) મીરાંના જીવન અને વ્યક્તિત્વને કેન્દ્રમાં રાખી રચાયેલી
ચરિત્રનવલકથા છે. ‘શચી પૌલોમી’ (૧૯૫૪) વીરતા, પ્રેમ અને ચમત્કારના રસાયણમાંથી બનેલી પૌરાણિક વસ્તુવાળી નવલકથા છે. ‘ઠગ’ (૧૯૩૮) નવલકથા ઐતિહાસિક કરતાં ભેદભરમ અને પ્રણયનાં લોકરંજક તત્વોવાળી વિશેષ છે.
‘બંસરી’ (૧૯૩૩) જાસૂસી નવલકથા છે. ‘ઝાકળ’ (૧૯૩૨), ‘પંકજ’ (૧૯૩૫), ‘રસબિંદુ’ (૧૯૪૨), ‘કાંચન અને ગેરું’ (૧૯૪૯), ‘દીવડી’ (૧૯૫૧), ‘ભાગ્યચક્ર’ (૧૯૫૨), ‘સતી અને સ્વર્ગ’ (૧૯૫૩), ‘ધબકતાં હૈયાં’
(૧૯૫૪) અને ‘હીરાની ચમક’ (૧૯૫૮) એ વાર્તાસંગ્રહોમાંની દોઢસો જેટલી વાર્તાઓમાં દાંપત્યજીવનની પ્રસન્નતા ને વેદના, પ્રેમની ભગ્નતા, કવિ-કલાકારનું માનસ, સામ્યવાદી વિચારોથી રંગાયેલાં પાત્રોની ભાવનાઓ આદિ વિવિધ વિષયો અને ભાવોનું
નિરૂપણ છે, છતાં પાંખા કળાતત્વને લીધે એ ધ્યાનપાત્ર ઓછી બને છે.
‘સંયુક્તા’, ‘શંકિત હૃદય’ (૧૯૨૫), ‘અંજની’ (૧૯૩૮) તથા ‘ગ્રામસેવા’ (૧૯૪૧) એ લેખકનાં દીર્ઘનાટકો અને ‘પરી અને રાજકુમાર’ (૧૯૩૮), ‘તપ અને રૂપ’ (૧૯૫૦), ‘પુષ્પોની સૃષ્ટિમાં’ (૧૯૫૨), ‘ઉશ્કેરાયેલો આત્મા’ (૧૯૫૪),
‘કવિદર્શન’ (૧૯૫૭), ‘બૈજુ બાવરા’ (૧૯૫૯) તથા ‘વિદેહી’ (૧૯૬૦)માં સંગૃહીત એકાંકીઓ લેખકનો છેક સુધી જળવાયેલો નાટ્યશોખ સૂચવે છે. તત્કાલીન વ્યવસાયી રંગભૂમિમાં નાટકોનો પ્રભાવ દાખવતી ઐતિહાસિક, પૌરાણિક અને સામાજિક
વસ્તુવાળી આ નાટ્યરચનાઓમાં કળાતત્વ પાખું છે, પણ તખ્તાલાયકી છે.
એમના કાવ્યસંગ્રહો ‘નિહારીકા’ (૧૯૩૫) અને ‘શમણાં’ (૧૯૫૯)ની કવિતા મધ્યકાલીન અને અર્વાચીન ગુજરાતી કવિતાના સંસ્કારવાળી છે.
‘ગઈકાલ’ (૧૯૫૦) અને ‘મધ્યાહ્નનાં મૃગજળ’ (૧૯૫૬) એ એમના ૧૯૩૧ સુધીના જીવનપટને આલેખતી આત્મકથાત્મક કૃતિઓ છે. ‘રશિયા અને માનવશાંતિ’ (૧૯૫૩) પ્રવાસવર્ણનનો ગ્રંથ છે, તોપણ કેટલાક આત્મકથાત્મક અંશો એમાં દાખલ
થયા છે. ‘તેજચિત્રો’ (૧૯૪૨), ‘માનવસૌરભ’ (૧૯૬૦) અને ‘સ્વામી વિદ્યાનંદજી’ (૧૯૫૦) એમની ચરિત્રાત્મક કૃતિઓ છે.
‘જીવન અને સાહિત્ય’- ભા. ૧, ૨ (૧૯૩૬, ૧૯૩૮), ‘સાહિત્ય અને ચિંતન’ (૧૯૫૨), ‘કલાભાવના’ (૧૯૬૨), ‘તાવડિયા ગામનું આર્થિક અવલોકન’ (૧૯૩૩), ‘ગ્રામોન્નતિ’ (૧૯૪૦), ‘રાજબંધારણ’ (૧૯૪૨), ગણિકાઓના જીવનનો સર્વાંગી
અભ્યાસ કરતા ગ્રંથ ‘અપ્સરા’ના પાંચ ભાગ (૧૯૪૩, ૧૯૪૬, ૧૯૪૮, ૧૯૪૮, ૧૯૪૯), ઠક્કર વસનજી વ્યાખ્યાનમાળાને ઉપક્રમે અપાયેલાં વ્યાખ્યાનો ‘ગુજરાતનું ઘડતર’ (૧૯૪૫), ‘ઊર્મિ અને વિચાર’ (૧૯૪૬), ‘ગુલાબ અને કંટક’ (૧૯૪૮),
‘ભારતીય સંસ્કૃતિ’ (૧૯૫૪) એ એમના સાહિત્યવિવેચન, અભ્યાસચિંતન તથા ઇતિહાસના ગ્રંથો છે. ‘સંસ્કૃતિની ઉત્પત્તિ’ તથા ‘મારું જીવન અને કાર્યક્ષેત્ર’ (૧૯૪૦) એ એમના અનુવાદગ્રંથો છે.
-જયંત ગાડીત
દિવ્યચક્ષુ (૧૯૩૨) : ૧૯૩૦ ના મીઠાના સત્યાગ્રહ દ્વારા આખા દેશમાં વ્યાપી ગયેલ ગાંધીજીનાં વ્યક્તિત્વ, વિચારણા ને કાર્યક્રમોનું દસ્તાવેજી નિરૂપણ કરતી, રમણલાલ વ. દેસાઈની લોકપ્રિય નીવડેલી નવલકથા. અહિંસાત્મક પ્રતિકાર,
અસ્પૃશ્યતાનિવારણ, સમાજસેવા, સ્વદેશી આંદોલન, સ્ત્રીસ્વાતંત્ર્ય, સભા-સરઘસો, પોલીસના અત્યાચાર, અંગ્રેજ અમલદારોની જોહુકમી વગેરે એ જમાનાની અનેક વૃત્તિઓ-પ્રવૃત્તિઓને અહીં સ્થાન મળ્યું છે. સાથોસાથ અરુણ અને રંજનના
પરસ્પરના પ્રેમની, અરુણ પ્રત્યે પુષ્પાની અને રંજન પ્રત્યે વિમોચનની આસકિતની કથા પણ કહેવાઈ છે. કૃતિને અંતે એક અંગ્રેજ કુટુંબને આગમાંથી બચાવવા જતાં અરુણ અંધ બને છે, પણ રંજન જેવી સુશીલ પત્નીના નિષ્ઠા તથા
અહિંસાના આદર્શમાંની સ્થાયી શ્રદ્ધા રૂપે દિવ્યચક્ષુની પ્રાપ્તિ કરે છે.
-દીપક મહેતા
ગ્રામલક્ષ્મી – ભા. ૧-૪ (૧૯૩૩, ૧૯૩૪, ૧૯૩૫, ૧૯૩૭) : રમણલાલ વ. દેસાઈની ૧,૨૩૩ પાનાંમાં વિસ્તરેલી આ આદર્શવાદી નવલકથા તત્કાલીન ભારતની દુર્દશા માટે પરાધીનતા ઉપરાંત ગામડાંની અવદશાને આગળ કરે છે અને
ગ્રામોદ્ધારના અનેક કાર્યક્રમો કથાનાયક અશ્વિન દ્વારા અમલમાં મુકાતાં બદલાતા ગ્રામજીવનની ઝાંખી કરાવે છે. નોકરી મેળવવામાં નિષ્ફળતા મળતાં અશ્વિન તળાવમાં ડૂબીને આપઘાત કરવાનો પ્રયત્ન કરે છે, ત્યાં તેની સમક્ષ ગ્રામલક્ષ્મી
પ્રગટ થઈને તેને ગામડાંની સેવા કરવાનો આદેશ આપે છે. ત્યાર પછી ગામડાંના ઉદ્ધાર માટે અશ્વિન એક પછી એક પ્રવૃત્તિઓ આરંભે છે અને તેમાં સફળતા મેળવે છે- એવું કથાનક છે. ગાંધીવિચારને ચરિતાર્થ કરવા તાકતી આ કથામાં
કેટલાક વિચારકોએ ગ્રામજીવનના સજીવ સ્પર્શની ઓછપ, પાત્રનુરૂપ ભાષાનો અભાવ, બીબાંઢાળ પાત્રો અને સંવેદનાત્મક ઊંડાણની ઓછપ જેવી ઊણપો જોઈ છે.
-દીપક મહેતા
વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે.
|