પંચાલ શિરિષ જગજીવનદાસ
(૭-૩-૧૯૪૩) : વિવેચક, સંપાદક. જન્મ વડોદરામાં. ૧૯૫૮માં એસ.એસ.સી. ૧૯૬૪માં મ. સ. યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ., ૧૯૬૬માં એ જ યુનિવર્સિટીમાંથી એ જ વિષયમાં એમ.એ.
અને ૧૯૮૦માં પીએચ.ડી. ૧૯૬૫ થી ૧૯૬૭ સુધી બિલિમોરાની કૉલેજમાં અને ૧૯૬૭ થી ૧૯૮૦ સુધી પાદરાની કૉલેજમાં અધ્યાપક. ૧૯૮૦ થી મ. સ. યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં વ્યાખ્યાતા.
ડૉ. સુમન શાહ સંપાદિત સાહિત્યસ્વરૂપ પરિચય શ્રેણી અંતર્ગત ‘નવલકથા’ (૧૯૮૪) પર લખાયેલા એમના લઘુપ્રબંધમાં અભ્યાસ અને વિષય પરની પકડ જોઈ શકાય છે. ‘કાવ્યવિવેચનની સમસ્યાઓ’ (૧૯૮૫) એમનો શોધનિબંધ છે.
એમાં ગુજરાતી કાવ્યવિવેચનને અનુષંગે ઐતિહાસિક ને ઉત્ક્રમિક ચર્ચા છે. નર્મદથી માંડીને અત્યાર સુધીના મહત્વના પ્રશ્નોની વિચારણા કરવાનો અહીં ઉપક્રમ છે. નર્મદ, નવલરામ, રમણભાઈ નીલકંઠ, રા. વિ. પાઠક, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી,
ઉમાશંકર જોશી, હરિવલ્લભ ભાયાણી વગેરેના વિચારોની તપાસમાં રૂપરચના, ભાષા, અલંકારપ્રતીકરચના, જીવનદર્શન જેવાં વિવિધ પાસાંઓનો સ્પર્શ કરાયો છે. એમનો ‘રૂપરચનાથી વિઘટન’ (૧૯૮૬) વિવેચનસંગ્રહ સાંપ્રત વિવેચનના
વિવિધ પ્રવાહોનું પ્રમાણિત દિગ્દર્શન આપે છે.
‘વૈદેહી’ (૧૯૮૮) એમની નવલકથા છે. ‘જરા મોટેથી’ (૧૯૮૮) એમનો નિબંધસંગ્રહો છે. આ ઉપરાંત એમણે સુરેશ જોષીની વાર્તાઓનું સંપાદન ‘માનીતીઅણમાનીતી’ (૧૯૮૨)માં સુરેશ જોષીના નિબંધોનું સંપાદન ‘ભાવયામિ’ (૧૯૮૪)માં કર્યું
છે. આ સંપાદનો સાથે જોડાયેલા એમના પ્રાસ્તાવિક અભ્યાસલેખો તલસ્પર્શી છે.
-ચંદ્રકાન્ત ટોપીવાળા
રૂપરચનાથી વિઘટન (૧૯૮૬) : આધુનિકતાની વિભાવનાને નવેસરથી તપાસતો શિરિષ પંચાલનો વિવેચનગ્રંથ. એમાં રૂપરચનાથી વિઘટન સુધીના સાહિત્યસિદ્ધાંતોને આવરી લઈ સર્જક, અનુ-આધુનિકતા, પરંપરાભંજકતા, સાહિત્યનું સમાજશાસ્ત્ર,
સાહિત્યના વ્યાપક સંદર્ભો, આધુનિક માનવસંદર્ભ-વગેરેની પુનર્વિચારણા કરી છે; અને વિવેચનના સંકોચાઈ ગયેલા ક્ષેત્ર પરત્વે સભાન બની કૃતિની સાથે સંબંધ ધરાવતાં સ્થલકાલસાપેક્ષ પરિમાણોના મહત્વને ઓળખવાનો પ્રયત્ન કર્યો છે.