સાહિત્યસર્જક: સુરેશ દલાલ
સવિશેષ પરિચય:
સુરેશ દલાલ-સતીશ વ્યાસ એકાન્ત (૧૯૬૬, ૧૯૭૮) : ૧૨૦ જેટલાં કાવ્યો ધરાવતો સુરેશ દલાલનો પ્રથમ કાવ્યસંગ્રહ. એમાં મધ્યકાલીન ગોપજીવનના ભાવો, પ્રણય, પ્રકૃતિ, અધ્યાત્મ અને સમકાલીન આધુનિક ચેતનાને વ્યક્ત કરતા વિષયોને ગૂંથવાનો કવિએ પ્રયાસ કર્યો છે. સૉનેટો, અન્ય છાંદસ રચનાઓ, અછાંદસ કાવ્યો અને ગીતો-એમ વિવિધ પ્રકારોમાં એમની સર્જકતા આવિષ્કૃત થઈ છે. ગીતો એમને વિશેષ રુચે છે. પ્રસ્તુત સંગ્રહમાંનું ગીતોનું પ્રમાણ એની સાક્ષી પૂરે છે. ઘણાં ગીતોમાં શબ્દ કરતાં સૂરનું પ્રભુત્વ વધારે રહેલું લાગે છે. આમ છતાં ‘અવલાના દવલા સંગાથ’, ‘ઠપકો’, ‘વ્હેતું ના મેલો’, ‘તો જાણું’, ‘થોભ્યાનો થાક’, ‘ઈજન’ જેવાં ગીતો કાવ્યાત્મક છે. રાધાકૃષ્ણવિષયક કેટલાંક ગીતો પણ આસ્વાદ્ય છે. ‘નિકટ-દૂર’, ‘અષાઢે’ અને ‘એ જ શમણે’ પ્રમાણમાં સારાં સૉનેટ છે. ‘અષાઢે’માં વિરહી યક્ષની તુલનાએ આધુનિક નાગરી નાયકની વિરહવેદના કેવી દારુણ છે એ એમણે સરસ રીતે ઉપસાવ્યું છે. ‘એ જ શમણે’માં સવાર, બપોર, સાંજના રેઢિયાળ નિત્યક્રમ પછી શહેરી નાયકને ભાવતી રાતનો મહિમા સુંદર રીતે પ્રગટ કરવામાં આવ્યો છે. ‘ફલેટમાં’ નામનું પરંપરિત હરિગીતમાં રચાયેલું એક લાંબું કાવ્ય થોડી મુખરતા હોવા છતાં કવિકર્મની દ્રષ્ટિએ નોંધપાત્ર છે. એમાંનો આધુનિક સભ્યતા પરનો કટાક્ષ આસ્વાદ બન્યો છે. બોલચાલની સહજ ભાષાના લહેકાઓ દ્વારા અહીં કવિત્વ નિષ્પન્ન થયું છે. ‘જોજો-જરા સંભાળજો’ પણ આવી જ શૈલીમાં લગભગ આવા જ વિષય પર સર્જાયેલું કાવ્ય છે. ‘એકાન્ત’ માં પરંપરાનું અનુસરણ વધારે અને મૌલિક ઉન્મેષો ઓછા જોવા મળે છે. -સતીશ વ્યાસ વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી