સાહિત્યસર્જક: રામપ્રસાદ બક્ષી
સવિશેષ પરિચય:
ફોટો: રામપ્રસાદ બક્ષી-ચંદ્રકાન્ત ટોપીવાળા વાઙમયવિમર્શ (૧૯૬૩) : રામપ્રસાદ બક્ષીનો વિવેચનસંગ્રહ. આ ગ્રંથમાં બે લેખ સિવાય બાકીના લેખ સિદ્ધાંતચર્ચાના છે. બધા લેખો ત્રણ વિભાગમાં વહેંચાયેલા છે. પહેલા વિભાગના અઢાર લેખો કાવ્યત્વચર્ચાના છે; એમાં કાવ્યપ્રયોજન, પ્રતિભા, અલંકાર, છંદ, પ્રાસ, રસ ઇત્યાદિ કાવ્યની સાથે સંકળાયેલાં તત્વોની ચર્ચા છે. બીજા વિભાગમાં રસ અને અલંકારની ચર્ચા કરતા લેખો છે. આ બંને વિભાગમાં રસ અને અલંકારની આધુનિક સાહિત્યના સંદર્ભમાં તપાસ અને તેમની પ્રસ્તુતતાની લેખકે કરેલી ચર્ચા મહત્વની છે. ત્રીજા વિભાગના સત્તર લેખોમાંથી ચૌદ લેખો નાટક વિશે છે; એમાં નાટકનું પ્રાણભૂત તત્વ, નાટકના તાત્વિક પ્રકારો, રસ અને નાટ્ય, સાધારણીકરણ અને અભિનય, સંસ્કૃત એકાંકીનું સ્વરૂપ ઇત્યાદિ વિશેની માર્મિક ચર્ચા છે. બીજા બે લેખોમાં ટૂંકીવાર્તાના સ્વરૂપની ચર્ચા છે. બીજા વિભાગનો ‘ગુજરાતી સાહિત્યમાં હાસ્યરસ’ અને ત્રીજા વિભાગનો ‘હળવા નિબંધો’ એ બે લેખ ગુજરાતી સાહિત્યમાં તે તે સ્વરૂપના વિકાસને આલેખે છે. સંસ્કૃત સાહિત્યનું ઊંડું પરિશીલન, રજૂઆતમાં શાસ્ત્રીયતા, વિશદતા અને મૌલિકતા આ લેખોની લાક્ષણિકતાઓ છે. -જયંત ગાડીત વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી