રાવળ રવિશંકર મહાશંકર
(૧-૮-૧૮૯૨, ૯-૧૨-૧૯૭૭) : આત્મકથાલેખક, પ્રવાસલેખક. જન્મ ભાવનગરમાં. ત્યાં જ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ. ૧૯૧૦માં મૅટ્રિક. મુંબઈની આર્ટ સોસાયટીમાં પાંચ વર્ષના ચિત્રકલાના
અભ્યાસમાં ઉત્તીર્ણ થતાં ૧૯૧૬માં મેયો મૅડલ. હાજી મોહમ્મદ અલારખિયાના સંપર્કથી પ્રેરાઈને ૧૯૨૪માં અમદાવાદમાં ‘કુમાર’ કાર્યાલયની સ્થાપના અને તેનું સંચાલન. સરદાર પટેલ વિશ્વવિદ્યાલય, વડોદરામાં માનાર્હ
કલા-અધ્યાપક. કલાપ્રવૃત્તિ માટે ગુજરાત વિદ્યાસભા દ્વારા ૧૯૩૦ના વર્ષનો રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૬૫માં ભારત સરકારનો પદ્મશ્રી ખિતાબ. ૧૯૭૦માં લલિતકલા અકાદમીના ફેલો. અમદાવાદમાં અવસાન.
જાપાન અને ઉત્તરભારત તથા કુલુમનાલીની કલાયાત્રાનું વર્ણન કરતું ‘કલાકારની સંસારયાત્રા’ (૧૯૪૭) તથા વિયેના અને મોસ્કોની વિશ્વશાંતિ પરિષદ નિમિત્તે કરેલી વિદેશયાત્રાના અનુભવો નિરૂપતું ‘મેં દીઠાં નવાં
માનવી’ (૧૯૫૬) એમનાં પ્રવાસપુસ્તકો છે. ગુજરાતી કલા અને સંસ્કૃતિની વિકાસરેખા નિરૂપતી એમની આત્મકથા ‘આત્મકથાનક’ (૧૯૬૭) પણ નોંધપાત્ર છે.
એમણે અવનીન્દ્રનાથ, જમનબાબુ, બુરાકામી અને કાર્ટૂનિસ્ટ શંકર જેવા કલાવિદો વિશેના ચરિત્રલેખોનો સંગ્રહ ‘કલાકારની કલમે’ (૧૯૫૬) અને ‘ભારતની સંસ્કૃતિના પૂજક જેમ્સ કઝીન્સ’ (૧૯૫૯) જેવાં પુસ્તકો આપ્યાં
છે. ઉપરાંત એમણે અજંતાની શિલ્પચિત્રસમૃદ્ધિનું નિરૂપણ કરતું, રંગીન ચિત્રોથી યુક્ત પુસ્તક ‘અજંતાના કલામંડપો’ (૧૯૩૬) ઉપરાંત કલાનું સ્વરૂપ, તેનું મહત્વ અને મૂલ્ય સમજાવતાં કલાવિષયક લખાણો અને ભાષણોનો
સંગ્રહ ‘કલાચિંતન’ (૧૯૪૭) તેમ જ ‘સોળ સુંદર ચિત્રો’ (૧૯૨૫) જેવાં કલાવિવેચનો પણ આપ્યાં છે.
ગુજરાતી સાહિત્ય પરિષદના કરાંચીમાં મળેલા અધિવેશનમાં કલા વિભાગના પ્રમુખ તરીકે આપેલું વ્યાખ્યાન ‘ચિત્રસૃષ્ટિ’ (૧૯૩૭), મુનશી ષષ્ઠિપૂર્તિ નિમિત્તે દોરેલાં તેમની કથાસૃષ્ટિનાં પાત્રોનાં કાલ્પનિક રંગીન ચિત્રો
‘ક. મા. મુનશીની પાત્રસૃષ્ટિ’ (૧૯૫૩), ચરોતર ચિત્રશિક્ષક સંઘ અયોજિત વિદ્યાર્થી ચિત્રપ્રદર્શનના ઉદઘાટન નિમિત્તે કરેલ પ્રવચન ‘ચિત્રશિક્ષા’ (૧૯૩૯) વગેરે એમનું તદ્વિષયક પ્રકીર્ણ પ્રદાન છે.