સાહિત્યસર્જક: સિતાંશુ મહેતા
સવિશેષ પરિચય:
ફોટો: સિતાંશુ મહેતા -ચંદ્રકાન્ત ટોપીવાળા ઓડિસ્યુસનું હલેસું (૧૯૭૪) : સિતાશું યશશ્વન્દ્રનો ભાષાની અપૂર્વ શક્યતાઓ ઊભી કરતો કાવ્યસંગ્રહ. પરાવાસ્તવવાદનો માર્ગ સ્વીકારેલો હોવા છતાં આ કવિનો કાવ્યવ્યાપાર બહુધા પોતીકો છે. અહીં પરાવાસ્તવવાદ સાથેનું અનુસંધાન અને એમાંથી વિશેષ રીતે થતો આ કવિનો વિચ્છેદ નોંધપાત્ર છે. આ વાદ તર્કના કોઈ પણ વર્ચસ્વથી મુક્ત તેમ જ કોઈ પણ સૌંદર્યનિષ્ઠ કે નૈતિક પૂર્વગ્રહોથી મુક્ત એવા વિચારનું અનુલેખન ઇચ્છે છે; અને શુદ્ધ મનોગત સ્વયંસંચલનોને, સ્વયંસ્ફુરણોને, સ્ફુરણઆલેખનોને, સ્વપ્નસૃષ્ટિને, અતર્કને, અનૈતિહાસિક સમયને, ઉદ્દેશપૂર્વકની અસંગતિને, તરંગલીલાને, ચિત્તભ્રમો કે ઇન્દ્રિયભ્રમોને અનુસરે છે સિતાંશુ આ વાદના સ્પ્રિંગબોર્ડથી ઘણી રચનાઓમાં ઊંચાઈને પામ્યા છે. સંમોહનની સ્વયંચાલિતતાની જોડાજોડ અહીં સંયોજનની સભાનતા છે; સૌંદર્યનિષ્ઠ અભિવ્યક્તિ અને સૌંદર્યનિષ્ઠ એકતા બંનેનો સ્વીકાર છે. કવિનું વલણ પ્રતિ-બુદ્ધિવાદી છે, તો સાથે સાથે પ્રતિ-લાગણીવાદી પણ છે. અચેતન શબ્દસમૂહો અને શબ્દસાહચર્યોથી રોંજિદી ભાષાનું આ કવિ અતિક્રમણ કરે છે. આ સંદર્ભમાં, ‘દાં.ત., મુંબઈ : હયાતીની તપાસનો એક સરરિયલ અહેવાલ’ જો આ સંગ્રહનું આશાસ્પદ કાવ્ય છે, તો ‘મગનકાવ્યો’ આ સંગ્રહની મૂડી છે. આ રચનાઓનો કાળોતરો ઉપહાસ પોતાના પ્રત્યેનો છે. આ સંગ્રહનાં કાવ્યોમાં અતર્ક સાથે કામ પાડનારો કવિ સતત પ્રજ્ઞાનો સાથ લઈને ચાલ્યો છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા જટાયુ (૧૯૮૬) : સિતાંશુ યશશ્ચન્દ્રનો બીજો કાવ્યસંગ્રહ. અહીં સંગ્રહાયેલી ‘જટાયુ’, ‘પ્રલય’, ‘ઘેરો’, ‘મોએં-જો-દડો’ આદિ પ્રશિષ્ટ મહિમાવંતી રચનાઓની પાછળ કવિની સતત ફંટાતા રહેવાની ક્રિયાસિધ્યિ છે. આ દીર્ઘરચનાઓમાં અંગત વેદનાને અને અંગત વિવાદોને બૃહદ્ અન્વયો અને બૃહદ્ સંદર્ભો સાંપડ્યા છે; અને તે ભાષાનાં સ્થાપત્યોમાંથી ઊપસ્યા છે. વિદગ્ધ કલ્પનાસામગ્રી. અર્થગર્ભ પ્રતીકો અને લયાન્વિત સંકેતોને કારણે ઘણી રચનાઓ બળુકી બની છે. ગીતજૂથ જોકે પ્રમાણમાં નબળું છે, પણ પરાવાસ્તવની અભિગ્રસ્તતાને અતિક્રમી જતો કવિનો પુરુષાર્થ સંગ્રહનું આકર્ષણ છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા રમણીયતાનો વાગ્વિકલ્પ (૧૯૭૯) : સિતાંશુ યશશ્ચન્દ્રના આ શોધનિબંધમાં જગન્નાથના ‘રમણીયતા’ના વિભાવનું તથા કાન્ટના ‘સ્વરૂપ’ના વિભાવનું તુલનાત્મક અધ્યયન ભર્તૃહરિના ભાષાદર્શનના સંદર્ભમાં કરવામાં આવ્યું છે. ભર્તૃહરિ, ભરત, અભિનવગુપ્ત તથા શોપનહોર વગેરેના વિભાવોની તુલનાત્મક તપાસ દ્વારા તેઓ અનુભવથી કાવ્યાનુસાર વચ્ચે રહેલી પ્રક્રિયાની સ્પષ્ટતા કરે છે. એમના મતે અનુભવ પામવાની પ્રક્રિયા મનુષ્યના અસ્તિત્વની સાથે સંકળાયેલી છે. આ પછી તેઓ અનુભવની જ્ઞાનમીમાંસા અને અસ્તિત્વમીમાંસા રજૂ કરે છે. એમાં દર્શાવ્યું છે તેમ, માનવીય અનુભવ ત્રિ-પરિમાણી છે : કાર્યશીલતા, ચૈતન્યશીલતા અને સ્વપ્નશીલતા. એમની આ ‘ભૂમિકા’ના તાત્ત્વિક સ્વરૂપને તેઓ કાન્ટ અને જગન્નાથના અનુક્રમે ‘આકાર’ અને ‘રમણીયતા’ના સંદર્ભમાં તપાસે છે; અને આ બેનાં તદ્દન ભિન્ન પરંપરાનાં ચિંતનોના તુલનાત્મક અધ્યયન દ્વારા એમણે જે ભૂમિકા પૂરી પાડી છે તે તુલનાત્મક સૌન્દર્ય મીમાંસાના ક્ષેત્રમાં એક મહત્ત્વનું અર્પણ છે. -હર્ષવદન ત્રિવેદી વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી