સાહિત્યસર્જક: શિવકુમાર જોશી
સવિશેષ પરિચય:
શિવકુમાર જોશી-પ્રસાદ બ્રહ્મભટ્ટ આભ રુવે એની નવલખ ધારે- ભાગ ૧-૨ (૧૯૬૪) : શિવકુમાર જોશીની આ નવલકથા બંગાળની પાર્શ્વભૂમિ, સામ્યવાદી વિચારસરણી અને પ્રવૃત્તિઓ તથા ભારતીય ઇતિહાસના ૧૯૪૧ થી ૧૯૫૦ના મહત્ત્વના સમયગાળાને આવરે છે. દેશપ્રેમની ભાવનાથી રંગાયેલ જયમનબહેનનો સ્વૈરાચારી પુત્ર અશેષ; તેની સુંદર, સંસ્કારી, સુશિક્ષિત બંગાળી પત્ની કાજલ; સામ્યવાદી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો તેનો ભાઈ ઉત્પલ-કથાનાં મુખ્ય પાત્રો છે. અશેષ-કાજલનું પ્રેમલગ્ન અશેષની સિદ્ધાંતવિહોણી જીવનરીતિ અને સ્ત્રીસંગ-લોલુપતાને કારણે છિન્નભિન્ન થતું જોવાય છે. કથા ફલેશબેક પદ્ધતિથી રજૂ થઈ છે, પણ લેખક વચ્ચે વચ્ચે કથાનાયક તેમ જ વાચક સાથે વાત કરી લે છે. ઐતિહાસિક સામગ્રીનું આકલન પાત્રોના અંગત જીવનની સાથે નહીં સાંધો નહીં રેણ સમું થઈ શકયું નથી. -દીપક મહેતા સોનલ છાંય (૧૯૬૭) : પિયૂ, શરદ અને અમૂલ્ય વચ્ચેના પ્રણયત્રિકોણની કથા અપરંપરાગત રીતે કહેતી, શિવકુમાર જોશીની લઘુનવલ. કથામાં અમૂલ્ય વાચકની નજર સામે મોટે ભાગે હાજર નથી; હાજર છે તેની ડાયરી. ડાયરીના અંશોને શરદના આત્મકથન સાથે વણી લઈને લેખકે એકસાથે બે જુદાં દ્રષ્ટિબિંદુઓથી કથા રજૂ કરી છે. કૃતિમાં સાહિત્યિક સ્તરની અને બોલચાલની ભાષાનું મિશ્રણ કુશળતાપૂર્વક થયું છે. દીર્ઘ વ્યાપવાળી પોતાની બીજી અનેક નવલકથાઓની સરખામણીમાં લેખક, આ કૃતિમાં વધુ કલાત્મકતા સિદ્ધ કરી શકયા છે. -દીપક મહેતા વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી