સાહિત્યસર્જક: ત્રિભુવનદાસ લુહાર ‘સુન્દરમ્’
સવિશેષ પરિચય:
ત્રિભુવનદાસ લુહાર ‘સુન્દરમ્’-ચંદ્રકાન્ત ટોપીવાળા કોયા ભગતની કડવી વાણી અને ગરીબોનાં ગીતો (૧૯૩૩) : સુન્દરમ્ નો પ્રથમ કાવ્યસંગ્રહ. અહીં કવિએ રાષ્ટ્રોત્યાનના સંકલ્પે ગાંધીસૈનિક તરીકે સમાજજાગૃતિ લાવવા સુધારાના આક્રોશ સાથે પ્રાથમિક અને પ્રતિબદ્ધ કાવ્યાવિષ્કારો આપ્યા છે. અખા ભગત કે ભોજા ભગતની પરંપરામાં સર્જેલા કલ્પિત કોયા ભગતના નવા પાત્ર મારફતે જૂની ઢબનાં ભજનોની ધાટીમાં નવા જમાનાના વિષયો ને એની ભાવના રજૂ થયાં છે. સામાજિક દંભ, વિષમતા, વર્ગભેદ, ઈશ્વર-ધર્મ અંગેની પોલી શ્રદ્ધા પરના કોયા ભગતના પ્રહારો હાસ્ય-કટાક્ષ સાથે અનુકંપાશીલ છે. આદમ, ભંગડી, રૂડકી, માકોરબાઈ, નભુલાલ એવાં પાત્રો અહીં ઊપસ્યાં છે. સમાજ પરત્વેનો સંદેશ પ્રમુખ હોવા છતાં કેટલીક કૃતિઓનું કાવ્યસૌન્દર્ય અળપાયું નથી. -ચંદ્રકાન્ત ટોપીવાળા કાવ્યમંગલા (૧૯૩૩) : સુન્દરમ્ નો વૃત્તબદ્ધકાવ્યો, સૉનેટો, ગીતોને સમાવતો કાવ્યસંગ્રહ. ગાંધીવાદી અને સમાજવાદી વિચારસરણીના સંયુક્ત દબાવમાંથી પ્રગતિશીલ ઉન્મેષો અને વિશેષ વળાંક અહીં પ્રગટ્યા છે. સાથે સાથે બળવંતરાય ઠાકોરની અર્થપ્રધાન કવિતાનું દૂરવર્તી પ્રતિફલન પણ અહીં છે. એમાં, રાષ્ટ્રજાગૃતિનો ઉત્સાહ અને દલિત-પીડિત-દરિદ્રો તરફનો સમભાવ અછતો નથી. આથી, જીવનના તુમુલ સંઘર્ષ વચ્ચે કાવ્યકળાની સાભિપ્રાયતા અંગેનો સંશય ઠેર ઠેર છે; અને કવિની મંથનદશા સ્ફૂટ છે. તેમ છતાં જીવનમૂલ્ય અને કાવ્યમૂલ્યનાં સહિયારાપણાનાં કેટલાંક રૂડાં પરિણામો દર્શાવતાં કાવ્યોમાં કલાનિષ્ઠ વાસ્તવાભિમુખતા છે. ‘બુદ્ધનાં ચક્ષુ’ કે ‘બાનો ફોટોગ્રાફ’ જેવી રચનાઓ અને ‘ત્રણ પડોશી’ કે ‘ભંગડી’ જેવી પ્રસિદ્ધ રચનાઓ અહીં છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા વસુધા (૧૯૩૯) : ‘સુન્દરમ્’નો કાવ્યસંગ્રહ. સમાજમાં પ્રવર્તતી અસમાનતા અને વિસંવાદિતાનાં કાવ્યો ‘મોટર હાંકનાર’, ‘ઈંટાળા’, ‘ધનયુગનો સ્થિતપ્રજ્ઞ’, ’૧૩-૭ની લોકલ’ વગેરેમાં માનવજાત પ્રત્યેની અનુકંપા જોવા મળે છે. ગોપીભાવે કે ક્યાંક તત્વચિંતકની દ્રષ્ટિએ કવિ ઈશ્વરની લીલા નિહાળે છે ત્યાં કવિતાની અને ભક્તિની અનન્ય પરાકાષ્ઠા નિરૂપાય છે. પ્રણયનો ઉત્કટ આવેગ, ગુજરાતી પ્રણયકવિતાના સીમાચિહ્નરૂપ ગણાયેલ ‘સળંગ સળિયા પરે’માં ચિંતનાત્મક ઢબે વણાયેલી પ્રણયની આરત, મનુષ્યપ્રેમની ઉત્કટતા સાથે પરમતત્વનું અનુસંધાન, અભીપ્સાની સાથે સમર્પણની ભાવના અને સાચી અનુભૂતિનો રણકાર અહીં જોવા મળે છે. ‘કર્ણ’ અને ‘દ્રૌપદી’ જેવાં કથાકાવ્યોમાં એ પાત્રો પ્રત્યેની કવિની લાગણી કાવ્યમય રીતે પ્રગટ થઈ છે. સમગ્રપણે જોતાં, ‘વસુધા’ની કવિતા જીવનતત્વ, પ્રકૃતિ અને પ્રેમ, અધ્યાત્મતત્વના આવિષ્કારો, ચિંતનગર્ભની સ્ફુરણાની સાથોસાથ સાંપ્રત જનસમાજનાં જીવનવહેણો અને લાગણીઓ સાથે સંકળાયેલી છે. ભાષાનું બળ, એનું માધુર્ય, શૈલી અને સૌન્દર્યના કારણે આપણને અહીં વિરલ કવિતા મળે છે. એમાં બદ્ધવૃત્તો વિશેષ ધ્યાન ખેંચે છે. -કિશોરસિંહ સોલંકી યાત્રા (૧૯૫૧) : સુન્દરમ્ નો ગીતો, સૉનેટો, દીર્ઘ ચિંતનકાવ્યો અને પરંપરિત હરિગીત, ઝુલણા કે કટાવની રચનાઓને સમાવતો કાવ્યસંગ્રહ. યુગધર્મ પછી સ્વધર્મે વળેલી સુન્દરમ્ ની કવિતા અહીં આત્મધર્મ તરફ અધ્યાત્મમાર્ગે ફંટાયેલી છે. અહીં ગાંધીવાદી-સમાજવાદી વિચારણાનું શ્રી અરવિંદના પ્રભાવ હેઠળ ઉત્ક્રાંતિશીલ ઊધ્વર્વજીવનની ઝંખનામાં ઉપશમન થયું છે. ‘યાત્રા’નો યાત્રી ઊર્ધ્વસૃષ્ટિને ઝંખતો સંનિષ્ઠ, સત્યશોધક છે, પરંતુ એની શ્રદ્ધા કવિતા પર્યંત પહોંચવામાં ઊણી ઊતરતી હોવાની પ્રતીતિ રહે છે. તેમ છતાં અહીં ‘રાઘવનું હૃદય’, ‘નિશા ચૈત્રની’, ‘આ ધ્રુવપદ’, ‘ગુલબાસની સોડમાં’ વગેરે પ્રતિભાપૂર્ણ રચનાઓ છે. ‘ઉજ્જડ બગીચામાં’, ‘એક કિલ્લાને તોડી પડાતો જોઈને’, ‘અનુ દીકરી’માં સામાન્ય અનુભવોની અસામાન્ય રજૂઆત કાવ્યોને રોચક બનાવે છે. એમાંય ‘અનુ દીકરી’માં મૃતદીકરી પ્રત્યેના વાત્સલ્યની તીક્ષ્ણ પરિણતિ અવિસ્મરણીય રીતે કરુણ છે. વ્યક્તિકાવ્યોમાં ‘શ્વેતકેશી પિતર’ અને ‘અહો ગાંધી’ નોંધપાત્ર છે. ભિન્ન ભિન્ન રાગોને સ્પર્શતી સૉનેટમાલામાં રાગોના વ્યક્તિત્વને સ્ફૂટ કરવાની કવિની નેમ છે. અહીં ‘ઢૂંઢ ઢૂંઢ’ અને ‘મેરિ પિયા’ વ્રજભાષામાં રચાયેલી મધુર ગીતરચનાઓ છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા પિયાસી (૧૯૪૦) : સુન્દરમ્ નો ટૂંકીવાર્તાઓનો સંગ્રહ. પ્રગતિવાદ અને સામ્યવાદના પ્રચ્છન્ન સ્તરો સાથે કલાત્મક વાસ્તવ સર્જતી અને નિમ્ન વર્ગનાં તેમ જ ઉચ્ચ વર્ગનાં પાત્રોના વિરોધસામ્યથી નિરૂપણની તીક્ષ્ણતા સાધતી આ સંગ્રહની વાર્તાઓ સુન્દરમ્ ને વાર્તાકાર તરીકે ઊંચા સ્થાને સ્થાપિત કરે છે. ગ્રામીણ, નાગરી કે અકિંચન વર્ગની કોઈ એક ઘટના કે એના પાત્રની આસપાસ તેઓ કસબથી પોતાનું વાર્તાવિશ્વ રચે છે. ‘માજા વેલાનું મૃત્યુ’માં સમાજના અ-ભદ્રલોકમાં પ્રવેશી અંદરખાનેથી જે રીતે સમભાવપૂર્ણ અને તટસ્થ ચિત્ર દોર્યું છે અને જે રીતે સપાટીની નીચે સતત વ્યંગનું અસ્તર મૂક્યું છે તે જોતાં તે આ સંગ્રહની ઉત્તમ વાર્તા ઠરે છે. ‘માને ખોળે’ ની સામગ્રી અને તેની કરુણ વ્યંજકતા સિદ્ધહસ્તનાં છે. ‘પેકાર્ડનો પ્રવાસ’ અને ‘પની’ પણ નોંધપાત્ર વાર્તાઓ છે. શિષ્ટ-અશિષ્ટના-નિરૂપણમાંથી ઊંચો ઊઠતો વાર્તાકારનો પ્રશિષ્ટ અવાજ આ સંગ્રહને નોખો તારવે છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા ઉન્નયન (૧૯૪૫) : સુન્દરમ્ નો વાર્તાસંગ્રહ. ૧૯૩૯માં ‘ખોલકી અને નાગરિકા’ નામે પ્રસિદ્ધ સંગ્રહમાં બીજી પાંચ વાર્તાઓ ઉમેરી નવેસરથી થયેલું આ પ્રકાશન છે. ‘ખોલકી’ આ સંગ્રહની જ નહીં, ગુજરાતી વાર્તાસાહિત્યની ઉત્તમ વાર્તાઓમાંની એક છે. બીજવરને પરણેલી ગ્રામીણ યુવતી ખોલકીની સમાગમક્ષણ સુધી પહોંચતી આ વાર્તાની વાસ્તવલક્ષી તાજગી અને એનું કલાત્મક પરિણામ અપૂર્વ છે. ‘નાગરિકા’માં પુસ્તકજડ પતિની સાથે સમાગમ ઈચ્છતી અને જુદી રીતે ફંટાઈ જતી નાગરી કન્યાનું આલેખન છે. કેટલીક વાર્તાઓમાં ઊર્મિલ નિરૂપણ અને શિથિલ સંવિધાન હોવા છતાં ‘નારસિંહ’ કે ‘પ્રસાદજીની બેચેની’ જેવી વાર્તાઓ ધ્યાનાર્હ બનેલી છે. (- -ચંદ્રકાન્ત ટોપીવાળા અર્વાચીન કવિતા (૧૯૪૬) : ૧૮૪૫ પછીની ગુજરાતી કવિતાની રૂપરેખા આપતો સુન્દરમ્ નો વિવેચનગ્રંથ. અહીં જૂના અને નવા એમ બે પ્રવાહોમાં કવિતા પહેંચી છે. સ્તબકો, એના ખંડકો તથા પેટાવિભાગોમાં, વિકસતી કવિતાને કાલક્રમે અવલોકી છે. કુલ ૩૫૦ જેટલા કવિઓની નાનીમોટી સવા હજાર જેટલી વાંચેલી કૃતિઓમાંથી સુન્દરમે અહીં કાવ્યગુણ ધરાવતા લગભગ ૨૫૦ જેટલા લેખકો અને તેમની કૃતિઓને અવલોક્યાં છે. અલ્પપ્રસિદ્ધ કવિઓ અને કૃતિઓમાંથી વધુ અવતરણો લેવાનું અને દોષોનાં દ્રષ્ટાંતોને ટાળવાનું લેખકે મુનાસિબ ગણ્યું છે. આ સમગ્ર અવલોકન પાછળ, કાવ્યનું મૂલ્યાંકન કરવાને કાવ્યની પોતાની જ દ્રષ્ટિ સૌથી વધુ ન્યાયપૂર્ણ નીવડે છે એવો સંકલ્પ રહેલો છે. છંદોલય, શબ્દવિચારશૈલી અને આંતરિક તત્વની ત્રિવિધ સામગ્રીને મૂલ્યાંકનના મુખ્ય ઘટક ગણી કવિતાને આનંદ અને સૌન્દર્યના કર્મ તરીકે તપાસી છે. કૃતિઓનાં પ્રત્યક્ષ વાચન સાથે મળેલો આ શ્રદ્ધેય ઇતિહાસગ્રંથ ઝીણવટથી થયેલા પરિશીલનનો મૂલ્યવાન નમૂનો છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા અવલોકના (૧૯૬૫) : ‘સુંદરમ્’નો વિવેચનસંગ્રહ. ૧૯૩૫થી ૧૯૬૧ દરમિયાન જુદા જુદા નિમિત્તે લખાયેલા આ લેખોમાં ગુજરાતી ગદ્ય અને પદ્ય-કૃતિઓનાં અવલોકનો છે. કેટલાક અધ્યયનલેખો અને કેટલાક પ્રવેશકો છે. ગ્રંથના પૂર્વાર્ધમાં પદ્ય પરના લેખો છે. તેમાં ‘શ્રી બળવંતરાય ક. ઠાકોરની કવિતાસમૃદ્ધિ’, ‘ત્રણ સુકવિઓ’, ‘શેષનાં કાવ્યો’, ‘કલાપી : સાહિત્યકાર તરીકે’ એ અધ્યયનલેખો છે. વિષય અને ભાવની દ્રષ્ટિએ થયેલી આ તપાસ કાવ્યસૂઝવાળી છે અને એમાંના મોટા ભાગનાં નિરીક્ષણો વ્યાપક સ્વીકૃતિ પામે એવાં છે. ૧૯૪૧ના વર્ષની અને બીજી પદ્યકૃતિઓનાં અવલોકનો તથા પ્રવેશક-લેખોમાં પોતાના સમકાલીન ઘણા નવોદિત કવિઓની સમભાવપૂર્વક થયેલી સમીક્ષાઓ છે. ગ્રંથના ઉત્તરાર્ધમાં મુકાયેલાં ગદ્યાવલોકનોમાં ૧૯૪૧ના વર્ષની ગદ્યકૃતિઓની સમીક્ષા વિશેષ ભાગ રોકે છે. એ સિવાય ‘કૌમુદી’, ‘પ્રસ્થાન’, ‘સાબરમતી’ વગેરે સામયિકોમાં પ્રગટ થયેલા ટૂંકા સમીક્ષાત્મક લેખો અને કેટલાક પ્રવેશકલેખો અહીં છે. નવલકથા, નાટક, નવલિકા વગેરે સાહિત્યકૃતિઓની સમીક્ષાની સાથે ધર્મ, ઇતિહાસ, તત્વજ્ઞાન ઇત્યાદિ સાહિત્યેતર પુસ્તકોની સમીક્ષા પણ છે. જયંતી દલાલના એકાંકીસંગ્રહ ‘જવનિકા’, મુનશીની આત્મકથાઓ ‘અડધે રસ્તે’ અને ‘સીધાં ચઢાણ’, ધૂમકેતુના નવલિકાસંગ્રહ ‘તણખા : મંડળ ૪’ તથા પન્નાલાલની નવલકથાઓ ‘માનવીની ભવાઈ’, ‘પાછલે બારણે’, ‘અજબ માનવી’, ‘ભાંગ્યાના ભેરુ’ની સમીક્ષાઓ ટૂંકી અને દ્યોતક છે. -જયંત ગાડીત વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી