સાહિત્યસર્જક: રાવજી પટેલ
સવિશેષ પરિચય:
રાવજી પટેલ-ચંદ્રકાન્ત ટોપીવાળા અંગત (૧૯૭૧) : રાવજી પટેલનો છાંદસ, અછાંદસ, ગીત, ગઝલ અને દીર્ઘ રચનાઓને સમાવતો મરણોત્તર કાવ્યસંગ્રહ. ઉત્તમ અને લોકપ્રિય તત્વોના સંમિશ્રણમાંથી જન્મેલું રાવજીની કવિતાનું ક્લેવર ‘દગ્ધ ઋષિકવિ’નું છે. અહીં નગરમાં આવી પડવાથી છિનવાઈ ગયેલા ગ્રામીણ અસબાબની ઝંખા છે. ક્ષયની શય્યાગ્રસ્ત રુગ્ણતા અને નિષ્ક્રયતા સાથે બહારના જગતના થયેલા વિયોગની વેદના છે તેમ જ મૃત્યુનું વૈયક્તિતક વેદન છે. રાવજીની કવિતામાં શબ્દબળ સાથે રહેલું ઈન્દ્રિયબળ પણ નોંધપાત્ર છે. અહીં પરંપરાનું જમા પાસું છે, તો શબ્દના અર્થને પરંપરાની તર્કસીમામાંથી છોડાવવાની જહેમત પણ છે. મૃત્યુનો હળવો ઉપહાસ રચતી ‘સ્વ. હુંશીલાલની યાદમાં’, ભિન્ન ભિન્ન મિજાજમુદ્રાઓ અને બદલાતાં વાસ્તવ પરિમાણો બતાવતી ‘સંબંધ’ અને આરંભથી અંત સુધી ઈન્દ્રિયગત ચમત્કૃતિઓની હારમાળા સર્જતી ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ મહત્વની રચનાઓ છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા અશ્રુધર (૧૯૬૬) : રાવજી પટેલની પહેલી નવલકથા. ક્ષયથી પીડાતા કથાનાયક સત્યનું પાત્ર કથાના કેન્દ્રમાં છે. સૅનેટોરિયામથી વતન ભણી અને ફરીને વતનથી સૅનેટોરિયમ ભણીની નાયકની યાત્રા વચ્ચે આપ્તજનની હૂંફ જેવું પાત્ર છે નાયિકા લલિતાનું. પરંતુ લલિતાની પ્રથમ પ્રાપ્તિથી માંડી લલિતાની અંતિમ પ્રાપ્તિ વચ્ચે વેદનાની જે ગતિવિધિ નવલકથાકારે ઉપસાવી છે, ભાવવળાંકો અને ભાવસંક્રમણો જે રીતે નિરૂપ્યાં છે, અભિવ્યક્તિની જે તાજગી અને ભાષાની જે કાવ્યાત્મકતા ઉપસાવી છે તે આ નવલકથાને આકર્ષક ઠેરવે છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા ઝંઝા (૧૯૬૬) : રાવજી પટેલની નવલકથા. ક્યાંક બેએક પત્રનો આશ્રય લેવાયો છે, એ સિવાય મુખ્યત્વે મુખ્યપાત્ર પૃથ્વીની ડાયરીરૂપે આ કથા રજૂ થઈ છે. આ કથામાં નાયકનું અસ્તિત્વ સંબંધોનાં સંવેદનો વચ્ચે ઉપસાવવાનો પ્રયત્ન છે. સંબંધોને જ લક્ષમાં રાખી નાયકનો શરૂનો ગૃહત્યાગ અને અંતનો ગૃહપ્રવેશ મૂલવી શકાય. પૂર્વાર્ધ સુધી વિકસતી રહેલી આ નવલકથાનું ઈન્દ્રિયસંવેદ્ય ગદ્ય એનું બળુકું અંગ છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી